તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ભાજપના મહામંત્રી પાલિકામાં ડેલે હાથ દઇ પરત ફર્યા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના પદાધિકારીઓ ભાજપ સંગઠનની સૂચના ન ગણકારતા વિવાદ
  • ભાજપ સંગઠન અને પાલિકા પદાધિકારીઓ વચ્ચે તાલમેલ ન જળવાય તો અડચણની વકી

ગાંધીધામ નગરપાલિકામાં તોતિંગ બહૂમતિ મેળવ્યા પછી ભાજપ દ્વારા તાજેતરમાં સંગઠનના વડા, પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. આ વરણી પછી બુધવારે નવનિયુક્ત બે પૈકી એક મહામંત્રી પાલિકામાં આવીને પદાધિકારીઓ સાથે ચર્ચા કરનાર હતા. આ બાબતે જાણકારના મત મુજબ સૂચના પણ આપવામાં આવી હતી. પરંતુ સમયસર પહોંચેલા મહામંત્રીને અન્ય પદાધિકારીઓ હાજર ન હોવાનું જણાતા પરત ફરવું પડ્યું હોવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ ન જળવાય તો વિકાસ કામોથી લઇને અન્ય કામોમાં પણ તેની અસર પડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

ભાજપની નવી ગાઇડલાઇન મુજબ સુધરાઇમાં જેને ટિકિટ લેવી હોય તો હોદ્દેદારોએ રાજીનામા આપવા પડશે તે અંતર્ગત પ્રમુખ અને બે મહામંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામા આપ્યા પછી ત્રણેય આગેવાનો પુનીત દુધરેજીયા, તારાચંદ ચંદનાની, વિજયસિંહ જાડેજાએ પાલિકાની ચૂંટણીમાં વિજેતા પણ બન્યા હતા. સંગઠનની આ ખાલી પડેલી જગ્યા માટે લાંબા સમયથી ખેંચતાણો ચાલતી હતી. તેમાં જે નામોની ચર્ચા હતી તેને બદલે અન્ય જૂથના નામો આવતાં કોથળામાંથી બિલાડું નિકળ્યાની વાત ભાજપના કાર્યકરોમાં ટોક ઓફ ધી મેટર બની હતી.

સૂત્રોના દાવા મુજબ નવ નિયુક્ત સંગઠનના વડાઓના પદ ગ્રહણ અને સન્માનના કાર્યક્રમ બાદ પાલિકામાં પદાધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે, મહામંત્રી મહેન્દ્ર જુણેજા આવશે. પરંતુ મહામંત્રી બપોરે 12 કલાકે પહોંચ્યા ત્યારે કોઇ પદાધિકારી છે કે કેમ તેની જાણકારી મેળવતા હજુ કોઇ આવ્યા ન હોવાની વાત તેમને મળી હતી. ત્યાર બાદ થોડો સમય ઉપપ્રમુખ બળવંત ઠક્કરની ચેમ્બરમાં બેસીને મહામંત્રી રવાના થઇ ગયા હતા. મહામંત્રી શું કામ આવ્યા હતા અને શું કામગીરી કરાવવામાં આવનાર છે તે અંગે કોઇ સત્તાવાર વિગત મળતી નથી.

પ્રમુખ બદલવા કમલમનું શરણ લેવાયું?
સૂત્રોના દાવા મુજબ પ્રમુખ તરીકે પંકજ ઠક્કરની વરણી કરવામાં આવતાં ભાજપના એક જૂથ દ્વારા નારાજગી શરૂ કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે કહેવાય છે કે સન્માન કાર્યક્રમમાં હાજરી પણ આપવાનું આ જૂથે ટાળ્યું હતું. એક જૂથના આગેવાનોએ પ્રદેશ મોવડી સમક્ષ રજૂઆત કરવાના હેતુથી અમદાવાદ અને ગાંધીનગરમાં ધામા નાખી પરત ફર્યા હોવાની વિગત પણ મળી હતી. જોકે, સત્તાવાર રીતે આ બાબતે કોઇ મગનું નામ મરી પાડતું નથી. પરંતુ ભાજપના કાર્યકરોમાં આ બાબતે ચર્ચાના એરણે ચડેલી છે. અલબત, એક વખત જાહેરાત થઇ ગયા પછી તેમાં કોઇ બદલાવ આવતો નથી. સામાન્ય રીતે આવું બનતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...