કંડલા નજીક પગે ચાલીને જઇ રહેલા 16 વર્ષીય કિશોર ટેમ્પો નિચે ચગદાઇ જતાં મોત નિપજ્યું હતું જેમાં તે ટેમ્પો ચાલકના વેવાઇનો જ કુળદિપક હોવાનું બહાર આવ્યું હતું, તો અંજાર-મુન્દ્રા હાઇવે પર સિનુગ્રા પાસે બેફામ ગતીએ જઇ રહેલા ટેન્કર અડફેટે બાઇક સવારનું મોત નિપજતાં આ હાઇવે પર માર્ગ અકસ્માતમાં વધુ એક જીવ ગયો હતો, તો બાઇક ચાલકને ઇજા પહોંચી હોવાની ઘટના નોંધાઇ છે.
કંડલા નજીક હનુમાન મંદિર પાસે બનેલી કરૂણ ઘટનામાં અંતરજાળ રહેતા દેવજીભાઇ જેસંગભાઇ આગરિયાએ કંડલા મરિન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.3/8 ના રોજ રાત્રે 9:45 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં તેમનો 16 વર્ષીય ભત્રીજો શિવમ ધનજીભાઇ આગરીયા પગે ચાલીને જઇ રહ્યો હતો ત્યારે ટેમ્પો ચાલક વજાભાઇ કાનાભાઇ મ્યાત્રાએ તેને અડફેટે લીધો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. આ બાબતે નારાણભાઇ કાનાભાઇ મ્યાત્રાએ તેને ફોન કરીને જાણ કરતાં તેઓ રામબાગ પહોંચ્યા હતા. અકસ્માત સર્જનાર વજાભાઇ કાનાભાઇ મ્યાત્રાએ અકસ્માત બાદ નારાણભાઇને જાણ કર્યા બાદ તેમના ટેમ્પો નીચે ચગદાઇ મૃત્યુ પામનાર તેમના વેવાઇનો જ પુત્ર હોવાનું જાણવા મળતાં તરત વેવાઇને આ બાબતે જાણ કરી હતી. વેવાઇના ટેમ્પો નીચે વેવાઇનો કુળ દિપક બુઝાતાં બન્ને પરિવારોમાં માતમ છવાયો હતો. દેવજીભાઇ જેસંગ મ્યાત્રાએ અકસ્માત સર્જનાર વજાભાઇ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે તે આધારે કંડલા મરિન પોલીસ મથકના પીઆઇ કે.પી.સાગઠીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
મિંદિયાળાના સુરાણીવાસમાં રહેતા 30 વર્ષીય કાનજીભાઇ પચાણભાઇ રબારી ગામના જ જેશાભાઇ કરણાભાઇ રબારી સાથે સિનુગ્રા રોડ પર આવેલા ચાંપલ માતાજીના મંદિર પાસે બાઇક રાખી નડિયાદ મેલડી માતાજીના દર્શન કરવા ગયા હતા. ગત રાત્રે તેઓ પરત આવી સિનુગ્રા રોડ પર રાખેલું બાઇક લઇ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ આવેલા ટેન્કર ચાલકે તેમના બાઇકને અડફેટે લેતાં બાઇક ચલાવી રહેલા કાનજીભાઇને સામાન્ય ઇજાઓ પહોંચી હતી પણ પાછળ સવાર જેશાભાઇ કરણાભાઇ રબારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે એકઠા થઇ ગયેલા લોકોએ 108 મારફત તેમને અંજાર સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં જેશાભાઇએ દમ તોડ્યો હતો. જીવલેણ અકસ્માત સર્જી ટેન્કર મુકી ભાગી ગયેલા ચાલક વિરૂધ્ધ કાનજીભાઇએ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ છાયાબેન બી. રાઠોડે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ બન્ને રોડ અકસ્માત ઝોન
અંજાર-મુન્દ્રા હાઇવે તથા ગાંધીધામ કંડલા હાઇવે પર બે રોકટોક બેફામ ગતિએ વાહન વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જેને કારણે સમયાંતરે આ બન્ને રોડ ઉપર જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે અને આ બન્ને રોડ અકસ્માત ઝોન બની ગયા છે. આ અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે તંત્ર દ્વારા પણ કોઇ કડક અને નક્કર પગલાં લેવાતા નથી તેમજ આ રોડ પર દોડી રહેલા વાહનોના ચાલકો પણ સમજણ રાખવા તૈયાર નથી , જો કડક કાર્યવાહીની ઝૂંબેશ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તો રાહત મળી શેકે તેમ છે. ખાસ કરીને ગા઼ધીધામ કંડલા રોડ પર અને તેમાં ય સર્વિસ રોડ ઉપર પણ બેફામ ગતિની વાહનો દોડાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.