વિરોધ:કોંગ્રેસ દ્વારા પાલિકાને સુપરસીડ મુદ્દે બેનર લગાવી દેખાવ કરવામાં આવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખુ તંત્ર વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કાર્યક્રમમાં લાગ્યાનો આક્ષેપ
  • અરજદારોના કામ ન થતાં નિરાશ થઈ પરત ફર્યા : પાલિકામાં કાગડા ઉડતા હતા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગાંધીધામ નગરપાલિકાને કચરાની ડમ્પીંગ સાઈટ મુદ્દે કડક શબ્દોમાં ઉધડો લઈને આખી બોડીને સુપર સીડ કરીને ચીફ ઓફિસરને ઘરભેગો કરવાનો કડક ચુકાદો આપેલ છે એટલું જ નહીં પરંતુ નગરપાલિકાના વહીવટમાં 99% રાજનીતિ અને 1% જ વહીવટી કાર્ય કરવામાં આવે છે તેવી ગંભીર ટકોર પણ કરી છે.

આ મુદ્દો આજે નગરપાલિકા કચેરી સહિત સમગ્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કોંગ્રેસ દ્વારા આ બાબતે આજે નગરપાલિકા કચેરીએ આવીને દેખાવ કરવામાં આવ્યા હતા અને પાલિકાની નિષ્ફળતા પર આકરા પ્રહાર કર્યા હતા. જોકે, આ સમયે નગરપાલિકાનું સમગ્ર તંત્ર વડાપ્રધાનના જન્મ દિન નિમિત્તે જુદા જુદા યોજાયેલા કાર્યક્રમોમાં વ્યસ્તહોઇ કોઇ અધિકારી કે પદાધિકારી પાલિકામાં ન્હોતા ત્યારે આવો કાર્યક્રમ આટોપીને કોંગ્રેસે સંતોષ માન્યો હતો.

આ બાબતે કોંગ્રેસ દ્વારા આજે પાલિકા કચેરીએ રૂબરૂ જઈને ઢંઢોળવા માટેના પ્રયાસ કરવામાં આવેલ પરંતુ આશ્ચર્ય વચ્ચે આખી પાલિકા કચેરી ખાલી ખમ્મ હતી અને કાગડા ઉડતા હતા, ત્યારે જાણવા મળ્યું કે આખી કચેરી મોદીના જન્મ દિવસની ઉજવણીમાં વ્યસ્ત અને મશગુલ છે! અને અરજદારો અને ફરિયાદ કરનારા વિલે મોઢે અને આક્રોશ સાથે પાછા ફરતા જોવા મળ્યા હતા. આજના કાર્યક્રમમાં સંજય ગાંધી, ચેતન જોશી, દસરથસિંહ ખંગારોત, અમિત ચાવડા, કપિલ પાંધી, જગદીશ ગઢવી, મનીષ ભાટિયા, પરબત રબારી, લતીફ ખલીફા, વાલજી મહેશ્વરી વગેરે જોડાયા હતા.

30મીએ જવાબ રજૂ કરાશે : સીઓ
પાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાએ ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, પાલિકા 30મી તારીખે એફિડેવીટ અને જવાબ રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...