ગાંધીધામની જાણીતી કંપની શ્રીરામ સોલ્ટ વર્ક્સ ના ખાતામાંથી કોઇ અજાણ્યા ઇસમે સળંગ ચાર થી વધુ ટ્રાન્જેક્શન કરી આરટીજીએસ મારફત નેટ બેંકિંગના માધ્યમથી અડધા કરોડ જેવી માતબર રકમ ઉપાડી લીધી હોવાની ફરિયાદ કંપનીના મેનેજરે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.
મુળ ગાંધીનગરના હાલે અંતરજાળ રહેતા અને ગાંધીધામના શ્રીરામ સોલ્ટ વર્ક્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નિરવભાઇ દિનેશભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.2/3 ના રોજ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનિત અગ્રવાલે તેમને વાત કરી કે, શ્રીરામ સોલ્ટ વર્ક્સના, જય રવેચી કેમિકલ પ્રા.લિ. તથા દુર્ગેશ એન્ટરપ્રાઇઝના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ખોટા ટ્રાન્જેક્શન કરાયા હોવાનું નેટ બેંકિંગ તપાસતા જણાયું છે. આ તમામ ટ્રાન્જેક્શન તા.1/3 ના થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.ત્યારબાદ તેમણે ખાતાઓના સ્ટેટમેન્ટ ચેક કરતાં શ્રીરામ સોલ્ટ વર્ક્સના બીઓબીના ખાતમાંથી કુલ 6 ટ્રાન્જેક્શનથી પ્રથમ 6,82,000, તેમની દુર્ગેશ એન્ટરપ્રાઇઝના ખાતામાંથી 2,82,000 જમા થયા બાદ ફરી રૂ.6,00,000 ડેબિટ થયા હતા.
શ્રીરામ ટ્રેડિંગ કંપનીના એચડીએફસીના ખાતામાં રૂ.10,00,000જમા થયા બાદ સળંગ ચાર ટ્રાન્જેક્શનમાં અનુક્રમે 8,00,000, 3,00,000, ,8,00,000 અને રૂ.9,00,000 ડેબિટ થઇ ગયા હતા. એ જ રીતે શ્રીરામ સોલ્ટ વર્ક્સના ખાતમાંથી રૂ.40,82,000ના ખોટા ટ્રાન્જેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હતું. તો રવેચી કેમિકલ્સના ખાતમાંથી રૂ.2,62,000, રૂ.4,00,000 અને રૂ.3,00,000 ના એમ ત્રણ ટ્રાન્જેક્શન આરટીજીએસ મારફત કરી ડેબીટ થયા હતા. આમ કુલ રૂ.50,44,000 ના ખોટા ટ્રાન્જેક્શન જાણ બહાર કરાયા હોવાનું જણાતાં આ બાબતે તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. તપાસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી કરી રહ્યા છે.
બેંક સાથે લીંક સીમકાર્ડ બદલાવ્યા પછી ટ્રાન્જેક્શન થયું
આ બાબતે મેનેજર નિરવ પટેલે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રીરામ સોલ્ટ વર્ક્સના બેંક ઓફ બરોડાના એકાઉન્ટ સાથે 9825097902 ઇીંક કરેલો છે જે ગુજરાત સોલ્ટ વર્ક્સના નામે રજિસ્ટર થયેલો છે. કોઇપણ ટ્રાન્જેક્શન વખતે ઓટીપી જનરેટ થાય છે. આ ફોન કેશીયર અનિષભાઇ પાસે રહે છે જેઓ તમામ નાણાકિય વ્યવહાર સ઼ભાળે છે. ગત તા.28/2 ના આ ન઼બર સાંજે સાડા ચાર વાગ્યે બંધ થઇ ગયો હતો અને મુસેજીસ આવવાના બંધ થયા હોવાનું તેમના ધ્યાને આવતાં તેમણે નીરવભાઇને વાત કરતા઼ કસ્ટમર કેર પર વાત કરી વોડાફોન સ્ટોર પર બીજું સીમ લેવાનું જણાવાતા઼ વોડાફોન મીની સ્ટોરમાંથી આધારકાર્ડ ની નકલ આપી સીમ બદલાવી નવું સીમ આપ્યું હતુંઆ સીમ બદલાવ્યા બાદ બીજા દિવસે તા.1/3 ના આ ખોટા ટ્રાન્જેક્શન થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઓનલાઇન વ્યવહારો શરૂ થયા બાદ આ પ્રકારની ઘટનાઓ વધી
ડીઝીટલ નાણાકીય વ્યવહારો અનેક રીતે આશિર્વાદરૂપ છે પરંતુ ડિઝીટલ નાણાકિય વ્યવહારો શરૂ થયા બાદ યેનકેન પ્રકારની ટેકનિકથી આ પ્રકારે ચિટીંગ કરતો ગેંગ રીતસરની સક્રીય થઇ હોય તેમ દીવસ પડે અને નાની મોટી છેતરપિંડીની ઘટનાઓ નોંધાતી રહે છે. જે ચિંતાજનક બાબત પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.