કાયદાના હાથ લાંબા હોય છે:ગાંધીધામ સંકુલના અનધિકૃત બાંધકામો સાવધાન, કોર્ટમાં જીડીએના કેસ ચાલવાનું શરૂ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જીડીએના પેન્ડિંગ કેસોમાં ઓર્ડર આવવાની શરૂઆત થઇ
  • આદિપુરના બાંધકામને તોડી પાડવા કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો, જીડીએ પોતે જેસીબી લઈને તોડવા સક્ષમ : કાયદાનો ડર ન હોવાથી દબાણ પ્રવૃતિમાં થયો હતો વધારો

ગાંધીધામ સંકુલ માટે જો આજે કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે અનધિકૃત બાંધકામ અને દબાણ છે, જેના કારણેજ ટ્રાફિક, અગવડો, ડ્રેનેજ, પાણીની લાઈનોની સફાઈ જેવા પ્રશ્નો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉદભવતા રહે છે. હવે જીડીએના આ અનધિકૃત બાંધકામ માટે કરેલા કેસ કોર્ટમાં ચાલવા લાગતા તેવા બાંધકામને તોડી પાડવાના ઓર્ડર આવવા લાગ્યા છે, જેથી નખ વગરના વાઘ તરીકે પંકાયેલા જીડીએને ફરી નખ ઉગી નીકળ્યા હોય તેવી સ્થિતિ કોર્ટમાં કેસ ચાલવા લાગતા ઉભી થઈ છે.

ગાંધીધામ આદિપુર તે દેશમાં આઝાદી બાદ પ્લાનિંગ સાથે બનેલા શહેરોમાં અગ્રસ્થાને છે. આંતરરાષ્ટ્રીય સ્તરના આર્કિટેક્ટની સલાહથી અને ઘણા નગરોના અનુભવોની નિર્માણ પામેલા આ શહેરની આવી હાલત કાયદાનો કોઇ ડર ન હોવાથી બની રહી છે. જેના કારણે રહેણાક વિસ્તારોમાં કોમર્શીયલ ગતીવીધીથી સ્થાનિકોને પરેશાની, ધરતીકંપની સ્થિતિમાં બચવા માટે જગ્યા ન મળતા જાનમાલની નુકશાની અને રોજબરોજ ટ્રાફિકની સમસ્યા જેવા પ્રશ્નો ઉદભવે છે.

પરંતુ ડિસ્ક્ટ્રીટ જજ દ્વારા લોકોને ધાક બેસાડતો ચુકાદો આપીને આદિપુરના પ્લોટ નં. 423 અને 424 માં અનધિકૃત થયેલા બાંધકામ ચોકીદારની ઓરડી, દુકાન, રૂમને તોડી પાડવા ઓર્ડર કરાયો હતો. આ કેસ 2016માં કરાયો હોવાનું જાણવા મળે છે ત્યારે હવે વર્ષોથી કરાયેલા લંબીત કેસો ડાયસ પર આવતા તેના ચુકાદાઓ આવવાની શરૂઆત થશે, જેથી કાયદાનો ભય જે અનધિકૃત બાંધકામ કરતા લોકોના મનમાંથી નિકળી ગયો હતો તે પ્રસ્થાપિત થશે અને દબાણોને દુર કરાશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

જાણો હાલની પ્રક્રિયા- અન્ય સતામંડળોની જેમ,જીડીએ પાસે બાંધકામ તોડવાની સીધી સતા નથી
કચ્છમાં સૌથી જુનું સતા મંડળ સંભવત જીડીએ છે, પરંતુ તેના તેમજ ભૂકંપ બાદ બનેલા અન્ય નગરોના સત્તામંડળોમાં મુળમાં એક નિયમનો તફાવત છે. અન્ય અંજાર, ભુજ સહિતના અન્ય સતામંડળો જ્યારે પણ અનધિકૃત દબાણની ઓળખ કરે અને તેની નોટિસ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરે ત્યારબાદ તે પોતેજ તે બાંધકામને જઈને તોડી શકે છે, પરંતુ જીડીએના નિયમાનુસાર તે એમ કરી શકતું નથી. શરૂઆતમાં નોટિસ આપ્યા બાદ તેને માલીક ન ગણકારે ત્યારબાદ તેને ડિમોલિશન નોટિસ મોકલાય છે.

ત્યારબાદ જીડીએને ડિસ્ક્ટ્રીટ કોર્ટમાં કેસ ફાઈલ કરવો પડે છે, તે કેસ ચાલે અને કોર્ટ દ્વારા હુકમ કરાયા બાદ જીડીએ જે તે બાંધકામ તોડી શકે છે. ગત મહિને ઓર્ડર આવ્યા પહેલા 35 વર્ષ પહેલા આવા ઓર્ડર આવ્યા હતા. ધારાશાસ્ત્રી નરેંદ્ર તોલાણીએ આ ઓર્ડરથી સામાન્ય લોકોને પડતી અગવડોનું સમાધાન આવશે અને ખાસ કરીને રહેણાક વિસ્તારોમાં થતી કોમર્શીયલ ગતિવિધી પર અંકુશ લાવી શકાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તબદિલિ સમયે તોડવું પડે છે - ડીપીએ, એસઆરસી પણ અનધિકૃત બાંધકામ હોવાથી ટ્રાન્સફર નથી આપતી
ગાંધીધામ આદિપુરના લીઝ પર રહેલા પ્લોટોના જે મકાન લોકોને ટ્રાન્સફર કરાવવાના હોય છે, તે અંગે પણ છેલ્લા કેટલાક સમયથી એક પોલીસી બનાવાઈ છે જે અનુસાર જે પ્લોટ પર અનધિકૃત બાંધકામ કરાવેલું હોય તેનું ટ્રાન્સફર કરી આપતી નથી. જેના કારણે ટ્રાન્સફર સમયે જ્યારે માથે આવી પડે ત્યારે આ પ્રકારનું કન્સ્ટ્રક્શન તોડી પાડવામાં આવે છે અને ત્યારબાદ ફાઈલ ટ્રાન્સફર થાય છે.

ચુકાદો આવકાર્ય, 35 વર્ષ પહેલા જીડીએ દ્વારા બાંધકામ તોડાયા હતાઃ મધુકાંત શાહ
પુર્વ જીડીએ ચેરમેન મધુકાંત શાહના કાર્યકાળમાં કદાચીત સૌથી વધુ જીડીએની સક્રિયતા જોવા મળી હતી. આ ચુકાદા અંગે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે 35 વર્ષ પહેલા આ પ્રકારના જજમેન્ટ આવતા જીડીએ દ્વારા શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં બુલડોઝર ચલાવીને અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું હતું. સાત વર્ષના ચેરમેન તરીકેના કાર્યકાળમાં પણ ઘણા બધા કેસ કરવામાં આવ્યા હતા, તેના ઓર્ડર મેળવવા પણ પ્રયાસો કરાયા હતા પરંતુ ડિસ્ક્ટ્રીટ કોર્ટમાં કેસોના ભારણના કારણે તે શક્ય બન્યું નહતું. નોંધવું રહ્યું કે હવે જે ચુકાદા આવવાના શરૂ થયા છે, તે તેમનાજ કાર્યકાળમાં કરાયેલા કેસના આવી રહ્યા છે.
જીડીએને સીધી સતા મળે તે જરૂરી, નેતાઓ જાગે
અનધિકૃત બાંધકામો તોડી પાડવાની સીધી સતા જીડીએને મળે તે દિશામાં આ શહેરના આગેવાનો, રાજનેતાઓ અને ચેમ્બરે સરકાર સમક્ષ જોરદાર રજુઆતો કરવી જોઇએ તેવો સુર ઉઠવા પામ્યો છે. ભૂતકાળમાં જીડીએના પુર્વ ચેરમેન શાહ દ્વારા પણ સરકારમાં આ અંગે રજુઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...