માંગ:ગાંધીધામમાં વધારાની 1 ટાઉન પ્લાનિંગની કચેરી બનાવો : ધારાસભ્યે કરી મુખ્યમંત્રી સમક્ષ માંગ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ધારાસભ્યની રજુઆત બાદ સિટી સર્વેની કચેરી શરૂ થઇ હતી

ગાંધીધામમાં વધારાની ટાઉન પ્લાનિંગ કચેરીની સ્થાપના કરવા સહિતના મુદ્દે ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને સબંધિત વિભાગોને રજુઆત કરવામાં આવી છે. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મુખ્યમંત્રી સહિતનાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગાંધીધામ-આદિપુર જોડિયા શહેર કચ્છ જીલ્લાની આર્થિક રાજધાની તરીકે ગણના થાય છે. ભૂકંપ બાદ કચ્છનો અન્ય વિસ્તારોની સરખામણીએ ગાંધીધામ-આદિપુરનો વિકાસ ખૂબ ઝડપી થયો છે. ગાંધીધામ ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.

નમક ઉદ્યોગ, ટિમ્બર ઉદ્યોગ, કાસેઝ, ઇફકો, દીનદયાળ પોર્ટ વગેરેને કારણે આર્થિક વિકાસ વધવાની સાથે લોકોની મિલ્કતોમાં પણ વધારો થયો છે. અંદાજે 50,000 થી વધારે મિલકતો ફક્ત આદિપુર-ગાંધીધામ જોડિયા નગરમાં આવેલી છે વખતો વખતની મૌખિત તથા લેખિત રજૂઆતોના કારણે ગાંધીધામમાં સીટી સર્વેની કચેરીની શરૂઆત થઇ છે. આ કચેરીની શરૂઆતી મહેકમ તરીકે એક સિનિયર સર્વેયર તથા બે અન્ય કર્મચારીની મંજુરી મળેલ છે આથી સંકુલના મિલ્કતધારકોને દસ્તાવેજીકરણમાં વિલંબ થાય છે. તો બાબતે લોકોની હાડમારી નિવારવા પૂરતા પ્રમાણમાં વધારાનું મહેકમ મંજુર કરવા રજૂઆત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત વિગતોને લક્ષમાં લેતાં કાયમી ધોરણે નગર નિયોજકની નિમણૂક કરીને નગરવિકાસની પ્રક્રિયાને વેગ મળે એમા સહભાગી થવા આશા વ્યક્ત કરી હતી. વધુમાં રાજકોટ અને મહેસાણા જિલ્લાની માફક ક્ચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે એક વધારાની ટાઉન પ્લાનિંગ કચેરીની સ્થાપના કરવામાં આવે એવી કંડલા-ગાંધીધામ-આદિપુર સંકુલની માંગણી છે. જેથી કરીને પૂર્વ કચ્છની જનતા ને ભુજ સુધીના લાંબા ધક્કા ખાવાની મુશ્કેલીમાંથી રાહત મળે અને લોકોના કામ ઝડપથી પૂર્ણ થાય.

કાયમી નગર નિયોજક નિમણૂક જરૂરી
ક્ષેત્રફળની દ્રષ્ટિએ કચ્છ જીલ્લો રાજયમાં વધુ વિસ્તાર ધરાવતો જીલ્લો છે. ભૂકંપ બાદ તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં કચ્છમાં મોટા પાયે નવસર્જન જેને કારણે રહેણાકની સુવિધાઓમાં પણ વધારો થયેલ છે. જીલ્લાની ટાઉન પ્લાનીંગ કચેરીમાં મુખ્ય ટાઉન પ્લાનર અધિકારીની નિમણુક વર્ષો પછી કરવામાં આવી છે.

આ નિમણૂક થયા પછી કામની ગતિમાં વધારો થવો જોઈએ તે થઇ નથી વધારામાં અધિકારી પણ છેલ્લા થોડા સમયથી રજામાં હોવાથી રાજકોટ નગર નિયામકને વધારાનો ચાર્જ સોપવામાં આવેલ છે પરંતુ તેઓ કદાચ કામના બોજને કારણે હોવાથી જિલ્લાનો વિકાસ સ્થગિત કે રૂપાતો હોય એવી લોકલાગણી પ્રવર્તે છે.

ચેમ્બરે લડત આપી હતી
દીન દયાળ પોર્ટ સામે ચેમ્બર સાથે અન્ય સંસ્થાઓ જોડાઇને મોરગેજ ફી , ટ્રાન્સફર ફી વગેરે સહિતના મુદ્દે લડત આપી હતી. જેના પરિણામે લોકોની હાડમારી ઘટી પણ હતી અને સિટી સર્વે કચેરી શરૂ થતાં મુશ્કેલીનો થોડોક અંત પણ આવ્યો હોવાની ધારણા છે. જો કે, રાજકીય ઇચ્છા શક્તિમાં ગાંધીધામનું વજન અગાઉ જોઇએ તેવું ન જણાતાં અન્યાય પણ થઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...