ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશને આગામી સિઝનથી બોયઝ અને ગર્લ્સ ખેલાડીઓ માટે એક સરખી જ ઇનામી રકમ રાખવાનો નિર્ણય લીધો હતો. એસોસિયેશનના વાર્ષિક સામાન્ય સભા દરમિયાન લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયોમાં ઇનામી રકમ અંગે પણ નિર્ણય લેવાયો હતો. તમામ વયજૂથની સ્ટેટ ચેમ્પિયનશિપ 2021 આ વખતે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ગાંધીધામ ખાતે 26થી 30મી ઓગસ્ટ 2021 દરમિયાન યોજાશે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના પ્રમુખ વિપુલ મિત્રા (આઇએએસ)ના અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠકમાં એસોસિયેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રમોદ ચૌધરી, ટીટીએફઆઈના સીઇઓ ધનરાજ ચૌધરી તથા હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં સંપન્ન થયેલી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2021માં ભારતીય મહિલા એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનથી પ્રેરાઈને જીએસટીટીએ દ્વારા રાજ્ય કક્ષાએ ભાગ લેનારી મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે. વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે “પીવી સિંધૂ, મિરાબાઈ ચાનુ અને લવલિનાએ દેશને ગૌરવ અપાવ્યું છે. આપણી પાસે પણ પ્રતિભાશાળી મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓ છે જેઓ ભવિષ્યમાં ભારતને ગૌરવ પ્રદાન કરાવી શકે છે.”
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.