ભુજ:લોકડાઉનમાં 2905 લોકો પોલીસની ઝપટે ચડ્યા

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે માસના લોકડાઉનમાં 50 ટકાથી વધુ કેસ તો ત્રીજી આંખની મદદથી નોંધાયા

કોરોના કોવિડ-19 વાયરસના સંક્રમણને અટકાવા ગત 25 માર્ચથી સમગ્ર રાજ્ય સાથે પશ્ચિમ કચ્છમાં લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં બે માસ દરમિયાન જિલ્લાભરમાંથી કુલ 2,905 વ્યક્તિઓ સામે જાહેર નામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 50 ટકાથી વધુ લોકો સીસીટીવી કેમેરાના ‘નેત્રમ’ અને ડ્રોન કેમેરા સર્વેલન્સ મારફતે કેદ હતા.

પૂર્વ કચ્છમાં 644 કેસ દાખલ કરાયા અને 1080 લોકોની અટકાયત કરવામાં આવી
પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શહેર અને તાલુકાના ગામોમાં અલગ અલગ ટીમો બનાવીને વિવિધ પોઇન્ટ પર રાતદિવસ જાપ્તો ગોઠવી કોઇ કારણ વગર ઘરની બહાર ન નીકળે અને કોરોના વાયરસનો ચેપ ફેલાય નહીં તેની ખાસ તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા બે મહિના દરમિયાન જાહેર નામાનો ભંગ કરી ઘર બહાર કારણ વગર નીકળનારાઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. 

પશ્ચિમ કચ્છમાં 1180 કેસ નોંધાયા અને 1159 લોકોની અટક કરવામાં આવી
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અત્યાર સુધી 1180 જાહેરનામા ભંગના ગુના નોંધી કુલ 1159 વ્યક્તીઓની અટક કરાઇ છે જેમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ હાથ ધરીને ટોળું વળીને ભેગા થઇ જાહેર નામાનો ભંગ કરનારા 351 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરીને 120 જેટલા લોકોની અટકાયત કરી હતી. તેમજ સીસીટીવી સર્વેલન્સ ‘નેત્રમ’ના માધ્યમથી 195 લોકોને જાહેરનામાનો ભંગ બદલ કેદ થયા હતા જેમાંથી 66 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. તો, સીસીટીવી કેમેરા નેત્રમ દ્વારા એકથી વધુ વખત લોકડાઉન સમય દરમિયાન નીકળેલા 26 જેટલા વાહનની નંબર પ્લેટ પરથી વાહન ચાલકોનો સંપર્ક કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે પેટ્રોલીંગમાં રહેલા પીસીઆર સહિતના પોલીસ વાહનથી 80 જેટલા લોકોને કાયદસરની કાર્યવાહી કરી 63 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો.તેમજ જિલ્લાના પોલીસ મથકો દ્વારા કરવામાં આવેલ વિડીયોગ્રાફિમાં 386 લોકો જાહેરનામાનો ભંગ કરતા પકડાયા હતા જેમાંથી 273 લોકો સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા. તો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે 93 જેટલા લોકો સોશીયલ ડિસ્ટન્સનું પાલન ન કરવા બદલ પોલીસના હાથ ઝડપાઇ ગયા હતા. તો પૂર્વ કચ્છ પોલીસે અત્યાર સુધી 658 કેસ નોંધી કુલ 1,746 લોકોની અટક કરી છે જેમાંથી ડ્રોન સર્વેલન્સથી 299, સીસી ટીવી કેમેરાની મદદથી 57 અને એએનપીઆર કેમેરાની મદદથી 12 અને વીડીયોગ્રાફીની મદદથી 261 ગુના નોંધ્યા હતા.   

બન્ને જિલ્લામાં અફવા ફેલાવનાર 19 સામે ગુના નોંધાયા 17 પકડાયા
કોરોનાની મહામારી વચ્ચે લોકોમાં વૈમનશ્ય ફેલાય તેમજ લોકડાઉનની કામગરી પર ખોટી ટીપણી સોશીયલ મીડીયામાં પોસ્ટ કરી અફવા ફેલાવવાનું કૃત્ય કરનારા લોકો વિરૂધ્ધ પશ્ચિમ દસ લોકો સામે સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી.તો પૂર્વ કચ્છમાં 9 લોકો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો અને 9 ને પકડી લેવાયા હતા.

હોમ કોરેન્ટાઇનના ભંગ બદલ 23 શખ્સો સામે પણ નોંધાયો ગુનો
કોરોના વાયરસના સંક્રમણનો જેના દ્વારા ચેપ ફેલાય તેવી શક્યતા રહેલી હોય તેવા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવા છતાં ઘરની બહાર નીકળી લોકોમાં કોરોના વાયરસ ફેલાય તેવો ભય ફેલાવનારા 11 લોકો સામે પશ્ચિમ કચ્છ પોલીસે અને 12 વિરૂધ્ધ પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...