વાગડમાં આરોપીઓને લાગે છે હવે કોઇ પણ જાતનો ડર રહ્યો નથી તેનું પ્રમાણ આપતી ઘટના બની છે જેમાં ભચાઉ કોર્ટમાં હત્યયાના જુના કેસમાં મુદ્દતમાં હાજરી આપવા આવેલા બે પક્ષ પૈકી એક પક્ષના બે આરોપીઓ પાસેથી છરી મળી આવતાં દોડધામ મચી હતી. છરી લઇને આવેલા હોવાની પોલીસને જાણ કરનાર પક્ષના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઇ હતી.
આ બાબતે ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, આડેસર પોલીસ મથકે નોંધાયેલા હત્યાના જુના કેસમાં ભચાઉ કોર્ટની મુદ્દતમાં આવેલા બે પક્ષ પૈકી એક પક્ષના આરોપીઓ જુમા આમદ હિંગોરજા, સુલતાન હાસમ હિંગોરજા, સિકંદર અલીમામદ હિંગોરજા અને મહેમુદ નજરમામદ હિંગોરજા પાસે હથિયાર હોવાનો ખ્યાલ આવતાં ફરિયાદી હારૂન અયુબ હિંગોરજાએ ભચાઉ પોલીસને જાણ કરી હતી.
જાણ થતાં કોર્ટમાં ધસી આવેલી ભચાઉ પોલીસને સુલતાન હાસમ હિંગોરજા અને મહેમુદ નજરઅલી હિંગોરજા પાસેથી કોર્ટ પરિસરમાં છરી મળી આવતાં આરોપીઓને ભચાઉ પોલીસ મથકે લઇ જવાયા હતા. આ લોકો પાસે છરી હોવાની જાણ કરનાર હારુન અયુબ હિંગોરજાને પોલીસને જાણ કરવા મુદ્દે જાનથી મારી નાખવાની ફરિયાદ પણ હારુને ભચાઉ પોલીસ મથકે નોંધાવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.