વાગડમાં આરોપી પકડવા ગયેલી પોલીસ ઉપર ભૂતકાળમાં પણ જીવલેણ હુમલાના બનાવો બની ચૂક્યા છે , તેવામાં ગત રાત્રે દારૂના ગુનામાં ફરાર આરોપી કડોલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ રમી રહ્યો હોવાની બાતમીના આધારે તેને પકડવા ગયેલી પીઆઇ સહિતની ભચાઉ પોલીસ મથકની ટીમ ઉપર 24 જણા બેટ, વિકેટ સાથે તૂટી પડ્યા હતા અને આજે તો પોલીસ જીવતી ન બચવી જોઇએ કહી પીઆઇને બેટ મરાયો હતો તો બે પોલીસ કર્મીઓના ગળા દબાવી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો.
ગત મોડી સાંજે ભચાઉ પોલીસ મથકના પીઆઇ આર.આર.વસાવાને બાતમી મળી હતી કે ભચાઉ પોલીસ મથકે 2020 માં નોંધાયેલા દારૂના તેમજ અન્ય ગુનામાં ફરાર આરોપી મનફરાનો હિતેષ કરશન કોલી કડોલ ખાતે ચાલી રહેલી હિન્દુ પ્રીમીયર લીગ ટુર્નામેન્ટમાં મેચ રમી રહેલો છે. આ બાતમી મળતાં પીઆઇ સાથે અશોકજી ઠાકોર, વિશ્વજિતસિંહ ગોહિલ, અરવિંદસિંહ જાડેજા, સુરેશ પીઠીયા, બળદેવસિંહ બચુભા, ભાવેશજી ડાભી સહિતની ટીમ કડોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અલગ અલગ ટીમ બનાવી પહોંચ્યા હતા. આરોપી હિતેષ કરશન કોલી બાઉન્ડ્રી ઉપર ફિલ્ડીંગ કરી રહ્યો હતો તેને કોર્ડન કરી પકડવા જતાં તે ભાગ્યો હતો.
જેને ગ્રાઉન્ડની બહાર પોલીસે પકડી લીધો હતો તેવામાં ગ્રાઉન્ડમાં મેચ રમી રહેલો મનસુખ ગોકળ ચાવડા બુમો પાડતો દોડ્યો હતો અને પોલીસ હિતેષને પકડી જાય છે આજે પોલીસ જીવતી ન જવી જોઇએ, આ બૂમો બાદ મનસુખ ગોકળ ચાવડા (કોલી), વિશાલ ગોકળ ચાવડા,જયેશ બીજલ કોલી, પ્રજ્ઞેશ કાલુદાદા કાપડી, દિલીપ મણીલાલ કોલી, ઘનશ્યામ રાણાભાઇ કોલી, ગોકર દેશરા કોલી, મંગરાજ મલુભાઇ ડુંગરિયા, હિતેષ કરશન કોલી તેમજ 15 અજાણ્યા ઇસમો પોલીસ કર્મી ઉપર તૂટી પડ્યા હતા.
જેમાં હિતેષને અશોકજી ઠાકોરે પકડ્યો હોવાથી ચાર જણાએ તેમને પાડી દઇ ગોકર દેશરા કોલીએ તેમનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પ્રજ્ઞેશ કાલુદાદા કાપડીએ અરવિંદસિંહ જાડેજાને પાડી ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.વસાવાને પણ પાડી દઇ અને બેટ વડે માર મારી પગમાં ઇજા પહો઼ચાડી હતી. હાલ પીઆઇ સહિત ત્રણ કર્મીઓને સારવાર હેઠળ લઇ જવાયા હતા. હુમલો કરનાર 24 વિરૂધ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો લગાડી પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા જેમાં વિશાલ ગોકળ ચાવડા, પ્રજ્ઞેશ કાલુદાદા કાપડી અને ગોકર દેશરા કોલીને પોલીસે પકડી લીધા હતા.
જેને પકડવા ગયા હતા તે ફરાર થઇ ગયો
કડોલ ક્રીકેટ ગ્રાઉન્ડ પર મેચ રમી રહેલા દારુના અનેક ગુનામાં ફરાર આરોપી હીતેષ કરશન કોલી આ બબાલનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસે હુમલો કરનાર તમામ વિરૂધ્ધ આરોપીને ભાગવામાં મદદગારી કરી હોવાનો ગુનો પણ દાખલ કર્યો હતો.
વર્ષ-2003 માં બુટલેગરે પોલીસ કર્મી પર ગાડી ચડાવી હતી, બે પોલીસકર્મીએ જીવ ગુમાવ્યા હતા
વાગડમાં આ પ્રકારના બનાવો ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે જેમાં દેશી દારુના ધંધાર્થીના અડ્ડા પર દરોડો પાડવા ગયેલા આડેસર પોલીસ મથકના પીએસઆઇ વી.જી.લાંબરિયા અને ટીમ ઉપર હુમલો કરાયો હતો, ચીરઇમાં એલસીબી કર્મીને માર મરાયો હતો. તો સૌથી વધુ દુ:ખદ ઘટના વર્ષ-2003 માં 16 ડિસેમ્બરે બની હતી જેમાં બાતમીના આધારે કૂંજીસર પાસે વોચમાં ઉભેલા પોલીસ કર્મીએ બુટલેગરને ગાડી રોકવા કહ્યું તો તેણે પોલીસકર્મીઓ પર ગાડી ચડાવી દીધી હતી જેમાં પ્રાણગર ગોસ્વામી અને જયદાન ગઢવીના જીવ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.