મેજર પોર્ટ 1963 પર ચોકડી:પોર્ટ ઓથોરિટીના વિરોધમાં આજે કાળો દિવસ, ડીપીટીની એઓ બિલ્ડીંગ સામે દેખાવ કરવા જુદા જુદા સંગઠનો દ્વારા કરાઇ જાહેરાત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 નવેમ્બરથી પોર્ટ ઓથોરિટીના અમલીકરણને લઇને ફેડરેશન દ્વારા અપાયેલી સૂચનાથી થતો વિરોધ
  • વધુ ઉગ્ર આંદોલન થાય તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી

દીન દયાળ પોર્ટ સહિત અન્ય બંદરોમાં મેજર પોર્ટ 1963નો કાયદો રદ્દ કરીને ઓથોરિટી બનાવવા માટે કરવામાં આવેલી જાહેરાત પછી કેટલીક વસ્તુને લઇને રાષ્ટ્રવ્યાપી જુદા જુદા યુનિયનના ફેડરેશનો દ્વારા વિરોધ કરવા નક્કી કરાયું છે. 3 નવેમ્બરથી લાગુ થનાર આ નવા એક્ટ સામે વિરોધ કરવાના ભાગરૂપે કાળો દિવસ બનાવવા ડીપીટી સામે સવારના સમયે દેખાવ, સૂત્રોચ્ચાર કરવામાં આવશે. આ અંગેની જાણ પોર્ટ પ્રશાસનને પણ કરી દેવામાં આવી છે.

મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને જલ માર્ગ દ્વારા તા.29-10ના નોટિફિકેશન બહાર પાડીને તા.3થી મેજર પોર્ટ ઓથોરિટી એક્ટ 2021 તમામ પોર્ટમાં લાગુ કરવા માટેની સૂચના બહાર પાડવામાં આવી હતી. સબંધિત કાયદા મુદ્દે કોઇપણ ફેડરેશનોને વિશ્વાસમાં લીધા વિના તાનાશાહીથી નક્કી કરવામાં આવ્યું હોવાની લાગણી કર્મચારી વર્તૂળોમાંથી ઉઠી રહી છે. જુદા જુદા ફેડરેશનોએ આ અંગે લડત આપવા નક્કી કર્યું છે.

જેના ભાગરૂપે એઓ બિલ્ડીંગ સામે દેખાવ કરવામાં આવશે અને આગામી દિવસોમાં ઉગ્ર લડત આપવા પણ વિચારણા ચાલી રહી છે. મજુર વિરોધી કલમ હોવા સહિતના મુદ્દે થઇ રહેલા વિરોધમાં ચેરમેનને પણ જાણ કરવામાં આવી છે. એચએમએસના એલ. સત્યનારાયણ, કેપીકેએસના મોહન આસવાણી, કુશળ-અકુશળ અસંગઠીત કામદાર સંગઠનના વેલજીભાઇ જાટ વગેરે સંગઠનો દ્વારા આ મુદ્દે લડત આપવા નક્કી કરવામાં આવ્યું છે.

લેબર ટ્રસ્ટીની નિમણુંકની જોગવાઇ યથાવત રાખવા સહિતનો સૂર
એચએમએસના એલ.સત્યનારાયણ, કેપીકેએસના મોહન આસવાણી વગેરે સંગઠનો દ્વારા કરાઇ રહેલી રજૂઆતમાં પતાવટ મુજબ વર્ષ 2020-21 માટે અંતિમ પીએલઆરનું વિતરણ, ડીપીટી બોર્ડમાં 11 મુખ્યમાં અપનાવવામાં આવેલી પ્રવર્તમાન પ્રક્રિયા, પ્રર્થા મુજબ લેબર ટ્રસ્ટીની નિમણુંક ભૂતકાળની જેમ કરવા ખાનગી પક્ષોને આપવામાં આવતા તમામ કોન્ટ્રાક્ટના કામો બંધ કરવા અને આવા કામો માટે કામદારો દ્વારા જ કાર્યવાહી કરાવવા, ખાલી પડેલી જગ્યાઓ ભરવા, કરાર આધારીત મંજુરી આપવાની સાથે બદલીની અમલવારીનો કડક અમલ સહિતની માગણીઓ મુકવામાં આવી છે. આ બાબતે પણ અલગથી રજૂઆત કરીને 1લી ડિસેમ્બર અથ‌વા ત્યાર બાદ ગેટ પ્રદર્શન કરવા પણ જણાવાયું છે.

પોર્ટમાં ખાનગીકરણને વધુ પ્રોત્સાહન
દીન દયાળ પોર્ટમાં સૂત્રોના કહેવા પ્રમાણે જો માનવામાં આવે તો ખાનગીકરણ પ્રક્રિયાને વધુ પ્રોત્સાહન આપવા સીધા કે આડકતરી ર ીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને કર્મચારીઓમાં કચવાટની લાગણી જન્મી રહી છે. જુદા જુદા મુદ્દે જે રીતે સલાહકારોની નિમણુંકો વધી રહી છે તે જોતાં એક સમય એવો પણ આવે ડીપીટીના કાયમી કર્મચારીઓની સરખામણીએ આવા સલાહકારોની કે કરાર આધારીત કર્મચારીઓની સંખ્યા વધી જાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાનગીકરણના નામે કેટલાકને ઘીકેળા કરાવવા માટે પણ પોર્ટના કેટલાક અધિકારીઓ શંકાના દાયરામાં જણાઇ રહ્યા છે. કર્મચારીના હિતના ભોગે કરવામાં આવી રહેલી આ પ્રવૃતિ સામે સંગઠનો દ્વારા જે તે સમયે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો છે પરંતુ મોટા પાયા પર ખાનગીકરણની પ્રક્રિયા અંદરખાને કે સીધી રીતે થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...