ક્રાઇમ:વૃદ્ધા પાસેથી ચિટરે 22 લાખ પડાવ્યા, 16.60 લાખ પોલીસે પરત અપાવ્યા

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન નંબર મેળવી ઓટીપી આપતા મરણમૂડી છિનવાઇ હતી
  • એટીએમમાં 500 ઓછા નિકળતાં બેંકના કસ્ટમર કેરનો નંબર ગુગલ પરથી મેળવતાં ભોગ બન્યા

પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે ઓટીપી આપ્યા બાદ 16.60 લાખ રૂપિયા જેવી માતબર રકમ ગુમાવનાર અરજદારને પરત અપાવી મદદરૂપ બની હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અરજદાર એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યારે રૂ.500ઓછા નિકળતાં અરજદારે ગુગલ મારફત આઇસીઆઇસીઆઇ બેંકના કસ્ટમર કેર નંબર મેળવી તેના પર ફોન કરી આ બાબતે જાણ કરતાં ગુગલમાંથી મેળવેલો નંબર અજાણ્યા ઇસમનો હોઇ તે અજાણ્યા ઇસમે તેમને એક લીંક મોકલી અને રજિસ્ટ્રેશન બાદ ઓટીપી મોકલ્યા બાદ

તમે ઓટીપી આપશો એટલે તમારા રૂપિયા પાછા જમા થઇ જશે તેમ કહેતાં વિશ્વાસમાં આવી જઇ અરજદારે ઓટીપી આપ્યા બાદ અલગ અલગ ટ્રાન્જેક્શનમાં રૂ.21,60,000 ફ્રોડ કરનાર ઇસમે ઉપાડી લીધા હતા. ફ્રોડ થયો હોવાની જાણ થતાં જ અરજદારે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી તમામ વિગતો આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથકના સ્ટાફ અને વોલિયન્ટરોએ સતર્કતા દાખવી ટેકનિકલ એનાલીસીસના આધારે રોઝર પે એપ્લિકેશન મારફત અરજદારની ગયેલી રકમમાંથી રૂ.16,60,000 પરત મેળવી આપ્યા હતા.

ઓનલાઇન નંબર મેળવી ઓટીપી આપવાને બદલે બેંકનો સંપર્ક કરો
સાયબર ક્રાઇમ પોલીસે ફરી એક વખત લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આપના મોબાઇલ ઉપર કોઇપણ પ્રકારની બેંકની માહિતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહીં અને ઓટીપી તો આપવું જ નહીં, જરૂર જણાય તો બેંકનો રૂબરૂ સંપર્ક કરી માહિતી મેળવી લેવી. જો ઓટીપી, સીવીવી, કે ગુપ્ત પીન આપશો તો આવા ચીટરો તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકશે અને તમે છેતરપિંડીના ભોગ બનશો, કદાચ તમારા સાથે પણ આવું કંઇ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક કરવા પણ અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...