વિવાદોમાં રહેતા ગાંધીધામ પાલિકાના એન્જિનિયરની ભરતી પ્રક્રિયા નિયમો વિરુદ્ધ કરાઈ હોવાનું કહીને તેને છુટા કરીને નિયમાનુસાર નવાની ભરતી કરવાની માંગ પાલિકાના સીઓ સામે કરી હતી. કોંગ્રેસના યુવા અગ્રણી અને નગરસેવક અમીત અજીત ચાવડાએ ચીફ ઓફિસરને પત્ર પાઠવીને જણાવ્યું કે ગાંધીધામ પાલિકાના બાંધકામ વિભાગમાં 11 માસના કોંટ્રાક્ટ બેઈઝ પર રાખેલા મ્યુનિસિપલ એન્જિનિયર આશિષકુમાર કુશ્વાહાને કેવી રીતે લેવામાં આવ્યું છે તે યોગ્ય નથી. એન્જિનિયર તરીકે લીધા ત્યારે ન્યુઝ પેપરમાં જાહેરાત અપાઈ નથી, ભરતી માટે કોઇ ઈન્ટરવ્યું પણ લેવાયો નથી.
યોગ્ય શૈક્ષણિક લાયકાત પણ ધરાવતા નથી અને માત્ર ડિપ્લોમા સિવીલ છે. ડાયરેક્ત ભરતી ખરેખર નિયમો વિરુદ્ધ અને મ્યુનિસિપલ એકાઉન્ટ કોડનો ભંગ છે. કરોડોના ચુકવણામાં એન્જિનિયરની સહી થાય છે. એગ્રીમેન્ટ જે 300ના સ્ટેમ્પ પેપર પર હોવું જોઇએ તે 100ના સ્ટેમ્પ પેપર પર આપેલુ છે. ગેરરીતી આચરાઈ હોવાનું સ્પષ્ટ થતા આ અંગે બે વાર સીઓને પત્રો પણ લખી માહિતી મંગાઈ, પરંતુ આ બાબતે પુરી માહિતી મળેલ નથી.
આ માટે કોઇ જવાબદાર હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા અને અન્ય એન્જિનિયરની નિયમાનુસાર ભરતી કરવા અરજ કરાઈ હતી, જો 20 દિવસ ભરતી નહી કરાય તો પાલિકા સામે ઉપવાસ આંદોલન પર બેસવામાં આવશે, જેની જવાબદારી અધિકારીઓ, પદાધિકારીઓની રહેશે તેમ જણાવ્યું હતું. નોંધવુ રહ્યું કે એન્જિનિયર અગાઉ પણ વિવાદોમાં આવી ચુક્યા છે, થોડા સમય પહેલાજ સાશક પક્ષના નેતા સાથે ગેરવર્તણુક અંગે રાવ ઉઠતી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.