તપાસનો વિષય:15 કરોડના નાળામાં કચરો ઠાલવનારા સામે પગલા ભરાશે?

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ - Divya Bhaskar
ગાંધીધામ
  • ટાગોર રોડ પર ઓવરબ્રિજના કામમાં થોડીક ગતિ આવી
  • સિમેન્ટનું​​​​​​​ પાણી અને અન્ય કચરો નાળામાં વહાવ્યાની બૂમરાડ

ગાંધીધામ નગરપાલિકાના પદાધિકારીઓ લોકોને સારી સુવિધા મળી રહે તે માટે પગલા ભરી રહ્યા છે. પરંતુ તંત્રની કંઇક ખામીને કારણે અનેકવિધ અડચણો પણ ઉભી થઇ રહી છે. ગત બોડી વખતે અંદાજે 15 કરોડથી વધુ રકમના ખર્ચે બનાવવામાં આવેલા વરસાદી પાણીના નિકાલના નાળાના કામો નબળા થતા હોવાની ફરિયાદો વચ્ચે બિલ પણ પાસ થઇ ગયા હતા. ચોમાસામાં પાણીનો નિકાલ કેટલાક સ્થળો પર થયો ન હતો. દરમિયાન હવે ઓસ્લો પાસે ઓવરબ્રિજના કામમાં સિમેન્ટના પાણીનો રગડો અને અન્ય કચરો બ્રિજના કામના ઠેકેદાર દ્વારા ઠાલવવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જો આ બાબત સત્ય હોય તો જવાબદાર સામે પગલા ભરવા નગરપાલિકા કેવું વલણ દાખવે છે તે જોવું રહ્યું.

શહેરમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે હેતુથી સરકાર દ્વારા આપવામાં આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવ્યા હતા. જે તે સમયે કામ કરવામાં આવ્યા તેમાં નાળા બનાવવામાં નબળાઇ બહાર આવી હતી. કામ ચાલું થયા ત્યારે ટાગોર રોડ સહિતના સ્થળો પર જેતે બાબતે તિરાડ પડતી હોવાને લઇને ફરિયાદો પણ પાલિકામાં કરાઇ પરંતુ તે વખતના શાસકો દ્વારા તેને ગણકારવામાં આવી ન હતી. આ બાબતે તાજેતરમાં પણ ઓસ્લો ફ્લાય ઓ‌વરની કામગીરીમાં તાજેતરમાં ગાંધીધામથી આદિપુર જતાં જમણી સાઇડના સર્વિસ રોડના નાળામાં સિમેન્ટનો કચરો જોવા મળ્યો હતો.

આ રીતે નાળામાં કચરોનો નિકાલ કોણે કર્યો તે તપાસનો વિષય છે. જાણકારોના જણાવ્યા મુજબ ચાલતા કામમાં ઠેકેદારે આ વ્યવસ્થા ઉભી કરી છે. આ બાબતે નગરપાલિકા તપાસ કરીને જે જવાબદાર હોય તેની સામે પગલા ભરે તે જરૂરી છે.

વૃક્ષ કટીંગ પછી સફાઇનો અભાવ
ગાંધીધામ- આદિપુરમાં તાજેતરમાં જે તે વીજ વાયરને નડતરરૂપ હોય તેવા વૃક્ષની ડાળખીને દૂર કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં વૃક્ષનો કચરો દૂર કરવાનો હોય તેને બદલે જે તે સ્થળ પર રાખી દેવામાં આવીરહ્યાની ફરિયાદ પણ ઉઠી રહી છે. ચારેક દિવસ પહેલા આવી રીતે બેંકીંગ સર્કલ સહિતના વિસ્તારથી લઇને અન્ય સ્થળો પર કચરો રહેવા દીધો હતો. આદિપુરના ધમધમાતા મૈત્રી રોડ પર આવી રીતે કચરો રાખી દેવામાં આવ્યો છે. જોકે, આ કચરો હાલ સુકાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...