ગાંધીધામ- આદિપુર સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેરને કારણે નવી માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી હતી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શીકાનું આમ જુઓ તો 15મી સુધીની જાહેરાત કરાઇ છે. પરંતુ કમુરતા હોવાથી લગ્ન તો 14 તારીખ પછી જ આયોજન કરાયું છે.
જેમાં ગાંધીધામ- આદિપુર વગેરે સ્થળો પર જોવામાં આવે તો હોટલ, ટેન્ટ, કેટરીંગ વાળા વગેરે જેને લગ્ન માટે વ્યવસ્થા કરવા ઓર્ડર આપવામાં આવ્યા હતા તે ઓર્ડર હાલ ધડાધડ મોકુફ થઇ રહ્યા છે. લગ્ન સમારંભ મોકુફ રાખવાની પણ નોબત આવી છે. સંકુલમાં આવા 50થી વધુ લગ્ન સમારંભ પર રોક લાગી ગઇ છે અને હજુ અન્ય 15મી તારીખની નવી ગાઇડલાઇનનું મુહૂર્ત જોયા પછી આગળ વધે તેવી શક્યતા છે.
કેટરીંગ, ટેન્ટ, વગેરે વ્યવસાયમાં હજુ કળવળી હતી અને ધીરે ધીરે ગાડી પાટા પર આવી રહી હતી. જુદા જુદા ઓર્ડરો પણ મળતા થયા હતા. જેને લઇને માંડ માંડ બેઠા થતા આ વ્યવસાયમાં બીજી તરફ તાજેતરમાં જ કોરોનાના ફુંફાડાના પગલે ફરી એક વખત જોખમ ઉભું થઇ રહ્યું છે.
લગ્ન સમારંભનું આયોજન કરી ચુકેલા કેટલાક લોકો હવે અવઢવ ભરી સ્થિતિમાં આગળ વધી રહ્યા છે. કેટલાકે આર્થિક ફટકો સહન કરીને પણ લગ્ન સમારંભ માટે રાખેલા હોલ, કેટરીંગ, ટેન્ટ વગેરેને ના પાડી દીધી છે અને ઓર્ડર મોકુફ કરી દીધા છે. જાણીતી હોટલના સૂત્રોએ પણ જણાવ્યું હતું કે, તેમને ત્યાં 3થી વધુ ઓર્ડર અગાઉ નક્કી થયા હતા તે કેન્સલ થયા છે.
‘ગોર’ પણ નવરા પડ્યા
સંકુલની કેટલીક મોટી પાર્ટીઓ ઇવેન્ટ મેનેજમેન્ટ થકી પોતાના કાર્યક્રમો કરાવે છે. તેમાં લગ્નનો પણ હાલ સમાવેશ થાય છે. તેને પણ આ દિશામાં આગળ વધીને ફટકો પડ્યો છે. વળી, લગ્ન કરાવનાર ગોર મારાજ જે એક તબક્કે જુદા જુદા સ્થળો પર પહોંચી શકે તેમ ન હોવાથી સહાયક માટે વ્યવસ્થા કરી હતી. હવે કેટલાક તેને લીધેલા લગ્નના યજમાનને લગ્ન મોકુફ રાખતાં બીજે નજર દોડાવવી પડે તેવી સ્થિતિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.