કચ્છ ક્ષેત્રફળની રીતે વિશાળ વિસ્તાર ધરાવતો હોવાથી વિવિધ સ્તરીય સમસ્યાઓ કેંદ્રીય સ્તરથી સામે આવતી હોય છે. આવીજ એક સમસ્યાનો સામનો વેક્સિનેશનના સંદર્ભમાં પણ લોકો કરી રહ્યા છે. પુર્વ કચ્છમાં ગાંધીધામ સહિતના શહેરી વિસ્તારના લોકોને ઓનલાઈન સ્લોટ જે તે વિસ્તારોમાં ના મળતા તેમને જ્યાં સ્થળો પર સ્લોટ ઉપલબ્ધ દેખાડતા હોય ત્યાં બુક કરીને ત્યાંથી વેક્સિન લેવાની વ્યવસ્થા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. ગાંધીધામથીજ રાપરમાં જઈને વેક્સિન લેનારાઓનો વર્ગ મોટૉ છે ત્યારે અંતરીયાળ મથકોમાં લોકો ટેક્નોલોજીથી એટલા અનુભવી ના હોવાના કારણે તેમના મુળભુત અધિકાર જેવા વેક્સિનથી વંચીત તો નથી રહી જતા અને તેનો લાભ શહેરીજનો તો નથી ઉઠાવી જતા? તે બુદ્ધીજીવી વર્ગમાં ચર્ચાનો મુદો બન્યો છે.
ગાંધીધામના વડીલ હીરાલાલ રાઠોડે જણાવ્યું હતું કે તેમના પુત્ર જયેશએ લાંબા સમયથી બુકિંગ માટે રાહ જોતા હતા, પણ શહેરમાં સ્લોટ ના મળતા રાપરમાં મળ્યું હતું. ગાંધીધામથી રાપર વેક્સિન લેવા જવુ પરવડે તેમ નથી અને યોગ્ય પણ ના હોવાનો મુદો આ સાથે ઉઠવા પામ્યો હતો. તો શહેરના નાગરીક જસરાજસિંઘે પણ જણાવ્યું હતું કે તેવો ગત ચાર દિવસોથી ડીડીઓ દ્વારા જાહેર કરાયેલા સમયના પહેલાજ મોબાઈલ લઈને સ્લોટ બુકિંગ માટે બેસી જાય છે, પણ સમય થતાજ વેબસાઈટ કે એપ. હેંગ થવા લાગે છે અને ત્યારબાદ તમામ સ્લોટ બુક થયેલા માલુમ પડે છે. આવો અનુભવ હજારો લોકો કરી રહ્યા છે ત્યારે આ દિશામાં લોક લાભાર્થે સ્પષ્ટતા પ્રશાસન દ્વારા કરાય તેવો સુર ઉઠવા પામ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.