તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સલુઝિવ:પાણી માટે 77 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો

ગાંધીધામ24 દિવસ પહેલાલેખક: મહાદેવ મહેતા
  • કૉપી લિંક
  • પાલિકા પાસે નર્મદાના પાણી જ મુખ્ય સ્રોત
  • પાણી સંગ્રહ શક્તિ વધારાશે : સરકારમાં યોજના મોકલાઇ
  • નેતાગીરી પાણી બતાવશે તેની ઉપર મદાર
  • પાણી પુરતા પ્રેશરથી આપી શકાશે
  • 67 એમએલડી પાણી શુદ્ધીકરણનો પણ સમાવેશ

પચરંગી વસ્તી ધરાવતા ગાંધીધામ- આદિપુરમાં પીવાના પાણીની બૂમરાડ બારે માસ જુદા જુદા વિસ્તારમાં ઉઠે છે. નગરપાલિકા દ્વારા પાણી પુરતું મળી રહે તે માટે પ્રયત્ન કરાય છે પરંતુ કોઇને કોઇ સ્થિતિને કારણે સફળતા મળતી નથી. કુલ જરૂરી શુદ્ધીકરણ પ્લાન્ટની ક્ષમતા 107 એમએલડીની સામે 40 એમએલડી પાણી શુદ્ધીકરણની ક્ષમતા છે તેમાં 67 એમએલડી પાણી શુદ્ધ વધુ થઇ શકે તે માટેના પ્રોજેક્ટ સહિતની યોજના અંદાજે 77 કરોડની દરખાસ્ત મોકલવામાં આ‌વી છે. આ દરખાસ્ત ગાંધીનગર ખાતે પ્રેઝન્ટેશન બાદ તાંત્રિક મંજુરી મળ્યા પછી જ આગળ ધપી શકશે.

આ યોજના ક્યારે સાકાર થશે તે તો સમય આવ્યે ખ્યાલ આવશે. પરંતુરાજકીય દ્રષ્ટીએ ઇચ્છાશક્તિનો અભાવ કે અન્ય પરીબળોને કારણે સમયસર લોકો સુધી યોજનાઓ પરીપૂર્ણ થઇને પહોંચવી જોઇએ તે પહોંચી શકતી નથી. હાલ ગાંધીધામમાં એકાંતરે અને આદિપુરમાં બે દિવસથી વધુ દિવસોએ પાણી વિતરણ થાય છે.

નર્મદાના પાણી પર આધાર રાખી રહેલા આ વિકસીત શહેરમાં અંદાજે 55 હજાર જેટલા નળ કનેકશનો ચોપડે બોલી રહ્યા છે, બાકીના કેટલાય ગેરકાયદેસર કનેકશનો પણ લેવામાં આવ્યા છે. સરકારે અગાઉ નળ સે જળ યોજનામાં 100 કરોડ રૂપિયા ફાળવવા નક્કી કર્યું હતું. જે પ્રોજેક્ટને આગળ ધપાવવાની સાથે નગરપાલિકાએ અગાઉની ગતિવિધિ તેજ કરી હતી. પરંતુ ગત વર્ષના નાણાંકીય બજેટની જોગવાઇ પછી રાતી પાઇ પણ આ બાબતે સરકારે ફાળવી ન હતી. નવા નાણાંકીય વર્ષમાં પણ આવી જોગવાઇ પાલિકાએ બજેટમાં ચાલુ રાખી છે.

પાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, તૈયાર કરવામાં આવેલી દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. મંજુરી મળ્યા પછી આગળ વધાશે. પ્રોજેક્ટ શરૂ થયા પછી શિડ્યુલ મુજબ લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળશે અને દૈનિક નહીં તો બીજા દિવસે પાણી પુરૂં પાડી શકાશે. જ્યારે પાણી સમિતિના ચેરમેન સંજય ગર્ગે હજુ હમણાં જ પાણી સમિતિના ચેરમેન તરીકે વરાયા હોવાથી તે બાબતની કોઇ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.

હયાત મશીનરી સહિતના ક્ષેત્રે સુધારા કરાશે
હયાત વિતરણ વ્યવસ્થામાં મુકાનારી મશીનરી સિસ્ટમમાં સુધારો કરવા માટે રામબાગ ખાતે 100 કેવી વોર્ડ નં.1માં 60 કેવી, સુંદરપુરીમાં 35 કેવી, કાર્ગોમાં 55 કેવી,સેક્ટર-8માં 105 કેવી, ડીસી-2માં 110 કેવી છે તેમાં વધારો કરીને કુલ 418નો પ્રાથમિક અંદાજ રાખવામાં આવ્યો છે જ્યારે હયાત રાઇજીંગ મેઇનની કેપેસીટી 94.37 એમએલડી છે જેની લંબાઇ 11.915 મીટર ગ્રેવીટી લાઇન, 18.80 એમએલડી ક્ષમતામાં 1600 મીટર વિતરણ વ્યવસ્થાની લાઇનો 2.50 હજાર મીટર જણાવાઇ છે. હાલ પાણીના સ્થાનિક સ્ત્રોતમાં આદિપુરમાં અગાઉ 40થી વધુ બોર થકી પાણી અપાતું હતું પરંતુ બોર ફેલ થતાં રામબાગ પાણીના ટાંકા પરથી પાણી અંદાજે 3થી 3.5 એમએલડી પાણી આપવામાં આવે છે.

અંદાજીત વસ્તી મુજબ પાણીની જરૂરીયાત

વર્ષવસ્તીજરૂરીયાત (MLD)
20112.47 લાખ39.92
20204.15 લાખ66.81
20355.75 લાખ92.98
20507.85 લાખ126.38
અન્ય સમાચારો પણ છે...