ભચાઉ તાલુકાના નાની ચીરઇ ખાતે બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં વાડામાંથી રૂ.1.89 લાખના શંકાસ્પદ ચોરાઉ ખાદ્યતેલના જથ્થા સાથે બે ઇસમોની અટક કરાઇ હતી. પોલીસે બે બોલેરો ગાડી તેમજ 11 હજારના જીરાના જથ્થા સહિત કુલ રૂ.6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભચાઉ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે નાની ચીરઇમાં મેલડી માતાના મંદિર પાસે ભારતભાઇ ગોવિંદભાઇ ચાવડાના વાડામાં અમુક ઇસમો બોલેરો પીક-અપ અને કેમ્પર ગાડીમાં ગેરકાયદેરસ ખાદ્યતેલની હેરાફેરી કરી રહ્યા છે.
આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી 200 લીટરની ક્ષમતાવાળા બે બેરલમાંથી રૂ.48,000 ની કિંમતનું 400 લીટર, 20 લીટરની ક્ષમતા વાળા 19 કેરબામાંથી રૂ.45,600 ની કિંમતનું 380 લીટર અને 15 લીટરની ક્ષમતા વાળા 53 ડબ્બામાંથી રૂ.95,400 ની કિંમતનું 795 લીટર ખાદ્યતેલ મળી કુલ રૂ.1,89,000 ની કિંમતનું છળકપટ અને ચોરીથી મેળવેલું ખાદ્યતેલ ઉપરાંત રૂ.11,000 ની કિંમતનો 110 કિલોગ્રામ જીરાનો જથ્થો મળી આવતાં 3 લાખની બોલેરો કેમ્પર અને 1.50 લાખની બોલેરો પીકઅપ ગાડી મળી કુલ રૂ.6,50,000 નો મુદ્દામાલ કબજે કરી ભચાઉના વર્ધમાનનગરમાં રહેતા અનિલ જયંતિભાઇ વોરા અને જલારામ સોસાયટીમાં રહેતા ચિરાગ માવજીભાઇ રાજપુતની અટક કરી વધુ પુછપરછ શરૂ કરાઇ હોવાનું પીઆઇ આર.આર.વસાવાએ જણાવ્યું હતું. પૂર્વ કચ્છના એએસપી આલોકકુમારની સૂચના મુજબ ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ થયેલી કાર્યવાહીથી તેલ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.