ઠગાઈ:ટેન્કર વેંચવાના નામે 9.50 લાખ પડાવ્યા, મઢે દર્શન કરી પરત ફરતા વડોદરાના ટ્રાન્સપોર્ટરને ગાંધીધામમાં 2 ઠગ ભેટી ગયા

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાને પોર્ટના સાહેબ કહેતા શખ્સે કહ્યું ‘પોર્ટમાં રૂપિયા નહિ લઈ જાવા દે, બેગ આપી દ્યો’, પછી આવ્યો જ નહીં

વડોદરાથી કચ્છમાં દર્શનાર્થે આવેલા ટ્રાન્સપોર્ટર વ્યવસાય સાથે જોડાયેલા પરિવારને પરત ફરતા સમયે ગાંધીધામના ગઠીયા મળી જતા 9.50 લાખ રોકડ ની ઠગાઈનો ભોગ બન્યા હતા. બે શખ્સોએ આ વિશ્વાસઘાતને પ્લાનીંગ સાથે અંજામ આપ્યો હતો. કંડલા મરીન પોલીસ મથકે રોહીતભાઈ રામચંદ્ર શર્માએ આરોપીઓ અમીત પટેલ અને અન્ય એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ વડોદરામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ગત તા.25/09ના ફરિયાદી, તેમના પિતા અને બનેવી માતાના મઢ દર્શન કરવા આવ્યા હતા. ત્યારે પરત ફરતા સમયે ગાંધીધામ રેલવે સ્ટેશન ઓવરબ્રીજ પાસે દીપક હોટલ પર ચા પીવા ઉભા રહ્યા હતા. દરમ્યાન એક રાહદારીને ટ્રાન્સપોર્ટ નગરનો રસ્તો પુછતા તેણે શું કામ હોવાનું પુછ્યું, પ્રત્યુતરમાં ફરિયાદીના પિતાએ ટેંકર લેવાના હોવાનું જણાવ્યું હતુ. તો મળેલા વ્યક્તિએ તેના શેઠ કંડલા પોર્ટમાં હેડ હોવાનું કહીને તેમના પાસે 13 ટેંકર હોવાનું અને તેમને વેંચવાના હોવાનું જણાવ્યું હતું.

આરોપીએ પોતાનું નામ અમીત પટેલ જણાવીને પરત આવવા કહી મોબાઈલ નંબરની આપ લે કરી હતી. દરમ્યાન ફરિયાદી વડોદરા પરત ફર્યાના બીજા દિવસે અમીતનો ફોન આવ્યો હતો અને સાહેબ સાથે વાત થઈ ગઈ હોવાનું કહ્યું હતુ, ફરિયાદી પક્ષે બે ટેંકર લેવાની ઈચ્છા વ્યક્ત કરતા ટોકન રુપીયા લઈ આવવા જણાવાયું હતું. આવીજ રીતે ત્યારબાદ ત્રણેક દિવસોમાં બે ત્રણ ફોન આવતા ફરિયાદી, તેમના પિતા અને બનેવી ત્રણેય વડોદરાથી પરત ગાંધીધામ આવ્યા હતા, અને પી.એમ. આંગડીયાથી 9.50 લાખ રુપીયા લઈને આરોપી અમીતને મળવા ડીપીટીની એઓ બિલ્ડીંગમાં ગયા હતા.

જ્યાં બહાર ઉભા રહીને અમીત અન્ય એક શખ્સને મળાવ્યો, જેણે રુપીયા લઈને આવ્યા છોને? તેમ કહીને પોર્ટમાં એન્ટ્રી માટે પરવાનો બનાવવા આધારકર્ડ આપો તેમ કહીને રુપીયા સાથે પોર્ટમાં પ્રવેશ કરવા નહિ દે તેમ જણાવી બેગ આપો ઓફિસમાં રાખી દવું, તેમ કહ્યું હતું. થોડી વાર બાદ કારમાંજ બેઠેલા અમીતને કાર્ડ બની ગયા છે, લેવા આવનો ફોન આવ્યો હતો. ત્યારબાદ બન્ને પરત ફર્યા નહતા, જેથી બેગમાં રહેલા 9.50 લાખ વિશ્વાસઘાત અને ઠગાઈ આચરીને આરોપી અમીત પટેલ અને અન્ય એક અજાણ્યા શખ્સે લઈ લીધાનું સામે આવતા ફરિયાદ નોંધાવાઈ હતી.

ડીપીટીની એઓ બિલ્ડીંગ બહારથી જ ઠગાઈની ઘટનાથી ઉઠતા સવાલ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ડીપીટીની એઓ બિલ્ડીંગમાંથી આવેલા પોતાને પોર્ટનો સાહેબ કહેતા વ્યક્તિએ રુપીયા લઈને અંદર ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ડીપીટી દ્વારા તાજેતરમાં જ્યારે એઓ બિલ્ડીંગની સુરક્ષા વધારાઈ હોવાનો દાવો કરાયો હતો અને બહારના કોઇ હોય તો મંજુરી વગર જવા દેવામાં આવતા નથી. હવે પ્રશ્ન એ થાય કે, આ કિસ્સામાં શું થયું? સીસીટીવી ચકાસાય તો રહસ્ય બહાર આવી તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...