તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ અવરોધાયો:પાલિકામાં સંકલનના અભાવે ખાતમુહૂર્તના કાર્યક્રમો અચાનક મુલત્વી રખાતાં તર્કવિતર્ક

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 લાખથી વધુ રકમના ખર્ચે પેવર બ્લોક લગાવવાના હતા
  • પાલિકામાં ભાજપની જૂથબંધીને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી : સભ્યોને પાછળથી કાર્યક્રમ મોકુફનો સંદેશો અપાયો

ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે 50 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક લગાવવા સહિતના વિકાસ કામો માટે આજે ખાતમુહૂર્તની કામગીરીનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો.તૈયારી કરી દેવામાં આવ્યા પછી સંબંધિતોને જાણ પણ કરાયા બાદ કોઇ કારણોસર ઘોંચમાં પડતાં સંકલનના અભાવે કે અન્ય કારણોસર ખાતમુહૂર્તની કામગીરીને બ્રેક મારવાની નોબત આવતાં ભાજપમાં જ ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં વિકાસ કામો થાય તે દિશામાં પાલિકાની નવી ટીમ દ્વારા સક્રિયતા તો દાખવવામાં આવે છે પરંતુ હજુ જોઇએ તેવો તાલમેલ જણાતો નથી.

જેને લઇને અવારનવાર જુદી જુદી અડચણો કે વિવાદો ઉભા થતા હોય છે. વિવાદને કારણે કેટલાક નગરસેવકોએ પાલિકામાં ડોકાવવાનું પણ માંડી વાળ્યું છે. જરૂરત મુજબ કામ હોય તે વિભાગોમાં જઇને નિકળી જવાનું પણ કેટલાક સત્તા પક્ષના સભ્યો મુનાસીબ માની રહ્યા છે. શહેરમાં ખખડધજ બનેલા રોડની મરંમત કરવા માટે આવેલી ગ્રાન્ટનો હજુ ઉપયોગ બાકી છે.

12 કરોડથી વધુ રકમના કામમાંથી 50 ટકાથી વધુ કામ બાકી હોવા છતાં એક વર્ષથી વધુ સમય વિત્યો છતાં કોઇ આયોજન કરી શકાયું નથી તે લોકોની કમનસીબી ગણવી કે અધિકારીઓ અને પદાધિકારીઓની સુઝબુઝ તે નક્કી થઇ શકતું નથી. લોકો અકળાઇ રહ્યા છતાં પાલિકામાં જોઇએ તેવો સળવળાટ નો અભાવ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના રાજકારણમાં જે રીતે કામગીરી થઇ રહી છે તેમાં વિપક્ષ પણ લોકહીતના કામોમાં અવાજ ઉઠાવે તે જરૂરી બન્યું છે.

ભાજપના મોવડી મંડળને ચિંતા નથી?
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ ભાજપમાં હાલ ચાલતી કવાયતમાં કુતરું તાણે ગામ ભણી અને શિયાળ સીમ ભણી તેવો તાલ થઇ રહ્યો છે. કોઇને કોઇ કારણોસર વિકાસ કામની ગાડી પાટા પર લાવવી જોઇએ તે લાવી શકાતી નથી. આવા સંજોગોમાં ભાજપ સંગઠનના મોવડીથી લઇને વરીષ્ઠની શ્રેણીમાં આવતા ભાજપના કાર્યકરો કે આગેવાનો કેમ મૌન ધારણ કરીને બેઠા છે તે બાબત પણ ચર્ચાના એરણે ચડી છે. જાગ્યા ત્યારથી સવાર સમજીને નગરપાલિકામાં વિકાસ કામનો અવરોધ થઇ રહ્યો છે તે દૂર કરવા માટે કાન પકડવા હિંમત કોણ દાખવશે તે પણ એક પ્રશ્ન છે.

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષથી વધુ સમયથી નગરપાલિકામાં ભાજપનો દબદબો અને સત્તા હોવા છતાં લોક ઉપયોગી સેવાઓ ઝડપથી લોકોને મળે અને સમસ્યાનું નિરાકરણ આવે તે માટે જરૂર પડે જે કડક પગલા ભરવા જોઇએ તેનો પણ અભાવ લોકોને પાલિકાના અધિકારી અને પદાધિકારી પ્રત્યે જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...