ગાંધીધામના ટાગોર રોડ પર ચાલી રહેલા ઓવરબ્રીજના નિર્માણ કાર્યમાં સર્વિસ રોડ માટે બાજુમાંજ રહેલા વૃક્ષો આડા આવતા હોવાથી અંદાજે 80 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવનાર છે, તો હજી થોડા વર્ષો અગાઉજ બનાવેલા વરસાદી નાળાઓને ફરી તોડીને નાના કરવામાં આવશે. લોકોએ ભરેલા ટેક્સનો ખર્ચ કઈ રીતે થઈ રહ્યો છે તે અંગે લોકોએ સચેત અને માહિતગાર રહેવું જોઇએ તેવો મત જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામ્યો છે.
ગાંધીધામના ઓસ્લો સર્કલ આસપાસ ટાગોર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રીજનું કામ પૂર્ણ ગતીથી ચાલી રહ્યું છે ત્યારે હવે રોડ ટચ આવેલા વૃક્ષો ઓવરબ્રીજના સર્વિસ રોડના નિર્માણમાં બાધારુપ હોવાનું સામે આવતા સતાવાર માહિતી અનુસાર અંદાજે 80 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવનાર છે.
એટલુંજ નહિ પરંતુ તેની આગળ આવેલા 5 મીટરના વરસાદી નાળાઓ કે જે કરોડોના ખર્ચે થોડા વર્ષ પહેલાજ બનેલા તેને ફરી તોડી પાડીને બન્ને સાઈડથી એક એક મીટર ઘટાડીને ત્રણ મીટરની સાઈઝનાજ કરી દેવાશે. ત્યારબાદ તેને કવર કરીને તેનો ઉપયોગ ફુટપાથ તરીકે ઉપયોગ લેવાશે, તે દિશામાં કામ ચાલુ કરાયું છે.
વૃક્ષોને મુળીયા સમેત બીજી જગ્યાએ સ્થળાંતરીત ન કરી શકાય ?
અગાઉ જ્યારે વિકાસ કાર્યો માટે વૃક્ષોનો સોથ વાળવાનો પ્રશ્ન આવ્યો હતો ત્યારે મુળ સહિત વૃક્ષોને ઉઠાવીને તેને અન્ય સ્થળોએ આરોપિત કરી દેવાની ઉપલબ્ધ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું સુચન પણ ઉભુ થયું હતું,પરંતુ વર્તમાન વ્યવસ્થાઓ જો વૃક્ષો નાના હોય ત્યારેજ આ પ્રકારની વ્યવસ્થા થઈ શકે તેમ જણાવ્યું હતું.
દર વર્ષે વરસાદી નાળાઓ પાછળ લાખો રૂપીયાનું આંધણ!
વરસાદી નાળા એક એવી વ્યવસ્થા થઈ ગઈ છે કે જે દર વર્ષે એક મોટો ખર્ચ લઈને ઉભી હોય છે. તેની સફાઈ માત્ર માટેજ દર વર્ષે 50 લાખ જેટલો જંગી ખર્ચ કરવો પડે છે તે પ્રશ્ન ઉઠતો રહ્યો છે. આ પાલિકાની નાકામિયાબી છે ત્યારે લોકોના વેડફતા રુપિયા બાબતે કોણ જવાબદેહ બને છે ? વધુ એક વાર કરોડો ખર્ચે રિપેર થયેલા અને નવીનીકરણ તેમજ વીસ્તરીકરણ પામેલા નાળાઓને ફરી તોડીને નાના કરવાનું કામ કરવામાં આવનાર છે.
અણઘડ આયોજનના કારણે ખર્ચા કર્યા છતાં સમસ્યા ઠેરની ઠેરઃ વિપક્ષ
ગાંધીધામ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમીપ જોશીએ જણાવ્યું પુરતા અભ્યાસ વિના અણઘડ આયોજન કરીને કામ ચાલુ કરી દેવાયું છે. જેના કારણે ગાંધીધામની સ્થાપના કરાઈ ત્યારથી વવાયેલા 130 વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
સર્વિસ રોડ વિકસાવ્યા વીના કામ ચાલુ કરી દીધુ, હજી થોડા સમય પહેલાજ સરકારી યોજના અંતર્ગત નાળાઓનું પહોળીકરણ કરીને પ્લાસ્ટર કરાયું હતું, તેને હવે તોડીને નાના કરી રહ્યા છે. ભવિષ્યમાં બીઆરટીએસ બસ દોડાવવી હોય તો કોઇ જગ્યા છે પાલિકા પાસે? આ સ્પષ્ટરુપે દિર્ઘદ્રષ્ટીનો અભાવ દર્શાવે છે. ઓસ્લો સર્કલ પાસે જે શૌચાલય છે, તેને હટાવીને પાછળ બનેલા ગાર્ડનમાં સ્થાપિત કરવું જોઇએ જેથી ગોલાઈ પર ટ્રાફિકને વધુ સ્પેસ મળી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.