તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બામણસરમાં 13 લાખનું બાયો ડિઝલ ઝડપાયું

ગાંધીધામ, ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારની સૂચના બાદ કચ્છ પોલીસ બાયો ડિઝલના ધંધાર્થીઓ પર રીતસર તૂટી પડી છે
  • પડાણા પાસેથી 5.20 લાખનો જથ્થો સીઝ કરાયો : મમુઆરા માઇન્સમાંથી પોણા લાખનો જથ્થો પકડાયો

રાજ્ય સરકારની સૂચના બાદ કચ્છમાં પોલીસ બાયો ડિઝલના ધંધાર્થીઓ ઉપર રીતસર તૂટી પડી છે જેમાં આજે પણ બોલાવાયેલી તવાઇમાં રાપરના બામણસરમાંથી રૂ.13 લાખનું, પડાણા પાસેથી રૂ.5.20 લાખનું અને મમુઆરાની માઇન્સમાંથી પોણો લાખનું બાયોડિઝલ સીઝ કરી મામલતદારને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

રાપર તાલુકાના બામણસર ગામના પાટિયા પાસે ઉભેલા ટેન્કરમાં બાયો ડિઝલ ભરેલું હોવાની બાતમીના આધારે પીએસઆઇ વાય.કે.ગોહિલ અને તેમની ટીમે દરોડો પાડી ટેન્કરની તલાસી લઇ રૂ.13,00,000 ની કિંમતનું 20,000 લીટર બાયોડિઝલ ભરેલું ટેન્કર ડિટેઇન કરી ભચાઉના લલિયાણા ગામના હરીભાઇ રાણાભાઇ ગાગલ વિરૂધ્ધ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકને બોલાવી કાર્યવાહી કરી ટેન્કર સહિત કુલ રૂ.18,00,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આ બાબતે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન પડાણાની પંચરત્ન માર્કેટ પાછળના ભાગે સર્વે નંબર 131 ના પ્લોટ નંબર-7 માં બાયો ડિઝલનો જથ્થો હોવાની બાતમીના આધારે ત્યાં દરોડો પાડી રૂ.5,20,000 ની કિંમતનું 8,000 લીટર બાયો ડિઝલ, રૂ.10,000 ની કિંમતની ફ્યુઅલ ભરવા માટેનો નોઝલ , મીટર અને ઇલેક્ટ્રિક મોટર તથા રૂ.7 લાખની કિંમતના ટેન્કર સહિત કુલ રૂ.12,30,000 નો મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ મામલતદારને જાણ કરી કિડાણાના રમેશભાઇ ધનાભાઇ જરૂ સામે કાર્યવાહી કરાઇ હતી.

તો, ભુજ તાલુકાના મમુઆરા ગામની સીમમાં આવેલી કિશાન ખાણ નામની ચાઇના ક્લેની ખાણમાં બાતમીના અધારે પધ્ધર પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બે કન્ટેનરમાંથી રહેલા શંકાસ્પદ જ્વલનશીલ 6 હજાર લીટર બાયોડીઝલ કિંમત 75 હજારના જથ્થો મળી આવ્યો હતો.

ખાણ પર હાજર ભુજ તાલુકાના ઉમેદપર ગામના નીલેશભાઇ રણછોડભાઇ કેસરીયાને પોલીસે પુછતાછ કરતાં આ ખાણ માધાપરના મેરામણભાઇ ઓડદરાની હોવાનું જણાવ્યું હતું. અને તેઓ આ ટેન્કરો રાખી ગયા હોવાનું પોલીસને જણાવ્યું હતું. બાયોડીઝલના જથ્થાનું બીલ કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે બન્ને ટેન્કરો કબજે લઇ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...