જાહેરાત:ગાંધીધામને 5 કરોડ ફાળવવામાં આવશે, આગવી ઓળખ સહિતના મુદ્દે ગ્રાન્ટ ફાળવાશે

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં યોજાયેલી ગુજરાત મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં કરાયેલી જાહેરાત
  • તબક્કાવાર ઝડપી રીતે શહેરના વિકાસની મેપલક્ષી દરખાસ્તો મોકલવા સૂચના : પાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન વગેરે હાજર રહ્યા

ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, મુખ્ય અધિકારી વગેરેની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટની ફાળવણી અને જે તે કામો બાકી છે તેની સમિક્ષા પણ કરવામાં આવી હતી. ગાંધીધામ પાલિકાને આગવી ઓળખના ભાગરૂપે અંદાજે 5 કરોડ મળશે તેવા સંકેત પણ મળી રહ્યા છે. આ બેઠકમાં અનેકવિધ મુદ્દે વિકાસનો રોડમેપ તૈયાર કરીને સંબંધિત પાલિકાઓને ઝડપી કાર્યવાહી થાય તે માટે ભાર મુકવામાં આવ્યો હતો.

ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીએ આ બેઠકમાં મહત્વની જાહેરાત કરી હતી અને સરકારની વિકાસલક્ષી માર્ગદર્શીકા અંગે આગળ વધીને નાગરીકોને સારામાં સારી સુવિધાઓ આપવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પગલા ભરે તે માટે ટીપ્સ પણ આપવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે. જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ અ વર્ગની પાલિકાઓમાં ગાંધીધામનો સમાવેશ થતો હોઇ આગામી દિવસોમાં આગવી ઓળખના ભાગરૂપે 5 કરોડની રકમના દાવેદાર થઇ શકશે. જોકે, અગાઉ ગત ટર્મ વખતે પણ નગરપાલિકાને અંદાજે 4 કરોડથી વધુ રકમ આગવી ઓળખની ફાળવવામાં આવી હતી.

જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું. લાંબો સમય સુધી વાદ-વિવાદ ચાલ્યો અને કઇ જગ્યાએ શું સુવિધા ઉપલબ્ધ કરવી તે અંગે નક્કી ન થતાં ખેંચતાણ પછી થયેલી આ કામગીરીમાં પણ હજુ ફાઇનલ કામગીરીમાં થોડીક અધુરાસ હોવાથી જ્યાં સુધી આ બાબતે ફાઇનલ બિલ બનીને પ્રથમ તબક્કાની ફોર્માલીટી પુર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગ્રાન્ટ માટે દરખાસ્ત મુકાશે પરંતુ તેને મંજુરી મેળવવામાં વિલંબ થઇ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

આ બેઠકમાં પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણી, કારોબારી સમિતિના ચેરમેન પુનીત દુધરેજીયા, ઇજનેર આશિષ વગેરે જોડાયા હતા. બેઠકમાં આપવામાં આવેલી વિવિધ સૂચનાઓ પૈકી હાલ જે રીતે ત્રણ મહિને સભા બોલાવી તેમાં બે માસમાં બોલાવવા સહિતનાનો સમાવેશ થાય છે.

દરખાસ્ત તૈયાર કરવામાં આવશે : ચેરમેન
કારોબારી સમિતિના ચેરમેન પુનીત દુધરેજીયાએ ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, સુવિધાલક્ષી બાબતોની આ બેઠકમાં સમીક્ષા થઇ હતી. ગાંધીધામ નગરપાલિકાને આગવી ઓળખની મળનાર ગ્રાન્ટ અંગે આગામી દિવસોમાં યોગ્ય ચકાસણી કરીને આગળ વધી જરૂરી દરખાસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ટાંટીયાની ખેંચતાણમાં સુવિધામાં વિલંબ
વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી હોવાથી વિકાસલક્ષી કામોની હરણફાળ આગામી દિવસોમાં ભરવામાં આવશે અને સરકાર દ્વારા જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને છૂટાહાથે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. તબક્કાવાર થતી દરખાસ્ત અને સુવિધાલક્ષી બાબતો પર ધ્યાન અપાશે તેવા સંજોગોમાં ગાંધીધામ અત્યારે જે રીતે ભાજપમાં જ અંદરઅંદરની ખટપટમાં ખેંચતાણનો ભોગ બન્યું છે તે દૂર થાય અને સુવિધાલક્ષી કામોની ગાડી પાટા પર આવે તો જ આગળ વધી શકાશે. સરકાર ગમે તેટલી સુવિધા આપવા આગળ આવશે પણ વિલંબ થશે તો તેનો અર્થ કેવી રીતે સરે તે સહિતના પ્રશ્નો ભાજપમાં જ ઉભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...