તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક વ્યક્તિ, એક પદની નીતિનો ભંગ:31 નવા ચહેરા, ભાજપે ખેલ્યો પાલિકામાં જુગાર, પ્રમુખ, બે મહામંત્રીને ટિકિટ આપી સંગઠનના લોકોને પ્રાધાન્ય અપાયું

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
એક તબક્કે શહેર ભાજપના કાર્યાલયે સાંજે સન્નાટો જોવા મળ્યો હતો. - Divya Bhaskar
એક તબક્કે શહેર ભાજપના કાર્યાલયે સાંજે સન્નાટો જોવા મળ્યો હતો.
 • પાલિકાના બે પૂર્વ પ્રમુખ, કારોબારીના માજી ચેરમેન, સત્તાપક્ષના નેતા સહિતના 20થી વધુની ટિકિટ કપાતા સન્નાટો

ગાંધીધામ નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન હોવાથી આ વખતે ચૂંટણીમાં નવાજૂની થશે તેવી શક્યતાઓ ઉભી થઇ હતી. આજે બહાર પાડવામાં આવેલી યાદી ઉમેદવારોની જોવામાં આવે તો 31 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જ્યારે બે પૂર્વ પ્રમુખ, કારોબારીના પૂર્વ ચેરમેન, સત્તપક્ષના નેતા સહિતના 21 જેટલા સભ્યોને ભાજપે ટિકિટ કાપીને જુગાર ખેલ્યો છે. જોકે, પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સંગઠનના હોદ્દેદારોને મેદાનમાં નહીં ઉતારાય તેવી જાહેરાત કરાઇ હતી તેનો અમલ અહીં હાલના તબક્કે થયો નથી.

શહેર ભાજપ પ્રમુખ પુનીત દુધરેજીયા, બે મહામંત્રી તારાચંદ ચંદનાની અને વિજયસિંહ જાડેજા, સંગઠનના અન્ય હોદ્દેદાર બળવંત ઠક્કર વગેરેને મેદાનમાં ઉતારીને પાલિકા પર પુન: કબ્જો મેળવવા તૈયારી શરૂ કરી છે. જોકે, છેલ્લા પાંચ વર્ષના શાસનમાં થયેલા ગેરવહીવટને લઇને ભાજપનું ઘણું બધું સહન કરવું પડ્યું છે જેને લઇને પક્ષની છબી સુધારવા આગામી દિવસોમાં શું કામગીરી થાય છે તેની ઉપર પણ મદાર રહેશે. દરમિયાન ટિકિટની જાહેરાતના પગલે સમર્થકો અને જે કપાઇ ગયા છે તેના વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આગામી દિવસોમાં નવાજૂનીના સમીકરણો થાય તેવી શક્યતાના પગલે ડેમેજ કંટ્રોલની કામગીરી માટે ભાજપે કવાયત હાથ ધરી હોવાના સંકેત મળી રહ્યા છે.

પાલિકામાં નવા જૂની થશે તેવું છેલ્લા કેટલાય સમયથી વાતાવરણ હતું. મોટા માથાઓની ટિકિટ કાપવામાં આવશે તેવું હવામાન ઉભું થયું હતું. નગરપાલિકાના ગેરવહીવટને લઇને સરકાર દ્વારા જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી જેમાં અનેકવિધ વિવાદો થયા હતા અને લોકો સુધી જે સુવિધાઓ પહોંચાડવાની સરકારની નેમ હતી તેમાં જે તે સમયના મુખ્ય સૂત્રધાર ગણી શકાય તેવા હોદ્દેદારો ઉણા ઉતર્યા હતા. પક્ષની છબી ખરડાય તેવા ઉડાઉ જવાબ પણ આપવામાં આવતા હતા, જેને લઇને ઉચ્ચકક્ષાએ અવારનવાર રજૂઆતો પણ થતી હતી.

દરમિયાન ગઇ કાલે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરીની બેઠક પૂર્ણ થયા પછી કલાકો સુધી સમુદ્ર મંથનની જેમ ભાજપમાં મનોમંથનની પ્રક્રિયા ચાલી હતી. દરમિયાન આખો દિવસ અનેકવિધ અટકળો ચાલી હતી. જે ગુરૂવારે રાત્રે અંદાજે 8.30 કલાક બાદ ભાજપની યાદી બહાર પડતાં જ અંત આવ્યો હતો.

યાદી બહાર પાડતાં જ પ્રથમ દ્રષ્ટીએ જોવામાં આવે તો ભાજપે પૂર્વ પ્રમુખો ગીતાબેન ગણાત્રા અને કાનજીભાઇ ભર્યાને ટિકિટ આપી નથી. સત્તાપક્ષના નેતા ચંદન જૈનને ટિકિટ મળી નથી. આવી જ રીતે કારોબારી સમિતિના ચેરમેન તરીકે છેલ્લે અઢી વર્ષ કામગીરી કરી ચૂકેલા અને અગાઉ પણ વિજેતા બનેલા વિજય મહેતાને પણ ટિકિટ આપી નથી. તેમના પત્નીને પણ ટિકિટ માટે માગણી કરાઇ હતી જેની પણ ભાજપે પસંદગી ઉતારી નથી.

ગાંધીધામના ધારાસભ્યનો હાથ ઉંચો રહ્યો?
સૂત્રોના દાવા મુજબ પસંદગી ઉમેદવારોની કરવામાં આવી છે જેમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનો હાથ ઉપર રહ્યો હોવાનું અનુમાન છે. છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જેવી સ્થિતિના પગલે કેટલાય કાર્યકરોના બ્લડપ્રેસર વધી ગયા હતા. જેને લઇને પણ અનેકવિધ અટકળો શરૂ થઇ હતી.

ત્રણ ટર્મવાળા ચારથી વધુ ઉમેદવારોને તક
ભાજપે બહાર પાડેલી યાદી પર નજર નાખવામાં આવે તો રાજકીય વિશ્લેષકોના મત મુજબ વોર્ડ નં.2માં ઉષાબેન નંદલાલ મીઠવાણી, વોર્ડ નં.4માં સુરેશ ગરવા અને વોર્ડ નં. 10માં તારાચંદ સુરજમલ ચંદનાણી તથા મનોજ મુલચંદાણીનો સમાવેશ થાય છે. વોર્ડ નં.7માં પુનમ પરીયાણીના બદલે તેમના પતિ કમલેશ પરીયાણીને ટિકિટ ફાળવવામાં આવી છે. પરીવારવાદની વાત ભલે કરવામાં આવી હોય પરંતુ અન્ય કેટલાય કિસ્સાઓમાં પરીવારને મહત્વ અપાયું હોવાનું પ્રાથમિક તારણ પણ નિકળી રહ્યું છે.

સિંધી જ્ઞાતિને 8 ટિકિટ ફાળવવામાં આવી
જ્ઞાતિવાઇસ સમીકરણો પણ રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભલે જે તે પક્ષ વાળા જ્ઞાતિવાદમાં માનતા નથી તેવું કહેતા હોય. સિંધી સમાજને ભાગે 8 ટિકિટ ફાળવવામાં આવી છે. ગત બોડી વખતે 7 સિંધી નગરસેવક તરીકે સેવા આપતા હતા. જેમાં મોમાયાભા ગઢવીને ત્રણ સંતાન થતાં તેના રાજીનામાના પગલે ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી થતાં દિનેશ લાલવાણીને ભાજપે મેદાને ઉતારીને સફળતા મેળવી હતી. જેને લઇને 8ની સંખ્યા છેલ્લે રહી હતી.

કાર્યક્રરોમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ
ભાજપના કાર્યાલય પર ગઇ કાલે પણ પૂછપરછનો દોર માટે કાર્યકરોએ ભીડ જમાવી હતી. જુદા જુદા વોર્ડમાંથી જે તે ઉમેદવારી કરનારના સમર્થકોના ટોળા પણ જોવા મળ્યા હતા પરંતુ મોડી રાત સુધી કોઇ જાહેરાત સત્તાવાર રીતે થાયતેવું ન જણાતા આખરે રાહ જોઇને કંટાળેલા કાર્યકરો ચાલ્યા ગયા હતા. અલબત, છેલ્લે જ્યારે યાદી આવી ત્યારે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોના નામની જાહેરાતના પગલે કહીં ખુશી કહીં ગમના માહોલ વચ્ચે ભાજપ પાર્ટીએ જેની ઉપર ભરોસો મુક્યો છે તેવા હોદ્દેદારો પુનીત દુધરેજીયા, તારાચંદ ચંદનાની, વિજયસિંહ જાડેજા તથા અન્ય હોદ્દેદારોની ભૂમિકા મહત્વની બની રહેશે. ભાજપમાં નુકશાન થાય તેવા પ્રયત્ન અત્યારથી થઇ રહ્યા છે તેને ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી સુપેરે પાર પાડવામાં ન આવે તો કેટલીક બેઠકો પર ભાજપને સહન કરવું પડે તેવી સ્થિતિ જણાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો