દરોડા:જુગારધામમાંથી 8 જુગારી 66 હજાર સાથે જબ્બે, ટીસીએક્સ- સાઉથના મકાનમાં જુગારધામ ચાલતું હતું

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શ્રાવણ પૂરો થયો પણ જુગારના શોખિનોનો શોખ હજુ પુરો નથી થયો!
  • ગાંધીધામના કાર્ગો પીએસએલ પ્રા.શાળા પાસે પણ જુગટું રમતા 4 શખ્સ 10 હજાર રોકડ સાથે પકડાયા : પોલીસે બે સ્થળે પાડ્યા દરોડા

ગાંધીધામના ટીએસએક્સ (સાઉથ) માં આવેલા મકાનમાં વૃધ્ધ દ્વારા સંચાલિત જુગાર ક્લબ ઉપર પૂર્વ કચ્છ એલસીબીએ દરોડો પાડી 8 જુગારીઓને રૂ.66 લાખ રોકડ રકમ સાથે પકડી લીધા હતા, તો ગાંધીધામના કાર્ગો પીએસએલ ઝૂંપડા વિસ્તાર પાસે ગંજીપાનાનો જુગાર રમી રહેલા 4 લોકોને પોલીસ પકડી પાડ્યા હતા. એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ટીએસએક્સ (સાઉથ)ના મકાન નંબર 35 માં રહેતા 64 વર્ષીય કાર્તિકચંદ્રા હરીપદો સરકાર પોતાના આર્થિક લાભ માટે નાલ ઉઘરાવી બહારથી જુગારીઓને બોલાવી જુગારધામ ચલાવે છે.

આ બાતમીના આધારે ટીમે તેમના રહેણાક મકાનમાં ગત રાત્રે 8 વાગ્યે દરોડો પાડી આ જુગાર ક્લબના સંચાલક 64 વર્ષીય કાર્તિકચંદ્રા હરીપદો સરકાર, 52 વર્ષીય અકબર રઝાકભાઇ મુન્શી, 59 વર્ષીય હનીફ સાલેભાઇ મેમણ, 50 વર્ષીય જુનેદ યાકુબભાઇ નાથાણી, 55 વર્ષીય સુભાષ બ્રીજલાલ શર્મા, 55 વર્ષીય ધર્મેન્દ્ર દોતસિંહ છાસટિયા, 36 વર્ષીય નાશીર ઉર્ફે નિશાર અબ્દુલ હમીદ અને 60 વર્ષીય કમલ રામચંદ શિવદાસાણીને રૂ.65,950 રોકડ સાથે પકડી લઇ એ-ડિવિઝન પોલીસ મથકે તેમના વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. તો, ગાંધીધામના કાર્ગો પીએસએલ ઝૂંપડા વિસ્તારની પ્રાથમિક શાળા પાસે આજે બપોરે ગંજીપાના વડેજુગાર રમી રહેલા અભલકભાઇ શ્રીહરિપ્રસાદ પાલ, સુશિલ રોશનસિંગ દિખિ, કુલદિપ રવિન્દ્રકુમાર દોહરે અને ગોરેલાલ શિતલસિંગ રાજપુતને બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ.10,300 રોકડ સાથે પકડી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

2 માસમાં જુગારના 108 કેસ, 627 જુગારી પાસેથી 1.99 કરોડનો મુદ્દામાલ જપ્ત
શ્રાવણી જુગારની મોસમ દરમિયાન પૂર્વ કચ્છમાં પોલીસે નાના મોટા જુગારના પડ અને એકાદ બે ક્લબો પર દરોડા પાડી જુલાઇ અને ઓગષ્ટ એમ બે મહિનામાં જ 108 કેસ નોંધ્યા હતા જેમાં 627 જુગારીઓને પકડી કુલ રૂ.1,99,41,240 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુલાઇમાં જુગારના 24 કેસમાં 116 જુગારી પાસેથી રૂ.6,40,740 નો મુદ્દામાલ તો ઓગષ્ટમાં 84 કેસ નોંધી 627 જુગારીઓ પાસેથી પોલીસે 1,93,00,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શ્રાવણી જુગાર દરમિયાન મોટી જુગારક્લબો સામે આંખ આડા કાન કરાયાની ચર્ચા ઉપડી હતી
જુલાઇ અને ઓગષ્ટ મહીના દરમિયાન શ્રાવણી જુગારની મોસમ દરમિયાન વાગડ તેમજ ગાંધીધામ તથા અંજાર વિસ્તારમાં અનેક જગ્યાએ મોટી જુગાર ક્લબો ધમધમી રહી હતી તેમ છતાં પણ અમુક મોટી જુગાર ક્લબો સામે પોલીસે આંખ આડા કાન કર્યા હોવાની ચર્ચાઓ પણ તે સમયે ઉઠી હતી.

મંદીની વાતો વચ્ચે અનેક લોકોએ 20 થી 30 લાખની રકમ ગુમાવી!
જુગારની બદીમાં લોકો બધું ભુલી જતા હોય છે અને દાવ લગાવી દેતા હોય છે. જુગટુના દૂષણને લઇને કેટલાય પરીવારોને અસર પડી રહી છે. કોરોના મહામારીને કારણે લોકડાઉનને કારણે હાલે જ્યારે મોંઘવારી અને મંદીની વાતો ચાલી રહી છે તેવા સમયે પણ આ઼તરીક સૂત્રોના જણાવ્યા મુજબ અનેક લોકો એવા છે કે શ્રાવણી જુગારની સિઝનમાં 20 થી 30 લાખ રૂપિયા ગુમાવી બેઠા છે. તો આ સિઝનમાં પૂર્વ કચ્છમાં અનેક જગ્યાએ દરોડા બાદ રકમ પણ છૂપાવાઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...