પૂર્વ કચ્છમાં સતત સક્રિય રહેતી તસ્કર ગેંગ દ્વારા હમેંશા એક પડકાર રહ્યો છે જેમાં પોલીસ આ તસ્કરીના બનાવો ડીટેક્ટ કરે છે પરંતુ ચોરીના બનાવો અંકુશમાં આવવા જોઇએ તેના બદલે વધતા રહ્યા છે. પુર્વ કચ્છમાં વર્ષ-2019 થી વર્ષ-2021 દરમિયાન ત્રણ વર્ષમાં ચોરીના 821 બનાવો નોંધાયા હતા, તો વર્ષ-2022 ના હજી ત્રણ મહિના જ પૂર્ણ થયા છે આ ત્રણ માસના 90 દિવસમાં તસ્કરીની 86 ઘટના નોંધાઇ છે જેમાં 86 પૈકી 43 ચોરીના બનાવ કચ્છના આર્થીક પાટનગર ગા઼ધીધામ સંકુલમાં નોંધાઇ છે.
આ બાબતે સત્તાવાર રીતે પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ-2022 ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન પૂર્વ કચ્છમાં ચોરીની કુલ 86 ઘટનાઓ નોંધાઇ છે જેમાંથી 43 ઘરફોડ ચોરી છે. આ કુલ 86 ચોરીના બનાવો પૈકી 43 બનાવો માત્ર ગાંધીધામ, આદિપુર, કંડલામાં નોંધાઇ છે. વર્ષ-2021 અને આ વર્ષના ત્રણ મહિનાની તુલના કરવામાં આવે તો, વર્ષ-2021 માં આ ત્રણ માસ દરમિયાન પૂર્વ કચ્છમાં 75 ચોરીની ઘટના નોંધાઇ હતી જ્યારે આ વર્ષે ત્રણ માસમાં 86 બનાવો નોંધાઇ ચુક્યા છે.
ગાંધીધામ સંકુલમાં ચોકીદાર ગણાતી નેપાળી ગેંગની સંડોવણી ખુલી
નેપાળી લોકો મોટે ભાગે ચોકિદાર તરીકે ફરજ બજાવતા રહ્યા છે. પરંતુ ગાંધીધામ સંકુલમાં વર્ષઅ2018 માં વધી ગયેલી સામુહીક ચોરીની ઘટનાઓમાં જે-તે સમયના એલસીબી પીઆઇ જે.પી.જાડેજાની ટીમે આ સામુહીક ચોરીને અંજામ આપતી નેપાળી ગેંગના 10 ઇસમોને હથિયાર સાથે પકડી લીધા હતા, તો થોડા સમય પહેલાં જ ઘરઘાટીએ વૃધ્ધાને બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનામાં પણ નેપાળી ઇસમો ઝડપાયા હતા, તો છેલ્લે ગુરૂકુળ વિસ્તારમાં ડીવાયએસપી અને એક ઘરમાંથી વિદેશી ચલણને અંજામ આપનાર પણ નેપાળી ગેંગ હોવાનું ખુલતાં ચોકિદાર તરીકે જાણીતા નેપાળી લોકોની જ સંડોવણી ખુલી છે.
ગાંધીધામના પોલીસ મથકે નોંધાયેલી ચોરીની ઘટનાની આંકડાકીય વિગત | |
પોલીસ મથક | સંખ્યા |
એ -ડિવિઝન | 28 |
બી -ડિવિઝન | 11 |
આદિપુર | 3 |
કંડલા મરિન | 1 |
વાહન ચોરી પૂર્વ કચ્છમાં જાણે રોજિંદી ઘટના બની ગઇ છે
પૂર્વ કચ્છમાં ખાસ ગાંધીધામ, આદિપુર, અંજાર શહેરમાં વાહન ચોરી તો જાણે રોજિંદી ઘટના બની ગઇ છે. આ શહેરોમાં હાઇ ડેફિનેશન કેમેરાઓ વિવિધ વિસ્તારોમાં લગાવેલા હોવા છતાં વાહન ચોરીને અંજામ આપતી ગેંગને પકડવામાં પૂર્વ કચ્છ પોલીસ સદંતર નિષ્ફળ રહી છે.
બી-રોલ ફોર્મ ભરવામાં નિરસતા કેમ?
આદિપુરમાં ગેસનો બાટલો બાંધી આતંક મચાવનાર દંપતિ બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું હતું, તો ગાડી સફાઇ કે ચોકીદારી માટે કામ ઉપર રહ્યા બાદ ચોરીને અંજામ આપતી ગેંગ પણ સક્રીય હોવાની વાતો બહાર આવી છે ત્યારે આ પચરંગી શહેરમાં બી-રોલ ભરવાનું ફરજિયાત હોવા છતાં ગંભીરતા કેમ નથી દાખવાતી એ મોટો સવાલ છે. હવે પોલીસે આ દિશામાં જાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી બી-રોલ ન ભરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરવી જોઇએ તેવી માંગ પણ ઉઠી છે.
ખાસ એક્શન પ્લાન તૈયાર કરી આવી ઘટનાઓનો તાગ મેળવાશે - એસપી
આ બાબતે હાલમાં જ ચાર્જ સંભાળનાર પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બાગડીયાએ જણાવ્યું હતું કે, આ જિલ્લામાં ચોરીઓની ઘટનાઓ અટકાવવા ખાસ એક્શન પ્લાન બનાવી તાગ મેળવાશે અને લોકોની મિલકતનું રક્ષણ થાય તે પ્રકારની કડક કામગીરી કરાશે, આ માટે ઓફિસરો સાથે બેઠક કરી લોકોને પણ મળી ચોરીઓની ઘટનાને કંટ્રોલમાં આવે તેવા પ્રયાસો હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.