તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આદિપુર સ્ટેશનમાં બસના જોટા નીચે પ્રૌઢ ચગદાયા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેશનમાં જ બનેલી ઘટનામાં ભુજ-સુરત બસના ચાલક વિરૂધ્ધ મૃતકના પુત્રએ ગુનો નોંધાવ્યો

આદિપુર બસ સ્ટેશનમાં ઉભેલા પ્રૌઢને ભુજથી સુરત જતી એસટી બસના ચાલકે અડેફેટે લેતાં પાછલા જોટા નીચે ચગદાઇ જતાં તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાની ઘટના બની હતી. મેઘપર કુંભારડીના ભક્તિનગર ખાતે રહેતા 23 વર્ષીય પાર્થ ગોપાલભાઇ આહીરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા ગોપાલભાઇ રવાભાઇ આહિર જેઓ શિપિંગ કંપનીની બસ ચલાવતા પણ તેમના મગજમાં ગાંઠ હોવાથી તેમનું ઓપરેશન કરાવેલું હતું. ઓપરેશન બાદ ગત સવારે તેમણે પાર્થને આદિપુર બસ સ્ટેશન મુકી આવવાનું કહ્યું હતું.

ગોપાલભાઇ બસ સ્ટેશનમાં ઉભા હતા તે દરમિયાન સ્ટેશન પર આવેલી ભુજ-સુરત એસટી બસના ચાલક અશોકકુમાર નાનજીભાઇ ડામોરે બેદરકારી પૂર્વક બસ ચલાવી તેમને અડફેટે લેતાં તેમનું માથું બસના પાછલા જોટામાં ચગદાઇ જતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર બસ ચાલક વિરૂધ્ધ પાર્થે આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. તપાસ પીએસઆઇ એચ.એસ.તિવારી કરી રહ્યા હોવાનું પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આદિપુરના નવા બસ સ્ટેશનમાં જગ્યા નાની હોવાને કારણે જ્યારે વધુ બસો અંદર આવી જતી હોય છે ત્યારે આ પ્રકારના અકસ્માતોની ભીતી હંમેશા રહેતી હોય છે. તો બસ સ્ટેશનમાં ટ્રાફિક નિયમન જગ્યાના અભાવે અતિ જરૂરી હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આદિપુર બસસ્ટેશનમાં બનેલી આ ઘટનાથી વૃધ્ધનું મૃત્યું થયું હતું. આ ઘટનાના પગલે બસ સ્ટેશનમાં લોકોના ટોળા જામી ગયા હતા.

હાઉસિંગ બોર્ડ પાસે અકસ્માત, પોલીસ ચોપડો કોરો
ગાંધીધામ હાઉસિંગ બોર્ડ પાસે બપોરે ટ્રક અને કાર અથડાતાં કાર પલટી ગઇ હતી. આ અકસ્માતમાં નજરે જોનારના જણાવ્યા મુજબ કાર ચાલકને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે મોડે સુધી આ અકસ્માત બાબતે પોલીસ ચોપડો કોરો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે હાઉસિંગ બોર્ડ પાસે બેફામ રીતે નાના મોટા વાહનો દોડી રહ્યા છે જેમાં ખાસ ભારે વાહનો બેદરકારી પૂર્વક ચલાવાતા હોવાને કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...