કાળી ચૌદસે કાળચક્ર ફર્યું:પૂર્વ કચ્છમાં 5 અકસ્માતમાં 6 યુવાનની જિંદગી ભરખાઇ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાપરના ત્રંબૌ ચોકડી પાસે આઇસર-બાઇક ટકરાતાં મોટા દિવસે બે આશાસ્પદ યુવાનને કાળ ભરખી ગયો
  • વરસાણા પુલ પાસે ઉભેલા વાહનમાં ટ્રક અથડાતાં ચાલકનું મોત, પડાણા-વરસાણા પાસે બાઇક સ્લીપ થતાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા

પૂર્વ કચ્છમાં કાળી ચૌદશે કાળ ચક્રો ફરી વળ્યું હતું જેમાં 4 માર્ગ અકસ્માતોની ઘટનામાં 5 માનવ જિંદગી ભરખાઇ છે , જેમાં રાપરના ત્રંબૌ ચોકડી પાસે આઇસર ચાલકે બાઇક અડફેટે લેતાં બે આશાસ્પદ યુવાનોએ ઘટનાસ્થળે દમ તોડ્યો હતો. અંજારના વરસાણા પુલ પર આડાશ વગર ઉભેલા વાહનમાં ટ્રક ટકરાતાં ચાલકનું મોત નિપજ્યું હતું, તો પડાણા અને વરસાણા પાસે બાઇક સ્લીપ થતાં બે યુવાનોએ તથા સામખિયાળી પાસે ડમ્પર અડફેટે કંપનીના કામદારે જીવ ગુમાવ્યા છે.

રાપરમાં આઇસર અડફેટે બાઇક સવાર બે આશાસ્પદ યુવાનના મોત
રાપરના ત્રંબો ચોકડી નજીક બાઈક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનો ના મોત નીપજતા ગમગીની વ્યાપી હતી જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના ત્રંબો ચોકડી થી આગળ રાપર - નંદાસર રોડ ક્ને ઈંટો ના ભઠા વાળી ગોલાઈ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા આશાસ્પદ બે યુવાનોનુ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. આજે મોડી સાંજે સાડા સાતની આસપાસ આઈસર ટેમ્પો નંબર જી જે-12- બીવી 2549 નંદાસર બાજુ થી આવી રહ્યો હતો જેને સામે આવતી સાઈન કંપની ની બાઈક જીજે - 12- સીએચ- 5151 ને ધડાકા ભેર અથડાવતા બાઈક ચાર ફૂટ ઊંચે ઉડી હતી જેમાં મૂળ સઇ ગામના અને હાલે રાપર ડાંભુડા રોડ નજીક તાલુકા પંચાયત આગળ રહેતાં પરબતભાઈ ડામાભાઈ સમૈયા( ઉ. વ.36) અને રાપરના પાંજરાપોળની પાછળ રહેતાં રામજીભાઈ મનજીભાઈ પરમાર ( ઉ. વ.22) નુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બનેની લાશો એકમેકમાં ચોંટી જતા મહા મુસીબતે અલગ કરાઈ હતી તો બાઈક ના ફુરચા બોલી ગયાં હતાં જેમાં બાઈક ના બને ટાયરો અલગ અલગ થઈ ગયાં હતાં.

ગેલન્ટ કંપનીમાં ડમ્પર અડફેટે યુવાન કામદારનો જીવ ગયો
ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક આવેલી ગેલેન્ટ કંપનીમાં કામ કરતા ગંગારામ મલતુભાઇ અહેરબારે ફરિયાદમાં જણાવ્યું છે કે, આજે સવારના 8 વાગ્યે ગેલેન્ટ કંપનીના ટીએમટી યાર્ડમાં તેઓ બધા કામ કરી રહ્યા હતા તે દરમિયાન બેકાબૂ બનીને ધસી આવેલા ડમ્પર ચાલકે ત્યાં કામ કરી રહેલા 36 વર્ષિય અરવિંદભાઇ સંતુરામ અહેરબારને અડફેટે લેતાં ઘટના સ્થળે ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નિપજ્યું હતું. બીજા કામદારો સમયસર ખસી જવાને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું તેમણે જણાવ્યું હતું. સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે.

વરસાણા પુલ પર વાહનમાં ટ્રક ટકરાતાં ચાલકે જીવગુમાવ્યો
મુળ રાજસ્થાનના અલવર ખાતે રહેતા 40 વર્ષીય મુહરખાન મુન્શીખાન ખાને અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કારવાન ટ્રાન્સપોર્ટની ટ્રક લઇને વરસાણા પુલ ઉપરથી તેમના બનેવી મહમ્મદ ઉસ્માન મધરાત્રે અઢી વાગ્યાના અરસામાં જઇ રહ્યા હતા ત્યારે પુલ પર કોઇપણ આડાશ કે સંજ્ઞા રાખ્યા વગર પડેલા અન્ય વાહનમાં તેમની ટ્રક અથડાઇ જતાં તેમને પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નિપજ્યું હતું. તેમણે આડેધડ રીતે પુલ ઉપર ટ્રક રાખી જનાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.

વરસાણા પાસે બાઇક સ્લીપ થતાં પાછળ સવાર યુવાનનું મોત
અંજારના વરસાણા પાસે જ સર્જાયેલા બીજા અકસ્માતમાં મુળ મધ્યપ્રદેશના સિમરધાના હાલે મીઠીરોહર પાસે રહેતા ભગતભાઇ રામેશ્વર પટેલ અને નારાયણસિંઘ ચૌહાણ બન્ને જણા બાઇક પર ઇસ્પાત કંપની તરફ જઇ રહ્યા હતા. બાઇક નારાયણસીંઘ ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક નારાણસીંઘે કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થઇ ગયું હતું જેમાં પાછળ સવાર ભગતભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ભગતભાઇને સારવાર નસીબ થાય તે પહેલાં તેમણે દમ તોડ્યો હોવાનું તેમના ભાઇ વિનોદભાઇ રામેશ્વર પટેલી જણાવી બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

પડાણા પાસે બાઇક સ્લીપ થતાં બાઇક ચાલકનું મોત, 1ઘાયલ
તો, મુળ વેસ્ટ બંગાળના હાલે પડાણા નજીક જવાહરનગરમાં રહેતા 21 વર્ષીય સમસુલ તોમસેર શેખ તા.1/10 ના રાત્રે તેઓ પોતાના રૂમે હતાત્યારે તેમનો મિત્ર હબીબઉર મીલમસારામ મંડલ તેમના ઘરે બાઇક લઇને આવ્યો હતો અને વરસાણા ત્રણ રસ્તા સુધી ફરી આવીએ તેમ જણાવતાં તેઓ બન્ને નિકળ્યા હતા. પરંતુ પરત ફરતી વેળાએ જવાહરનગર પાસે બાલાજી કાંટાના સર્વીસ રોડ પર અચાનક હબીબે કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થયું હતું જેમાં હબીબનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને તેમને ડાબા હાથે ફ્રેક્ચર સહીતની ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...