વીજ કંપનીની આડોડાઈને લઈને અવાર નવાર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે 4-બી વિસ્તારમાં આજે જીવંત વાયર તૂટી પડતાં નાસભાગ મચી ગઇ હતી.નાગરિકોએ સ્વયંભૂ કોઇ દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે પગલા લીધા હતા અને વીજ કંપનીમાં જાણ કરતા જાડી ચામડીના અધિકારીઓએ પહેલા તો અરજી આપો પછી વાત તેમ કહીને ટાળી દેવાનો પ્રયત્ન કર્યો હતો. ગાંધીધામ ખાતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને આ બાબતની નાગરિકોએ જાણ કરતાં તેમણે ગંભીરતા સમજીને તાકિદે વીજવાયરની મરંમત કરાવતા દુર્ઘટના ટળી હતી.
સંકુલમાં વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી છે તેમાં અવાર નવાર પ્રશ્નો ઉભા થયા છે. લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી જોઈએ તેનો ઉકેલ લાવી શકાયો નથી. દરમિયાન આજે સવારના સમયે 4-બી વિસ્તારમાં જીવંત વાયર તુટી પડયો હતો .સવારના સમયે બનેલા આ બનાવમાં નાગરિકોએ પ્રથમ કક્ષાએ સ્થાનિક અધિકારીઓનું ધ્યાન દોરીને તાકીદે કામગીરી કરાવી ને લોકોને દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે તકેદારી રાખવા માટે જાણ કરી હતી.
આમ છતા અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નહોતું. પ્રથમ તો આવી ઘટનામાં અરજી આપી જાવ તેવો હઠાગ્રહ રાખતા રૂટીન કામગીરી પર વધુ ધ્યાન દેતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. ત્યારબાદ રહીશોએ આ બાબતે જાણકારી આપતા કર્મચારી આવે છે તેમ કહીને ગંભીરતા દાખવી હતી. જે કર્મચારીને કામ સોંપવામાં આવ્યું હતું તે પણ મીટર બદલવાની કામગીરીમાં લાગેલ હોવાથી સમયસર પહોંચી શકે તેમ ન હોઇ ચણભણાટ વ્યાપ્યો હતો .
કેટલીક મહિલાઓએ પણ તકેદારી રાખીને નાનો બાળક કે અજાણ્યા લોકો જીવંત વાયરનો સ્પર્શ ન કરી જાય તે માટે સક્રિયતા દાખવી હતી જેની સરાહના કરવી પડે. દરમિયાન ગાંધીધામમાં વીજ કંપનીના એક મહિલા અધિકારીને આ બાબતની જાણ નાગરિકોએ કર્યા બાદ આખરે વીજ કંપની માં જાણે કરંટ આવ્યો હોય તેમ પગલાં ભરવામાં આવ્યાં હતાં.વીજ વાયર બદલવામાં આવતાં રહીશો એ હાશકારો અનુભવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.