તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલીઝંડી:પ્રમુખના વોર્ડમાં નાળા કવર્ડ કરવા સહિતના વિવાદીત કામોને લીલીઝંડી

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખના સંસ્થા હિતના સૂચન નાખ્યા કચરા ટોપલીમાં!
  • સુધરાઇની કારોબારીની પહેલી બેઠકમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો

ગાંધીધામ નગરપાલિકાની વર્તમાન બોડીની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં જ વાદ-વિવાદ થાય તેવા નિર્ણયો લેવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે. 88 જેટલા જુદા જુદા કામો જેમાં મોટા ભાગના અગાઉની બોડીના સમયના હતા તેનો સમાવેશ થાય છે. પ્રજાના પૈસાનો વેડફાટ ન થાય અને પ્રાથમિક સુવિધાઓ જળવાઇ રહે તે માટે ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવેલા સૂચનને કચરા ટોપલીના હવાલે કરીને કારોબારીમાં તમામ દરખાસ્તોને મંજુર કરી દેવામાં આવી છે.

જેમાં વિવાદાસ્પદ કહી શકાય તેવા એજન્ડામાં ખુદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં વરસાદી નાળા કવર્ડ કરવાના 25 લાખના ખર્ચથી લઇને આઉટ સોર્સીંગથી કામ આપવા વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ મંજુરી પછી હવે આગામી દિવસોમાં પાલિકાના રાજકારણમાં કેવું વાતાવરણ ઉભું થાય છે તે જોવું રહ્યું.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યોજાયેલી ચૂંટણી પછી લાંબા સમયથી સમિતિઓની રચના કરવામાં આવી ન હતી. સમિતિઓની રચનાને ચારેક મહિના વિતિ ગયા પછી હવે આજે રચાયેલી સમિતિઓ પૈકી કારોબારી સમિતિની પ્રથમ બેઠક ચેરમેન પુનીત દુધરેજીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. સાંજના સમયે મળેલી આ બેઠકમાં એજન્ડા મુજબના જુદા જુદા કામોને બહાલી આપવામાં આવી હતી. ઉપસ્થિત એક સભ્ય દ્વારા તેના વોર્ડમાં થનાર રોડના કામો અંગે પણ પૂછપરછ કરીને આ અંગે કોઇ પત્ર આવેલ છે કે કેમ તેની માહિતી માગી હતી પરંતુ આવું કોઇ સૂચન આવ્યું ન હોવાનો દાવો પણ પાલિકાના વર્તૂળોમાંથી બહાર આવી રહ્યો છે.

દરમિયાન અંદાજે એક કલાકથી વધુસમય સુધી ચાલેલી બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી વોર્ડ નં.5માં રેલવે કોરોની પેયાવુથી અપનાનગર બી-142 સમાંતર સ્ટ્રોમ વોટર ડ્રોમ બનાવવા અને અપનાનગર બી-142થી બી-148ની સમાંતર સ્ટ્રોમ વોટર બોક્ષ ડ્રેઇન બનાવવાના કામનો સમાવેશ થાય છે. ચર્ચા વિચારણા પછી આ કામને પણ બહાલી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ પાલિકા પ્રમુખ ઇશિતાબેન ટિલવાણી કરી રહ્યા છે.

અન્ય મહત્વના કામોમાં સેક્ટર, સપનાનગર વિસ્તારમાં ડ્રેનેજની સફાઇ, ફરિયાદના નિકાલની કામગીરી, 5 ઝોનમાં કચરો ઉપાડવાની કામગીરી આઉટ સોર્સીંગથી આપી હોઇ 1.48 કરોડ મંજુર કરવા, ડોર ટુ ડોર કચરા કલેકશન આદિપુર, ગાંધીધામ જુનો શહેરી વિસ્તાર વગેરેના એજન્ડાઓને મંજુર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકામાં અગાઉની બોડીના શાશકો દ્વારા લેવામાં આવેલાનિર્ણયોમાં કેટલાય ઠરાવોમાં વાદ-વિવાદો થઇ ચૂક્યા હતા અને કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપને વિક્રમ સર્જક કહી શકાય તેવી બહૂમતિ આપવામાંઆવી હતી. લોકોએ ખોલબે ખોલબે મત આપીને ફરીથી શુશાસનની આશાએ વિકાસ મંત્રને ધ્યાનમાં રાખીને ભાજપની પસંદગી કરી હતી. પરંતુ હાલ ભાજપમાં જૂથવાદ કે અન્ય કોઇ કારણોસર અંદરો અંદર ચાલતી ખટપટની રાજનીતિ અનેકવિધ સમીકરણો આગામી સમયમાં ઉભા કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

મંજુર ટેન્ડર રદ્દ કરી 4 કરોડનો ફાયદો કરાવો : ઉપપ્રમુખનો લેટર બોમ્બ
પાલિકાના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ ઉપપ્રમુખ બળવંતભાઇ ઠક્કરે પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવીને તા.2ના મળી રહેલી કારોબારીની બેઠકમાં એજન્ડા નં.24, 25,26, 40, 41, 42, 43, 44, 45માં જે તે એજન્સી કામ બરાબર થતંુ નથી તેની શરત મુજબ કામ થતા ન હોવાની રજૂઆતો આવી છે. પાલિકાએ ટીમ બનાવીને સર્વે પણ કર્યો છે. ડ્રેનેજના કામમાં ગંભીર ફરિયાદો આવી છે અને રકમ પણ મોટી મંજુર થઇ હોઇ બીજાના ટેન્ડર રદ્દ કરાવીને ટેન્ડર મંજુર થયાનું તારણ વ્યક્ત કરી તમામ કામોના ટેન્ડર રદ્દ કરી નવા ટેન્ડર આપીને પાલિકાને 3થી 4 કરોડનો ફાયદો થશે તેવો દાવો કરેલી માગણી પર ધ્યાન અપાયું હોય તેમ જણાતું નથી.

વેરાની માફીની દરખાસ્ત મંજુર
બંધ પડેલ મિલ્કતોમાં મકાન માલિક દ્વારા પ્રોપર્ટી ટેક્ષમાં વળતર કે માફી આપવા માટે માગણી કરવામાં આવી હતી. જુદા જુદા કિસ્સામાં થયેલી આ રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જોકે, આ ઠરાવ ન થાયતે માટે નિયમનો હવાલો આપીને પાલિકાના ઉપપ્રમુખ પત્ર પણ પાઠવ્યો છે.

સુપ્રિમની ગાઇડલાઇનનું પાલન ન થયું?
કરવામાં આવેલી ફરિયાદમાં કેટલાક એવા નીતિ વિષયક બાબતો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમાં વરસાદી નાળા કવર્ડ કરવાની બાબતે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ વરસાદી નાળા ખુલ્લા રાખવાના હોય છે જ્યારે અહીં બંધ કરવાની વાત આવે છે તે યોગ્ય ન હોવાને લઇને તથા પાલિકા એક કવર્ડ કરેલ વરસાદી નાળા તોડવામાં આવે છે જેમાં ભાનુદર્શન એપાર્ટમેન્ટ, સત્ય શીવમ એપાર્ટમેન્ટના નાળાનો પણ ઉલ્લેખ કરાયો છે. પાલિકાની બેધારી નીતિ અંગે આગામી દિવસોમાં અનેકવિધ ફણગા ફુટે તો નવાઇ નહીં. ગત બોડી દ્વારા મંજુર કરવામાં આવેલા રસ્તાના કામોમાં રોડ સારા હોવા છતાં તોડીને નવા બનાવવાનો પણ વિરોધ નોંધાવાયો છે તેવી વિગત બહાર આવી છે.

અન્ય સમાચારો પણ છે...