તપાસનો દોર જારી:મુન્દ્રાના ડ્રગ્સ રેકેટમાં NDPS એક્ટ તળે 2 ટન હેરોઈન, 18 બેગ પાવડર, 1 કન્ટેનર સીઝ કરાયું

ગાંધીધામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજી હવે બીજું કન્ટેનર ચેક થશે : આજે ફરી એફએસએલની ટીમને મુન્દ્રામાં તેડુ
  • ફી દ્રવ્યનો કચ્છ માટે વિક્રમરૂપ જથ્થો પકડાતા રાષ્ટ્રવ્યાપી પડઘા : દેશમાં 10 સ્થળોએ દરોડા પડ્યા

મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ મામલે ચાલતી ડીઆરઆઈની તપાસમાં ચોથા દિવસે ઝડપાયેલા બે પૈકી એકનું કન્ટેનરની સંપુર્ણ કાર્ગો ચેકિંગ પુરી થતા તે અંગે નારકોટિક્સ એકટ તળે ગુનોં નોંધવામાં આવ્યો હતો. શુક્રવારે એક કન્ટેનર અને તેમાંથી મળેલા 18 જમ્બો બેગમાં સામેલ પાવડર અને ડ્રગ્સના જથ્થાને સીઝ કરાયો હતો. જેમાં બે બેગમાં ભરેલો બે ટન હેરોઈનનો જથ્થો પણ સામેલ છે. જેમાં તપાસ પુરી થઈ છે, તે કન્ટેનરમાં કુલ જમ્બો સાઈઝના18 બેગ હતા. જે પ્રત્યેક માં એક ટન જેટલો જથ્થો સમાઈ શકે તેમ છે. 18માંથી 16માં ડિક્લેર કરેલી આઇટમ ટેલ્કમ પાવડર જ હોવાનું સામે આવ્યું હતું તો બે બેગમાં હેરોઈનનો જથ્થો હતો. પાવડરની આડમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હોવાનું ખૂલતા કન્ટેનર સહિત, 16 બેગ પાવડર અને બે હેરોઈન ડ્રગ્સના બેગને એનડીપીએસ એક્ટ તળે સીઝ કરી દેવામાં આવ્યા હતા.

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મુંદ્રા પોર્ટ પર મંગળવારે અફઘાનિસ્તાન થી વાયા ઈરાન થઈ આવેલા બે કન્ટેનરને રોકાવીને ડ્રગ્સની બાતમીના આધારે આદરાયેલી તપાસમાં બે ટન હેરોઈનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. જે આધારે તેના આંધ્રપ્રદેશના વિજયવાડામાં રહેલા આયાતકાર, સ્થાનિક સીએચએ તેમજ આ તપાસમાં નિકળતી અન્ય કડીઓના આધારે દિલ્હી અને મુંબઈ સહિતના દેશભરમાં 10 જેટલા સ્થળોએ ગત રોજથી દરોડા પાડવામાં આવ્યા છે.

તપાસ હજી ચાલુ હોવાથી તે અંગે હાલ વિગતો ઉપલબ્ધ નથી પરંતુ આ કેસમાં હજી એકજ કન્ટેનર ખુલ્યુ છે અને બીજુ અંદાજે આજથીજ ખોલીને તપાસ હાથ ધરવામાં આવનાર છે ત્યારે વધુ કડાકા ભડાકા થાય તેવી પુર્ણ સંભાવના જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જે માટે ફરી ગાંધીનગર અને રાજકોટથી એફએસએલની ટીમોને મુંદ્રા પોર્ટનું તેડુ આવ્યું હોવાનું પણ જાણવા મળે છે.

જુનમાં મુંદ્રા થી નિકળી ગયેલા કન્ટેનરનો જથ્થો ક્યાં ગયો ? તે દિશામાં ધમધમાટ
હાલમાં ઝડપાયેલા કન્ટેનરમાંથીજ હેરોઈન ડ્રગ્સ મળ્યું છે ત્યારે તેની તપાસમાં અગાઉજ આજ આયાતકાર, નિકાસકાર દ્વારા આજ ડિક્લેરેશન સાથેનું એક કન્ટેનર ચાલુ વર્ષે જુન મહિનામાં મુંદ્રા પોર્ટથી નિકળીને દેશમાં ઘુસી ગયાનું ખૂલ્યું હતુ. જેમાં ડ્રગ્સનો જથ્થો હોવાની પુર્ણ સંભાવનાઓ બની રહેલી છે. ત્યારે દેશમાં પગ કરી ગયેલો આ જથ્થો ક્યાં ગયો? તે દિશામાં પણ તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે. તપાસનીસ એજન્સીઓ એક બાદ એક કડીઓ મેળવી રહી છે.

કિંમત નિર્ધારણ અને વાસ્તવિક સ્થિતિ અલગઃ યુવાનો ગેરમાર્ગે ન દોરાય
ડ્રગ્સની બદીથી યુવાનો પહેલાથીજ બેહાલ હોવાની રિપોર્ટ્સ સતત સામે આવતી રહે છે ત્યારે ઓનલાઈન સીઝન, ફીલ્મોમાં પણ તેને દર્શાવાતા યુવાનોમાં તેને લઈને અલગ ક્રેઝનો અનુભવ કરે છે. પરંતુ બરબાદી તરફ ધકેલતી આ દિશામાં ઝડપાતા ડ્રગ્સના આંકડાઓ પણ યુવાનોને લલચાવતા હોવાનો મત સમાજના પ્રબુદ્ધ વર્ગ અને નિવૃત ઉચ્ચ અધિકારી દ્વારા વ્યક્ત કરાયો હતો. આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર થતું કિંમત નિર્ધારણ એક માનક રુપે ગણવામાં આવે છે. તેની ખરેખર કિંમત તેની ગુણવતા, ઓરીજન સ્થળ, ટ્રાન્સપોર્ટેશન, લોકલ માર્કેટ સહિતની બાબતો પર અવલંબતી હોય છે. એટલેજ વિભાગો દ્વારા સામાન્ય રીતે કિંમતો અંગે સતાવાર ફોડ ન પડાતો હોવાનો મત પણ વ્યક્ત કરાયો હતો.

કસ્ટમના ગુજરાત ચીફ કમિશનરે હવે જઈને નાખ્યા મુંદ્રામાં ધામા!
આટલો મોટો જથ્થો ઝડપાયો અને અગાઉ આવુંજ એક કન્ટેનર કસ્ટમના નાક નીચેથી નિકળી પણ ગયું છતાં મુંદ્રા કસ્ટમને ખબરજ ન પડી અને હવે જ્યારે ડીઆરઆઈએ આવીને ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઝડપ્યો ત્યારે કસ્ટમ વિભાગને મોઢુ છુપાવવા આડસ ન મળતી હોવાનો તાલ સર્જાયો છે. આ વચ્ચે એક દિવસ અગાઉજ તપાસનીસ એજન્સી ડીઆરઆઈના ઝોનલ હેડ સાઈટ પર લટાર મારી સ્થિતિ તપાસી ગયા, ત્યારે હવે જઈને ત્રીજા દિવસે કસ્ટમના ગુજરાત ચીફ કમિશનર મુંન્દ્રા પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...