અરજી નકારાઇ:કાસેઝના ડીઝલ ઈમ્પોર્ટ કેસમાં આગોતરા જામીન અરજી નકારાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય આગેવાનના પુત્રે DRIના સમન્સ બાદ કરી હતી અરજી
  • કોર્ટે અરજીને પ્રીમેચ્યોર ગણાવી, સમન્સ આવે એટલે ધરપકડ જરૂરી નહીં

ગાંધીધામ કોર્ટે કાસેઝથી ડીઆરઆઈએ ઝડપેલા ડીઝલના 8 ટેન્કરના કેસમાં વેરહાઉસના ભાગીદારે કરેલી આગોતરા જામીન અરજી પ્રીમેચ્યોર હોવાનું કહીને નામંજુર કરી દીધી હતી. કાસેઝમાં અમદાવાદની ડીઆરઆઈ ટીમે બેઝ ઓઈલ નામે દુબઈથી આવેલા ડીઝલના જથ્થાથી ભરાયેલા આઠ ટેન્કર પકડ્યા હતા. આ પ્રકરણમાં જથ્થો જ્યાં સ્ટોરેજ કરાયેલો હતો તે એબી વેરહાઉસીંગના ભાગીદાર શબ્બીર જુમાભાઈ રાયમાએ ગાંધીધામમાં કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી.

જે અંગે ચુકાદો આપતા ગાંધીધામ સેશન્સ કોર્ટે તેને નામંજુર કરતા અરજીને પ્રીમેચ્યોર ગણાવી કહ્યું કે સમન્સ આવે એટલે ધરપકડ થશે તેવું માની લેવું જરુરી નથી. અન્ય કોર્ટમાં અરજી કરવાના મત અંગે પણ કોર્ટે વિસ્તૃત વિગતો આપતા આ વિસ્તારમાં ઘટનાક્રમ થયો હોવાથી કોર્ટ આ પ્રકારની અરજીઓ સાથે ડીલ કરવાની સતા હોવાનું જણાવ્યું હતું.

ડીઆરઆઈ કાસેઝથી ગાંધીધામની પેઢીમાં જતા આઠ કન્ટૅનરને ચાર મહિના અગાઉ ઝડપી પાડીને 56 લાખનું ડીઝલ સીઝ કર્યું હતું. આ જથ્થો અરજકર્તાની ભાગીદારી પેઢી એ.બી. વેરહાઉસીંગમાં રખાયો હતો. આયાતકાર પેઢી બોગસ હોવાનું, માલિક મેઘરાજ દેવશી મહેશ્વરી અરજકર્તાનો જુનો પડોશી હોવાનું બહાર આવ્યું હતું. ડીઆરઆઈ તરફે સ્પે. પબ્લીક પ્રોસીક્યુટર કલ્પેશ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

ઓમ કોર્પોરેટ પ્રા. લી.નું સીધું કનેકશન
ઓમ કોર્પોરેટ પ્રા. લી. ના સંચાલકો ચિરાગ ખંડોર અને નિરવ પ્રજાપતિ હાલ અમદાવાદ જેલમાં બંધ છે. તે આ કેસ સાથે સીધી રીતે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ફેક ઇમ્પોર્ટર કંપની ઉભી કરવા અને તેને ચલાવવાનું કાર્ય તેમના દ્વારા જ થતું હતું. કાસેઝમાં જપ્ત સામગ્રી ત્યાંથી ઓમ કોર્પોરેટ પ્રા. લી. જતી હતી અને ત્યાંથી ચીરાગ તેને વપરાશકર્તાઓને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...