ગાંધીધામ- તાલુકામાં કુદકેને ભુસકે વધી રહેલા કોરોના પોઝિટિવના કેસ પછી જે તે પોઝિટિવ આવેલા દર્દીઓને હોમ ક્વોરન્ટાઇનની સૂચના આપવામાં આવે છે. આમ છતાં કેટલાક દર્દીઓનું તેનું પાલન કરતા નથી અને બજારમાં ખુલ્લેઆમ ફરી ચેપ પ્રસરાવવા માટે મહત્વનું પરીબળ બને તેવી આશંકા ઉભી કરી રહ્યા છે. આવા દર્દીઓએ તકેદારી રાખીને પોતાનું તેના પરીવાર અને પાડોસીઓના આરોગ્યની પણ ખેવના રાખીને હોમ ક્વોરન્ટાઇનની પીરીયડ પુરો કરવો જોઇએ અને નેગેટીવ થયા પછી જ પોતાનું રૂટીન કાર્યમાં બહાર નિકળવું જોઇએ તે હિતાવહ છે.
શહેર અને તાલુકામાં વધતા કોરોના કેસ પછી સંબંધિત દર્દીઓને હોમ ક્વોરન્ટાઇનની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી આ સૂચના પછી કેટલાક તેનું પાલન કરવાનું દર કિનાર કરતું હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે. જેને લઇને પરીસ્થિતિ વધુ બગડે તેવી દહેશત પણ નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં સ્વયંભૂ રીતે સંબંધિત દર્દીઓએ પોતે જ તકેદારીનું પાલન કરવાની જરૂર છે.
આરોગ્ય વિભાગના ડૉ. સુતરીયાના જણાવ્યા મુજબ ખાનગી કે સરકારીલેબમાં પ્રથમ વાર રિપોર્ટ કરાવ્યા પછી પોઝિટિવ આવે તો 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન રહી કોરોના ફેલાવતો અટકાવવાનું માનવી અને રાષ્ટ્રીય ફરજ છે. પણ કેટલાક લોકો રિપોર્ટ કરાવે છે અને બહાર ફરી રહ્યા છે. જેને લીધે કેસ વધી રહ્યા છે. આરોગ્યની ટીમ ફોન કરે કે રૂબરૂ મુલાકાત કરે તો તેને સહકાર આપતા નથી. ગાંધીધામને રોગથી મુક્ત કરવા સૌ સહિયારો પુરૂષાર્થ આપે તેવી તેઓએ અપીલ કરી છે.
જ્યારે બીજી બાજુ ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઇ કાનગડે પણ હોમ ક્વોરન્ટાઇનનો પીરીયડ સંબંધિત દર્દીઓએ પુરો કરવા માટે જણાવીને દુકાનદારોથી લઇને અન્ય લોકો પણ વધુ તકેદારી રાખી સામાજિક અંતર જાળવવાથી લઇને યોગ્ય પગલા ભરીને નિયમનું પાલન કરાવી ગાંધીધામમાં વધુ કેસ ન આવે તે માટે ગંભીરતા દાખવવા અનુરોધ કર્યો છે.
ગત વખતે લોકો બહાર આંટા મારતા હતા : કચેરીમાં હાજરી પણ પુરાવતા
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ ગત કોરોના સમયે હોમ ક્વોરન્ટાઇન થવાને બદલે કેટલાક લોકો બજારમાં ખુલ્લેઆમ ફરતા હતા. જેને લઇને અનેકવિધ ફરિયાદો થઇ હતી. સંબંધિત બાબતે કેટલાક કિસ્સામાં તો પોલીસને બોલાવીને હોમ ક્વોરન્ટાઇન કરાવવાની ફરજ પણ પડી હતી. વળી, કેટલાક કર્મચારી તો પોતાના રૂટીન કામની સાથે સાથે હાજરી પણ પુરાવતા હતા. જેને લઇને સંબંધિત ઓફિસના વર્તૂળોમાં જે તે સમયે ચણભણાટ પણ કર્મચારીઓમાંથી ઉઠ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.