પોલીસ માટે પડકાર:ઓસ્લો રોડ પર બાઇકર રાહદારીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી છૂમંતર

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે પણ શહેરમાં સ્નેચીંગની ઘટના બની
  • સતત બે દિવસથી ચીલઝડપના બનાવ પોલીસ માટે પડકાર

ગાંધીધામના ઓસ્લો સર્કલથી લવ ગાર્ડન જતા રોડ પર પગપાળા જઇ રહેલા યુવાનના હાથમાંથી બાઇક પર આવેલા બે ઇસમોએ 10 હજારની કિંમતનો મોબાઇલ ઝૂંટવી ચીલઝડપને અંજામ આપ્યો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. શહેરમાં સતત બીજા દિવસે પણ ચીલઝડપની ઘટના બની છે, તો આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થયો હોવાનું સ્પષ્ટ રુપે દેખાતું હોવા છતાં આ અંગે કાયદાના રખેવાળો દ્વારા કોઇ ઠોસ્સ કાર્યવાહી કરી હોવાનું પ્રતિત થતું નથી.

મુળ ઉત્તરપ્રદેશના હાલે સેક્ટર-3 માં રહેતા અને ખાનગી નોકરી કરતા 21 વર્ષીય માનવેન્દ્રસિંઘ પદમસી઼ઘ ઠાકુર નાસિકથી આવેલા પોતાના મિત્ર સાથે ઓસ્લો પોલીસ ચોકીથી ઘર તરફ પગપાળા જઇ રહ્યા હતા તે દરમિયાન રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં પાછળથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના હાથમાં રહેલો રૂ.10,000 ની કિંમતનો મોબાઇલ ઝૂંટવી પળવારમાં પલાયન થઇ ગયા હતા. તેમણે મિત્ર સાથે મળી પીછો કર્યો હતો પરંતુ બાઇકર હાથમાં આવ્યા ન હતા.

તેમણે આ ચીલઝડપની ઘટના બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. તો મહેશ્વરીનગર ઝૂંપડામાં રહેતા શ્રમિક રાજુભાઇ ચંદ્રવલી શર્મા તા.10/2 ના રાત્રે નવ વાગ્યે ગુરૂકુળ વિસ્તારમાંથી મોબાઇલ પર વાત કરતા પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેમના હાથમાંથી રૂ.6,000 ની કિંમતનો મોબાઇલ ઝૂંટવી ચીલ ઝડપને અંજામ આપી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ ગઇકાલે નોંધાઇ હતી. સતત બે દિવસથી ચીલઝડપની બનેલી ઘટનાઓ દર્શાવે છે કે આ બાઇકર ગેંગ સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...