ખાડાધામ:35 કિ.મી.ના ખખડધજ રસ્તાના નવીનીકરણ માટે 5.15 કરોડની દરખાસ્ત કરાઇ

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ આદિપુરમાં મેઘરાજાએ અમી વર્ષા કરી સંકુલવાસીઓ પર વરસાવેલા હેતને કારણે નગર પાલિકાને પ્રાથમિક રીતે સર્વેમાં 25થી વધુ રસ્તા તુટી ગયા છે. રસ્તાના નવીનીકરણ કરવા માટે સરકારની જાહેરાત બાદ એસ્ટીમેન્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલિકાએ કરેલા સર્વેમાં 35 કિમીના રસ્તા બનાવવા માટે સરકાર પાસે 5.15 કરોડની ઝોળી ફેલાવી છે. શહેરના રાજમાર્ગોથી લઈ આંતરીક રોડ તુટી જતાં લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ માટે સરકારે તિજોરી ખુલી મુકી દીધી છે. અગાઉ રૂટિનની સહાયની રકમ તો સમયાંતરે આવતી રહે છે. આ આવતી રકમમાંથી યોગ્ય અને સમયસર આયોજન કરવું જોઈએ તે કરવામાં ન આવતા અવારનવાર પાલિકાના સતાધિશોની નીતિ પર માછલા ધોવાયા છે. છતે પૈસાએ વહીવટદારોની કોઈ ઉણપ કે ઠાગાઠૈયાની નીતિ સામે ખુદ ભાજપના પણ કેટલાક સભ્યો તથા સંગઠન ક્ષેત્રે સંકળાયેલા ઓ પણ નારાજ છે તેમ છતાં મનમાન્યો ‘પેઢી’ જેવો વહીવટ કરવામાં આવી રહ્યાનો ઉહાપોહ પણ અગાઉ ઉઠી ચુકયો છે. ગત અઢી વર્ષના શાસન અને હાલના સુત્રધારોની કામની કેટલાક ભાજપના કાર્યકરો પણ સમીક્ષા કરી રહ્યા છે. દરમિયાન હાલ વરસાદી માહોલ ને કારણે લોકોના હાલ બેહાલ કરવામાં પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની નબળાઈ છતી થઈ છે.

લોટ, પાણી, લાકડાનો વહીવટ ન થાય તે જોજો
નગર પાલિકાના વિકાસ કામ પૈકી કેટલાક કામોમાં લોટ, પાણીને, લાકડાની અવારનવાર બુમ ઉઠે છે. ફરીયાદ પછી પગલા ભરાવાને બદલે કેટલીક ઉપર છલ્લી કામગીરી કરીને લીલી ઝંડી આપી દેવામાં આશતી હોય છે. ચીફ ઓફીસર આ પર વિશેષ ધ્યાન આપે તે પણ જરૂરી છે, જે કામો થાય છે કે થનાર છે તેમાં 100રૂપિયાનું કામ60રૂપિયાથી પણ નીચા ભાવે લઈ કરવામાં આવશે. થોડા સમય પહેલા ભરાયેલા ટેન્ડરોમાં એસ્ટીમેન્ટ કરતા 47% નીચા ભાવ ભરાયા હતા. પાલિકાના ઈતિહાસમાં આ આવેલા ભાવ પછી કોન્ટ્રાક્ટરને કેવી રીતે કામ પોષાય તેવો સવાલ ઉઠયો હતો. પાલિકામાંથી ઉઠેલા આ સવાલની સાથે અન્ય પરચુરણ ખર્ચ મેળવાય તો આ આંકડો 50%થી ઉપર પહોચી જતો હોવાનો દાવો પણ વર્તૂળો કરી રહ્યા છે.

કયા કયા રોડનું નવીનીકરણ થશે?
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ જે રોડને વાઘા પહેરાવવામાં આવશે તેમાં એરપોર્ટ રોડ, 3/એ, 4/એ, કલેકટર રોડ, એલ.આઇ.સી, આંબેડકર રોડ, સેકટર-8, મુખ્ય બજાર,ખન્ના માર્કેટ, પોલીસ ચોકી રોડ વિસ્તારોનો સમાવેશ થાય છે.

10 કરોડના કામ તો મંજુર પણ થયા નથી
સૂત્રોના દાવા મુજબ એક તરફ સરકારે તિજોરી લોક ઉપયોગી સેવા માટે ખુલી મુકી દીધા બાદ ભાજપ સંગઠનના અંકુશ વગરના શાસકોની વહીવટી પદ્ધતિને કારણે વિલંબ પણ અગાઉ અવાર નવાર થયાની બૂમરાડ ઉઠી છે. મંજુરી મેળવવામાં પણ જે સંવેદનશીલ ગતિ જોઈએ તે કેટલીક વખત જોવા મળતી નથી. આવા અટવાયેલા કે મંજુર થયેલા કામના પોટલા વાળી રાખ્યા છે જેમાં રિલાયન્સ સર્કલ, ગાયત્રી મંદિર રોડ, મધુવન હોટલ પાસે સહીતના રોડનો સમાવેશ થાય છે. આ કામ પણ તાકીદે શરૂ થાય તે જરૂરી છે.

15 ઓક્ટોમ્બર બાદ ચોમાસાની વિદાયથી કામ શરૂ થશે
ચોમાસાની સિઝનમાં ડામર રોડના કામ થઈ શકતા નથી. સરકારી ચોપડે સત્તાવાર રીતે જોવામાં આવે તો ચોમાસાની વિદાય ગણાશે. ત્યારબાદ શહેરના વિકાસ કામાં ડામર રોડના કામો હાથ ધરાશે.

ગેરેન્ટી પિરીયડ સિવાયના કામો
ગાંધીધામ, આદિપુરમાં દર વર્ષે લાખો રૂપિયાના વિકાસ કામ કરવામાં આવે છે. હાલ કરવામાં આવેલા કામ પૈકી ટેન્ડરની શરત મુજબ 3 વર્ષ રોડની સાર સંભાળ જે તે કોન્ટાકટરે કરવાની હોય છે. સતત સપ્તાહ દરમિયાન વરસેલા વરસાદના વિરામ પછી આવા તૂટી ગયેલા રોડના કામ કરનાર એજન્સીઓ પાસે પાલિકાને થયેલ નુકશાન પછી કામ કરાવવામાં આવશે.

‘અહીં ખાડો છે’ તે દેખાડવા જનતાએ રોડ પર લાકડા ગોઠવીને વાહનોને સ્લીપ થતા બચાવ્યા!
શહેરમાં વરસાદ બાદ ચર્ચાનો મુદ્દો બનેલા માર્ગોની સ્થિતિ અંગે જનતા પોતેજ આગળ આવીને અન્યો કોઇ મુસીબતમાં ન મુકાય તેના પ્રયાસો કરી રહ્યા છે. જનતા કોલોની, ભારતનગર તરફ જતા રોડ પર પડેલા અસંખ્ય ખાડાઓ વચ્ચે કોઇ મોટુ વાહન પણ ફસકી પડે તે ખાડા તરફ ધ્યાન દોરવા માટે લોકોએ પોતે પહેલા વૃક્ષની ડાળ અને ત્યારબાદ લાકડાઓ ગોઠવીને લોકોનું ધ્યાન આકર્ષીત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...