તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કંડલાના ફ્લોટીલા સ્ટોરમાંથી 6.50 લાખની ઝીંકની 450 પ્લેટ ચોરાઇ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરીન વિભાગ દ્વારા તસ્કરે ડુપ્લિકેટ ચાવીથી તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાવાયું

દીન દયાળ પોર્ટમાં ચુસ્ત સિક્યોરીટી રાખવામાં આવે છે તેવો દાવો થાય છે. અવારનવાર ચીભડ ચોરીના ભનાવો પ્રકાશમાં આવે છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા લવાતા માલ- સામાનમાં પણ કેટલીક વખત સરસામાનની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠે છે. દરમિયાન દીન દયાળ પોર્ટના જ મરીન વિભાગ દ્વારા ટગ અને લોંચમાં ઉપયોગી થાય તેવી સ્પેર પાર્ટ રાખવામાં આવે છે તે ફ્લોટીલા સ્ટોરમાં ડુપ્લીકેટ ચાવીથી તાળું ખોલીને 6.50 લાખની કિંમતની ઝીંકની અલગ અલગ વજનની 450 પ્લેટની ચોરીને અંજામ અપાયો હોવાની ફરિયાદ કંડલા મરીન પોલીસે નોંધાઇ છે.

પોર્ટમાં પ્રવેશવું હોય તો લોકોને નેવાના પાણી મોભે ચડે તેવી પરીસ્થિતિમાંથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે બંદર સંકુલમાં કોઇને પ્રવેશ બહારનાને અપાતો નથી. સંવેદનશીલ વિસ્તારોથી લઇને ડીપીટીના અન્ય સ્થળો પર કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવે છે. દરમિયાન સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત રોજ પોસ્ટ ઓફિસ નજીક બનાવવામાં આવેલ ફ્લોટીલાના સ્ટોરમાં કે જ્યાં ડીપીટીના મરીન વિભાગ દ્વારા ટગ અને લોંચના ઉપયોગ માટે સરસામાન રાખવામાં આવે છે.

આ સ્પેર પાર્ટની તસ્કરી થઇ હોવાની વિગત બહાર આવી છે. હવે આ મુદ્દે જવાબદારી કોની ? તેવો પ્રશ્ન પણ હાલના તબક્કે ઉઠ્યો છે. કંડલા મરીન પોલીસે આ ચોરીને અંજામ આપનાર તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું તેમજ હાથ વેંતમાં હોવાનું તપાસનીશ અધિકારી પીઆઇ એ.જી.સોલંકીએ જણાવ્યું હતું. નોંધવું રહ્યું કે, કંડલામાં અગાઉ પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી તેમજ તાજેતરમાં પ્રકાશમાં આવેલી કોલસા તેમજ સોયાબીન ચોરીની ઘટનાઓએ ચકચાર મચાવી હતી. તેવામાં આ ઘટનાએ પોર્ટની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા કર્યા છે.

લાખોનો સરસામાન સગેવગે થયો હતો
સૂત્રોના દાવા મુજબ અંદાજે ત્રણેક મહિના પહેલા પણ આવી જ રીતે ચોરીની ઘટના બહાર આવી હતી. જેમાં આઠેક લાખનો સરસામાન ચોરાયો હતો. સુરક્ષાના દાવા વચ્ચે આ પ્રવૃતિ ચાલું રહેતી હોવાની વાત પણ ઉઠી રહી છે. આ બાબતે નિષ્કાળજી બદલ જવાબદારી કોની તે પણ નક્કી કરીને સંબંધિત અધિકારી કે કર્મચારી સામે પગલા ભરવા જોઇએ.

જાણભેદુએ હાથ અજમાવ્યાની આશંકા
પોર્ટના સૂત્રો દ્વારા એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ડુપ્લિકેટ ચાવી કેવી રીતે બનાવવામાં આવી? કોઇ જાણભેદુ દ્વારા તેમાં મદદગારી કરવામાં આવી હોયતેવી આશંકા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...