કાર્યવાહી:યુનિયન બેંકને 150 કરોડનો ચુનો ચોપડ્યાની ગાંધીધામની કંપની સામે CBIની ફરિયાદ

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાસેઝમાં CNG સિલિન્ડર બનાવતી એસો. હાઈ પ્રેશર ટેક્નો. અને તેના ડાયરેક્ટર સામે તપાસ
  • 2016માં બેંકોમાં કંપની NPA જાહેર થઈ ગઈ હતી , કચ્છ સહિત 6 સ્થળોએ સર્ચ

ગાંધીધામના કાસેઝ સ્થિત એસોસિએટ્સ હાઇપ્રેશર ટેક્નોલોજી કંપની વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, દિલ્હી (CBI) દ્વારા એફઆઈઆર નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. કંપની અને તેના ડાયરેક્ટર તેમજ તેમાં રહેલા ગેરન્ટર અને અનામી સરકારી અમલદારો મળીને કુલ 8 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. જે સંદર્ભે ગત ત્રણ દિવસોમાંજ મુંબઈ અને કચ્છ સહિત 6 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સીબીઆઈ, દિલ્હીમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજર ટી. દીનદયાલ દ્વારા કાસેઝ સ્થિત એસોસિએટ હાઈ પ્રેશર ટેક્નોલોજી પ્રા. લી., રામચંદ કોટુમલ ઈસરાણી (રહે. શર્મા રેસોર્ટ, ગળપાદર, ગાંધીધામ), મ.ફોરુક સુલેમાન દાર્વેશ, શ્રીચંદ સતરામદાસ અગીચા, ઇબ્રાહીમ સુલેમાન દાર્વેશ, મનોહરલાલ સતરામદાસ અગીચા, સતીષ સુંદરદાસ અગીચા અને અજાણ્યા પબ્લિક સર્વન્ટ અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે અનુસાર ગાંધીધામના ઝોનમાં આવેલી એસો. હાઈ પ્રેશર ટેક્નો. કંપની, તેના ડાયરેકટરો અને તેના ગેરન્ટરો બેંક વિશ્વાસઘાત કરીને કુલ 134.43 કરોડ તથા તેના પર બનતા વ્યાજ મળીને 149.89 કરોડનું બેંકને નુકશાન કર્યું હતું. બેંકના ફંડને અયોગ્ય રીતે અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જે અંગેની યોગ્ય અને સતાવાર પ્રક્રિયાઓનું પાલન ના કરીને પચાવી પાડવાના પ્રયાસ સાથે આ કાર્ય કરાયું હતું. યુનિયન બેંકે જણાવ્યું કે આ કંપની અગાઉ એક્સીસ એન્ટરપ્રાઈઝ તરીકે ઓળખાતી હતી, જે સીએનજી અને એનજીવી સીલીન્ડર્સના નિર્માણનું કાર્ય કાસેઝમાં કરતી હતી.

જેનું એકાઉન્ટ 31/01/2016નાજ એનપીએ એટલે જે નોન પર્ફોમીંગ એસેટ્સમાં જાહેર થઈ ચુક્યું હતું. કંપની વારંવાર લીધેલી લોન, તેના વ્યાજ અને હપ્તા ચુકવવામાં નાકામ થઈ રહી હતી. સર્વપ્રથમ 2008માં કેપિટલ ગુડ્ઝ અને એલસી માટે 63 કરોડની લોન પાસ કરાઈ હતી. ત્યારબાદ આ સિલસિલો ગેરન્ટર્સના આધારે ચાલ્યો હતો.

કુલ 90.46 કરોડની લોન પાસ કરાઈ હતી, જે પર 57 કરોડનુંનું વ્યાજ ભરાયું નહતું. તે સહિતની ગણના કરતા કુલ 149.89 કરોડનું કંપનીનું બાકીનું ભરણું રહેતું હતું. જે માટે મુંબઈ સહિત 6 થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી. જોકે આ પ્રકરણમાં અત્યાર સુધી કોઇની ધરપકડ ના કરાઈ હોવાનું સીબીઆઈના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

ગાંધીધામમાં CBIની ટીમ ટુંક સમયમાં ફરી મારશે લટાર
2018માં જ્યારે આ પ્રકરણની તપાસ માટે બેંકની ટીમે કાસેઝમાં વીઝીટ કરી તો ફેક્ટરી પર તાળાં જોવા મળ્યા હતા, જે રામા સીલીન્ડર્સની ટાઈટન સિક્યોરીટી દ્વારા લગાવાયેલા હતા. આ અંગે હવે ફરિયાદ દાખલ થયા બાદ ટુંક સમયમાં સીબીઆઈની ટીમ લટાર મારશે તેવું વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું હતું.

કાસેઝ પ્રશાસને કંપનીની મિલકતો રામા સીલીન્ડર્સને હરાજી કરીને આપી દીધી
2016માં એનપીએ જાહેર થયા બાદ સરફેસી કાયદા તળે બેંક દ્વારા પત્રવ્યવહાર કરાયો હતો, જેમાં સ્પષ્ટ થયું કે મોર્ટેગેઝ ફેક્ટરી કાસેઝની આપેલી લીઝ આધારિત જમીન પર સ્થિત છે. જેના કારણે કાસેઝએ તેની મિલકતોને પોતાના કબજામાં લઈને હરાજી કરી રામા સીલીન્ડર્સને આપી દીધી હતી.

કોણ છે તે પબ્લિક સર્વન્ટ? તપાસમાં વે બ્રીજ સહિત મોટા નામો ખુલશે
દાખલ થયેલી સીબીઆઈની ફરિયાદમાં અજાણ્યા પબ્લિક સર્વન્ટ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. જે કોણ હોઇ શકે તે અંગેના વિવિધ ચર્ચાઓ ચકડોળે ચડી છે. તો આ સાથે તપાસમાં કાસેઝ સ્થિત કેટલીક કપડાની અને વે બ્રીજ ધરાવતી પેઢીઓની કાળી કરતુતો અંગે પણ સંલગ્ન બાબતોના આધારે તપાસના રેડારમાં આવી શકે છે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...