કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનનો 58મા સ્થાપના દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ હતી. એશિયાનાં પ્રથમ એવા કાસેઝમાં ચાલુ વર્ષે સેઝ એક્ટને મુળથી બદલાવ કરાતા મહત્વપુર્ણ ફેરબદલ થનાર છે, ત્યારે તેને લઈને વિવિધ આશાવાદ આ કાર્યક્રમમાં વ્યક્ત કરાયો હતો. કોરોના કાળની માર વચ્ચે પણ કાસેઝએ પોતાના નિકાસની ગતીમાં ઓટ ન આવવા દઈને 2021-’22માં ફેબુઆરી સુધીમાં 8289 કરોડનું એક્સપોર્ટ કર્યું હતું. 280 યુનિટ ધરાવતા કાસેઝમાં 28 હજાર લોકો રોજગારી મેળવે છે, જેમાં 40% મહિલાઓ છે.
કાસેઝની સ્થાપના 7 માર્ચ, 1965માં તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી દ્વારા કરાઈ હતી. સવારે તેમની પ્રતિમાને પુષ્પાંજલી આપ્યા બાદ ખાનગી હોટલમાં એવોર્ડ સેરેમની યોજાઈ હતી. સંબોધિત કરતા જોઇન્ટ કમિશનર સત્યદીપ મહાપાત્રાએ જણાવ્યું કે દેશભરમાં જ્યારે કોરોના કાળમાં ઓક્સિજન સીલીન્ડર્સની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો ત્યારે 98 હજાર જેટલા સિલિન્ડર માત્ર કાસેઝથી અપાયા, જે દેશની કુલ આપુર્તીનો 80% હિસ્સો છે. આ સીવાય 74 લાખના ખર્ચે કાસેઝએ લીલાશાહ કુટીયામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કર્યો, આ સહિત લાખોની સંખ્યામાં દવાઓ સહિતની સામગ્રીની સહાય કરાઈ હતી. કાસેઝનો અતિરિક્ત ચાર્જ સંભાળતા કમિશનર આકાશ તનેજાએ કાસેઝ દ્વારા લેવાઈ રહેલા પગલાઓ અંગે માહિતી આપી હતી.
2020-’21માં કુલ એક્સપોર્ટ 7060 કરોડ થયું હતું, જેની સામે ચાલુ વર્ષે ફેબ્રુઆરી સુધીમાંજ 8289 કરોડ થયું છે. ડીપીએ ચેરમેન એસ.કે. મહેતા કાસેઝના સતત વિકાસની ગતીને નોંધપાત્ર ગણાવીને પુર્વ કમિશનર ડો. અમીયા ચંદ્રાને યાદ કરીને માત્ર કાસેઝમાંજ 5 લાખ વૃક્ષો ઉગાડાયા તે અભૂતપૂર્વ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સેન્ટ્રલ જીએસટી કમિશનર પી. આનંદકુમાર, કસ્ટમ કમિશનર ટી.રવી, કાસેઝીયા પ્રમુખ પારસ જૈન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે બ્રિગેડીયર શ્યામ શંકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેનું સન્માન કરાયું હતું. તો કાસેઝની નવી વ્યવસ્થા પર લીખીત એક પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું.
કાસેઝમાં જમીન ભાડું એટલું વધુ કે બહાર 5 વર્ષમાં પોતાની જમીન થઈ જાય!
કાસેઝના ઉધોગના સમુહ કાસેઝીયાના પ્રમુખ પારસ જૈન દ્વારા વધુ એક વાર કાસેઝમાં જમીનનું ભાડુ ઘણું વધારે પ્રમાણમાં લેવાતું હોવાનો મુદો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અંદરની જમીનનું ભાડુ એટલું વધારે છે, કે એટલો પાંચ વર્ષનું ટોટલ કરાય તો કાસેઝ બહાર કોઇ પ્લોટ આખો ફ્રી હોલ્ડ લઈ શકાય તેમ છે, કોચીન બાદ સૌથી વધુ ભાડુ અહિજ છે, જેને ઘટાડવા માટે જરૂરી પગલા ભરવા જોઇએ. આ સાથે તેમણે કાસેઝ પ્રશાસનના અધિકારીઓની કામ કરવાની ગતીમાં વધુ સ્પીડ લવાય તો ઉધોગોને રાહત રહે તેવી પણ માંગ કરી હતી.
વિવિધ કેટેગરીમાં સારો દેખાવ કરનારી કંપનીઓને એવોર્ડ આપી સન્માન કરાયું
સર્વાધિક એક્સપોર્ટ કરવા બદ ગોકુલ ઓવરસીસ, મીશન ફાર્મા લોજીસ્ટીક્સ, બકારોસ પરફ્યુમ્સ અને બ્યુટી પ્રોડક્ટ્સ પ્રા. લી. , રોયલ પેટ્રો સ્પેશ્યાલીટી પ્રા. લી., મધરસન સુમી સીસ્ટમ્સ લીમીટેડ, આઈએફજીએલ રીફેક્ટરીઝ લી., કેનમ ઈન્ટરનેશન પ્રા.લી., આઈટીએમ સેફ્ટી પ્રા. લી., હ્વસ્તી કેમીકલ પ્રા. લી, મીલાક એન્ટરપ્રાઈઝને અપાયો હતો. તો બેસ્ટ સ્વચ્છ યુનિટ એવોર્ડ મધરસન સુમી સીસ્ટમ લીમીટેડ, ગેલેંટીક ફાર્મા, બેસ્ટ ગ્રીન એવોર્ડ યુ.એસ. ક્લોથીંગ, સૌથી વધુ રોજગારી આપવા બદ મધરસન, બેસ્ટ સેઝ ઓફ ગુજરાતનો એવોર્ડ ફાર્મેઝ સેઝ, ઝાયડસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી., બેસ્ટ ગ્રોથમાં જીઆઇડીસી ઈલેક્ટ્રોનિક પાર્ક સેઝ, ગાંધીનગરને એવોર્ડ આપી સન્માન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.