તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મલાઇમાં જ ડોળો:રામબાગ પાણીના ટાંકા પર વાલ્વ બદલવાના કામમાં ઠેકેદારોને રસ નથી

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની લાખો રૂપિયાની મશીનરી કાટ ખાઇ રહી છે : મલાઇમાં જ ડોળો

ગાંધીધામ નગરપાલિકામાં એક બાજુ શહેરના જુદા જુદા વિસ્તારમાં થઇ રહેલા કે થનાર કામ અંગે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેમાં કેટલીક વખત રીંગ પ્રર્થા પણ કોન્ટ્રાક્ટરો મોટા કામમાં અપનાવતા હોવાથી બૂમ અવારનવાર ઉઠે છે. પરંતુ અન્ય નાના કહી શકાય તેવા કામોમાં કોન્ટ્રાક્ટરોને રસ ન હોય તેવું ચિત્ર પણ ઉપસી રહ્યું છે. રામબાગ પાણીના ટાંકા પર વાલ્વ અને પાઇપ બદલવા માટે નાના કામના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છતાં ચાર વખત સુધીની આ કામગીરીમાં કોઇએ રસ દાખવ્યો નથી. આ અંગે પાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો અન્ય લાખો રૂપિયાની મશીનરીને પણ તેની અસર પડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

શહેરમાં લોકોને પાણી પુરતું મળી રહે તે માટે રામબાગ પાણીના ટાંકા પર ત્રણ નવા પમ્પ વસાવવામાં આવ્યા છે. જે ચાલું પણ છે. સૂત્રોના દાવા મુજબ લાખો રૂપિયાની મશીનરી વસાવવામાં આવ્યા પછી તેની યોગ્ય કાળજી લેવી જોઇએ તે લેવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટરોને સહારે કેટલીક વખત કરાવવામાં આવતી કામગીરીને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થાય તેવી સ્થિતિ પણ ઉભી થતી હોય છે. કોંગ્રેસના નગરસેવક સમીપ જોશી દ્વારા આ અંગે અગાઉ નગરપાલિકામાં રજૂઆત કરીને રામબાગ પાણીના ટાંકા પર યોગ્ય નિભાવણી અને જાળવણી મશીનરીની થાય તે અંગે ધ્યાન પણ દોરાયું છે. પાણીના ટાંકા પર કેટલીક વખત વાલ્વ ખુલ્લા મુકી દેવામાં આવતાં પાણીનો બગાડ થતો હોવાની ફરિયાદો અગાઉ ઉઠી ચૂકી છે. સંબંધિત કોન્ટ્રાક્ટરને માણસો આ અંગે વધુ તકેદારી રાખે તે માટે નગરપાલિકા દ્વારા ખાસ તબક્કાવાર નિરીક્ષણ કરવામાં આવે અને પાણીનો વેડફાટ થતો અટકાવવા યોગ્ય પગલા ભરાય તે પણ જરૂરી બન્યું છે.

નવી ટીમ પર લોકોની અપેક્ષા વધી
નગરપાલિકામાં નવી ટીમે કામગીરી શરૂ કરી છે. કામ કરવાની ધગશને લઇને આપવામાં આવી રહેલી સૂચનાના મુદ્દે લોકોને હવે ધીમે ધીમે તેની સમસ્યાઓ અને પાલિકાની મિલ્કતોની રખરખાવ થશે તેવી આશા જાગી રહી છે. નવી ટીમ લોકોની નજરે આ બાબતે કેવી રીતે ખરી ઉતરશે તે તો સમય આવ્યે ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...