સતત વધતા કેસો વચ્ચે મંગળવારે ગાંધીધામ તાલુકામાં કોરોના વાઈરસના કેસોની અડધી સદી ફટકારી હતી. એક સાથે 50 કેસ પોઝિટિવ આવ્યા છે,આવું બીજી લહેર બાદ પ્રથમ વાર બન્યું જ્યારે કે સાથે આટલા કેસ પોઝિટિવ આવ્યા હતા. તો ટૅસ્ટીંગ પોઝિટિવ પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર તે પણ જોવા મળ્યો કે પોઝિટિવ આવેલા તમામમાંથી માત્ર 4 જ એવા છે, જેમણે સરકારી રાહે ચેક કરાવ્યું હતું, બાકી તમામ પોઝિટિવ રિપોર્ટ ખાનગી ધોરણે કરાવાયા હતા.
મંગળવારે ગાંધીધામ તાલુકાના શહેરી વિસ્તારમાં 48 તો ગ્રામ્ય વિસ્તારમાં 2 નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા,તો સાથે અગાઉ પોઝિટિવ આવેલા 34 ડીસ્ચાર્જ કરાયા હતા. પોઝિટિવ આવેલા 50 કેસોમાંથી 4 કેસ સરકારી લેબોરેટરીના છે, તો બાકીના 46 ખાનગી લેબોરેટરીના છે.વધતા કેસોથી ચીંતાનો વ્યાપ સતત વધવા પામી રહ્યો છે. પોઝિટિવ આવેલાઓમાં ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા, તેના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિતનાનો સમાવેશ થાય છે.
રસીકરણ ઝૂંબેશનો વેગ
ફ્રન્ટલાઇનર વોરીયર્સ વગેરે માટે પ્રોટેકશન ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે તેમાં આજે 1710ને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. જુદા જુદા 20થી વધુ સ્થળો પર આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને જાન્યુઆરીના અંત સુધીમાં અંદાજે 15000ને રસી આપવાનું લક્ષ્ય છે.
પાલિકા, પોલીસ, મામલતદારનો સ્ટાફ હજી બુસ્ટર ડોઝ માટે નિરસ
ફ્રન્ટ લાઈન વર્કર્સ માટે બુસ્ટર ડોઝની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખુબ ઓછી સંખ્યામાં તે લેવાનો ઉત્સાહ સરકારી કચેરીઓમાં જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ નગરપાલિકા, મામલતદાર, તાલુકા પંચાયત, પોલીસ સહિતના વિભાગોના મોટા વર્ગ હજી પણ બુસ્ટર ડોઝ લેવા નથી આવી રહ્યો.
ખાનગી લેબોરેટરીઓમાં સ્ટાફ લાયકાત, નિયમોની જાળવણી માટે તપાસ જરૂરી
ગાંધીધામમાં દસેક જેટલી ખાનગી લેબોરેટરીઓને આડેધડ પરવાનગીઓ આપી દેવાઈ છે ત્યારે અમુક લેબોરેટરી ધારકોએ તો પોતાના સેન્ટર બહાર ભીડને જોઇને તંબુ પણ તાણી દીધા છે. આવી સ્થિતિમાં ચેકિંગ કરનારજ કે ટૅસ્ટીંગ સ્થળજ સ્પ્રેડર બને તેવો ભય રહે છે ત્યારે નિયમોનું ચુસ્તતા પુર્વક પાલન થાય છે કે નહિ, જે સ્ટાફ દ્વારા ટેસ્ટીંગ કરાય છે તે આવશ્યક લાયકાત ધરાવે છે કે નહિ તે સહિતની તપાસ આવશ્યક બની હોવાનો સુર ઉઠવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.