ગાંધીધામના ખોડિયારનગર ઝૂંપડા વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે ઝૂંપડામાંથી રૂ.16,800 ની કિંમતના 1.680 કિલોગ્રામ ગાંજા સાથે 1 આરોપીને પકડી મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
આ બાબતે પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગત સાંજે હેડકોન્સ્ટેબલ ખોડુભા અને કોન્સટેબલ રવિરાજસિંહને બાતમી મળી હતી કે ખોડિયારનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર પાછળ રહેતો મુળ પાટણના રાધનપુરનો હરજી મુળજી દેવીપૂજક પોતાના ઝૂંપડામાં માદક પદાર્થ રાખી વેંચાણ કરે છે.
આ બાબતીના આધારે તેના ઝૂંપડામાં દરોડો પાડી તલાશી લેતાં રૂ.16,800 ની કિંમતનો 1.680 કિલોગ્રામ ગાંજો મળી આવતાં એફએસએલની ટીમ બોલાવી ચેક કરાવ્યા બાદ રૂ.5,000 ની કિંમતના મોબાઇલ તથા રૂ.3,400 રોકડ મળી કુલ રૂ.25,200 ના મુદ્દામાલ સાથે હરજીની અટક કરી હતી. આ ગાંજાનો જથ્થો તેને ખોડિયારનગર ઝૂંપડામાં જ રહેતો મનોજ કરમશી દેવીપૂજક આપી ગયો હોવાનું જણાવ્યું હતું. જો કે મનોજને પકડવાનો બાકી છે. આ કામગીરીમાં પીઆઇ જાડેજા સાથે પીએસઆઇ ડી.જી.પટેલ સહિતની ટીમ જોડાઇ હતી.
મીની મુંબઇની ઓળખ ધરાવતા ગાંધીધામમાં કડક તપાસ થાય તો માદક પદાર્થના રેકેટનો થાય પર્દાફાશ
મીની મુંબઇ તરીકે ઓળખ ધરાવતા ગાંધીધામ સંકુલમાં પચરંગી વસ્તી વસી રહી છે અને આ શહેરનું કલ્ચર પણ મોટા મેટ્રોસિટી જેવું છે. આ શહેરમાં સ્પાની આડમાં દારૂ અને માદક પદાર્થનું સેવન, હુક્કાબાર જેવા અનેક દુષણોનો પણ ભુતકાળમાં પર્દાફાશ થઇ ચુક્યો છે. તો ગાંજા જેવા માદક પદાર્થનું ખુલ્લેઆમ વેંચાણ થતું હોવાના વિડીયો પણ વાયરલ થઇ ચુક્યા છે. જો પોલીસ માદક પદાર્થની દી સામે કડક કામગીરી હાથ ધરે તો મોટા રેકટનો પર્દાફાશ થઇ શકે તેમ છે.
શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સઘન કાર્યવાહી જરૂરી
ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં આવેલા વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં મોટે ભાગે બહારના લોકો જે મજુરી અર્થે આવીને વસવાટ કરે છે. આ વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂ, ગાંજા જેવા માદક પદાર્થોનો ધંધો મોટા પાયે વકરી રહ્યો હોવાની તેમજ નશાના રવાડે ચડ્યા બાદ મારામારીની ઘટનાઓ તેમજ છેડતીના બનાવો પણ ભૂતકાળમાં અનેક બનાવો નોંધાઇ ચુક્યા છે. જો આ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન અને કડક તપાસ કરવામાં આવે તો આ પ્રકારના અનેક આરોપીઓ પકડાય અને આ વિસ્તારના રહેવાસીઓની જે ફરિયાદ છે તેનો ઉકેલ આવી શકે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.