તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગોપાલપુરીમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ શરૂ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટી દ્વારા નિર્માણાધિન બે પ્લાન્ટ ગણતરીના દિવસોમાં દૈનિક 50 -60 જમ્બો સિલિન્ડર ઓક્સિજનના ભરતા થશે
  • કાસેઝમાં આજથી દેશભર માટે સિલિન્ડર બનાવવાનું અટકેલું કામ લીક્વીડ ઓક્સિજન પુરુ પડાતા ફરી ધમધમી ઉઠશે

મહામારીના આ કાળમાં કચ્છ ના માત્ર પોતાના માટે પરંતુ દેશભર માટે અત્યંત આવશ્યક સંશાધનોની પુર્તી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સ્થાનિક ઓક્સિજનની જરૂરીયાતોની પુર્તી માટે ડીપીટી તો સીલીન્ડર્સના નિર્માણ માટે કાસેઝના બે યુનીટ ફરી ધમધમી ઉઠ્યા છે.

દીન દયાલ પોર્ટ ટ્ર્સ્ટ, કંડલા દ્વારા પોર્ટની સ્ટાફ કોલોની ગોપાલપુરી હોસ્પિટલ અને સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે કુલ બે ઓક્સિજન પ્લાન્ટ નાખવાનો તાત્કાલિક નિર્ણય લઈને તેના વર્ક ઓર્ડર આપી દીધા હતા. ગોપાલપુરી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટના સ્થાપનનું કાર્ય શરૂ થઈ ચુક્યુ છે જે બે દિવસના ગાળામાંજ સક્રિય થઈ જશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. આ અંગે માહિતી આપતા પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે ડીપીટી પોતાના કર્મચારીઓ, પેન્શનર્સ અને શહેરના સામાન્ય જનની સહાયતા માટે સક્રિય છે, જે માટે ડીપીટીની કોલોનીમાં અને સામાન્ય જનસમુદાયને પણ ઓક્સિજનની કમી ના પડે તે માટે બન્ને સ્થળોએ 33-35 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર યુનીટ નાખવા જઈ રહ્યું છે. જેનું કાર્ય પ્રારંભ થઈ ચુક્યુ છે અને ટુંક સમયમાં બન્ને અલાયદા યુનીટ 20 ક્યુ. મીટર ઓક્સિજન પ્રતિ કલાકનું ઉત્પાદન કરતા થઈ જશે, જે કોવિડ દર્દીઓ, ડીપીટી સ્ટાફ, તેના સબંધીઓ અને દરેક સંકુલના સામાન્ય જન માટે આર્શિવાદરુપ બની રહેશે.

જેના થકી દૈનિક ધોરણે 50 થી 60 જેટલા જમ્બો ઓક્સિજન સીલીન્ડર પ્રતિ દિવસ રીફીલ કરી શકાશે. જેના પર ચેરમેન એસ. કે. મહેતા દ્વારા દૈનિક ધોરણે રિપોર્ટ માંગી અને જરૂરી સુચનાઓ અપાઈ રહી છે. તો પોર્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે નિતીન શાહ, મુકેશ વાસુ સહિતના દ્વારા સેવા અપાઈ રહી હોવાનું પણ પોર્ટ પ્રવક્તાએ જણાવ્યું હતુ. ડીપીટી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ અનુસાર 6 એમબીબીએસ, 15 નર્સની નવીન નિયુક્તિ કરાઈ છે તો સાથે 24 કલાક ચાલનારી હેલ્પલાઈન પણ શરૂ કરાઈ છે.

તો બીજી તરફ કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં આવેલા બે યુનીટ કે જે ઓક્સિજન સીલીન્ડરનું નિર્માણ કરે છે, તેમને તે નિર્માણ માટે પણ ના મળતા જરૂરી ઓક્સિજનનો સપ્લાય ઠપ્પ થયો હતો, જે અંગે દિવ્ય ભાસ્કરે રજુ કરેલા અહેવાલ બાદ હરકતમાં આવેલી સરકારે સપ્લાય શરૂ કરતા પખવાડીયા સુધી બંધ રહ્યા બાદ આજથી ફરી ઓક્સિજન સીલીન્ડરનું નિર્માણ કાર્ય શરૂ કરાશે તેમ કાસેઝના ડેવલોપમેન્ટ કમિશનર ડો. અમીયા ચંદ્રાએ જણાવ્યું હતું. તેમણે તે પણ ઉમેર્યું હતું કે હજી પણ પુરતો જથ્થો સપ્લાય ના થતા તેવો બેંગ્લોરથી આ માટે પોતાની રીતે વ્યવસ્થા જોઇ રહ્યા છે, પ્રયાપ્ત માત્રામાં જથ્થો મળે તે માટે રાજ્ય સરકાર સુનીશ્ચીતતા કરે તે આવશ્યક છે.

3 વેન્ટીલેટર પોર્ટ કોલોનીમાં લાગશે, ઓક્સિજન માટે વિશેષ લાઈન
પોર્ટ ટ્ર્સ્ટની હોસ્પિટલમાં હાલમાં એક પણ વેન્ટીલેટરની સુવિધા નથી ત્યારે વર્તમાન સંજોગોને જોતા ત્રણ વેન્ટીલેટર ઓર્ડર અપાયા બાદ આવી ગયા છે ત્યારે તેને ટુંક સમયમાં કાર્યરત કરાશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. ઓક્સિજન સપ્લાય કરવા વિશેષ કોપર પાઈપલાઈનનું ફીટિંગનું કાર્ય પણ કરાઈ રહ્યું છે ત્યારે ટુંક સમયમાં આ બંન્ને સુવિધા ઉપલબ્ધ થશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...