ગાંધીધામ-કંડલા હાઇવે પર બેફામ ગતિએ થતા વાહન વ્યવહારે વધુ એક ભોગ લીધો હતો, જેમાં નવા કંડલાથી ગાંધીધામ જતા રોડ પર ધસમસતા આવેલા ટેન્કર અડફેટે બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું, તો પાછળ સવાર યુવકને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. તા.23/3 ના રોજ ઓસ્લો સર્કલ પાસે નાળામાં પડી ગયેલા ઇજાગ્રસ્ત યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
મુળ ઉત્તરપ્રદેશના હાલે નવા કંડલા રેલ્વે ઝૂંપડામાં રહેતા 32 વર્ષીય સંજયસિંગ રામસિંગ નાયક અને 30 વર્ષીય મહેશકુમાર જગદિશકુમાર બર્મા બન્ને જણા ગત સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં બાઇક પર ગાંધીધામ જઇ રહ્યા હતા.મહેશકુમાર બાઇક ચલાવી રહ્યા હતા. ગાંધીધામ કંડલા વચ્ચે હનુમાન મંદીર સામે સામેથી પૂરપાટ આવી રહેલા ટેન્કર ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇક ચલાવી રહેલા 30 વર્ષીય મહેશકુમારને માથામાં, કપાળમાં અને જમણા પગમાં ગંભીર ઇજા અને સંજયસિંગને જમણા હાથના કાંડામાં તથા જમણા પગમાં ફ્રેક્ચરની ઇજાઓ પહોંચી હતી.
108 મારફત બન્નેને સારવાર માટે લઇ જવાયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં 30 વર્ષીય મહેશકુમારનું મોત નિપજ્યું હતું. સંજયસીંગે કંડલા મરિન પોલીસ મથકે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. પીઆઇ સી.ટી.દેસાઇએ ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મોડવદરના 45 વર્ષીય રમેશ શંભુભાઇ ચાવડા તા.23/03 ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બાઇક લઇને ઓસ્લો સર્કલથી ગુડ્સ સાઇટ તરફ જઇ રહ્યા હતા ત્યારે એચ.પી.ગેસ એજન્સી સામે સર્વિસ રોડ પરથી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં નાળામાં બાઇક સહિત ખાબક્યા હતા. જેમાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેમણે દમ તોડી દીધો હતો. મૃતકની અંતિમ વીધિમાં રોકાયેલા હોવાને કારણે મૃતકના ભાઇ નવિનભાઇ શંભુભાઇ ચાવડાએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો.
ઓવરબ્રિજના કામ વચ્ચે સાંકડા રસ્તે નિકળતા વાહનો માટે સાવચેતી જરૂરી
ઓસ્લો સર્કલ નજીક નિર્માણ પામી રહેલા ઓવરબ્રિજના કામને કારણે મેઇન રોડ બંધ કરાયો છે જેના કારણે વાહન ચાલકો સર્વિસ રોડ પર ચડવા નાળા ઉપર બનેલા સાંકડા માર્ગનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ ઓવરબ્રીજની કામગીરી ચાલે છે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાનો કોઇ ભોગ ન બને તે માટે નાળાની આસપાસ સલામતીના પગલાં લેવાય તે અતિ જરુરી હોવાની માંગ ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.