ચોરી:કાસેઝમાં GSTએ સીઝ કરેલી સોપારીની 147 બોરી ઉપડી

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં ચોરીની બે ઘટનાઓ નોંધાતાં પોલીસ સામે પડકાર
  • માલિકે 4.41 લાખની કિંમતના 8820 કિલો સોપારી ચોરાઇ હોવાનું જણાવ્યું

ગાંધીધામ સંકુલમાં તસ્કરીના બનાવોને સતત અંજામ આપતી ગેંગ પોલીસ માટે પડકાર બની રહી છે જેમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી ગુટખાના એકમમાંથ રૂ.4.41 લાખની કિંમતના સોપારીની 147 બોરીઓની ચોરી થઇ હોવાની તેમજ ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાંથી રૂ.59 હજારના સાંસ્કૃતિક સાધનોની તસ્કરી કરાઇ હોવાન ઘટનાઓ નોંધાઇ છે. મુળ રાજસ્થાનના બાબુલાલ ઘીસારામ ભાટીની કાસેઝ ખાતે વૃન્દાવન કોમ્પલેક્સમાં સુગંધા એક્સપોર્ટ કંપની ગુટખાનું ઉત્પાદન કરી સરકારના નિયમોનું પાલન કરી વિદેશમાં નિકાસ કરે છે.

કોરોનાને કારણે વર્ષ-2020 થી કંપની બંધ છે. વર્ષ-2019માં જીએસટી વિભાગે પાડેલા દરોડામાં કંપનીમાં રહેલી કાચી સોપારીની 150 બોરી કુલ 9000 કિલોગ્રામ સોપારીનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. લોકડાઉન બાદ આયાત નિકાસ બંધ થતાં કાસેઝની સુગંધા એક્સપોર્ટ કંપની બંધ કરી દેવાઇ હતી. તેમાં કામ કરતા માણસો પોતાના વતન ચાલ્યા ગયા હતા. કંપનીની ચાવી આદિપુર રહેતા મેનેજર પ્રવિણ મનન પાસે રહેતી હતી. તા.11/8 ના રોજ કંપની ચાલુ કરવાની હોઇ તેઓ ગાંધીધામ આવ્યા હતા અને મેનેજર પ્રવિણને ફોન કર્યો હતો.

પરંતુ નો રિપ્લાય થતાં અગાઉ કંપનીમાં કામ કરતા તેમની સાથે આવેલા વિકાસે તાળું તોડી અંદર ગયા હતા. ચેક કરતાં કંપનીમાં માત્ર ત્રણ જ બોરી સોપારીની દેખાતાં ચોરી થઇ હોવાનો અંદાજો આવતાં વધુ તપાસ કરતાં કંપનીમાં રાખેલી સોપારીની 150 બોરીઓમાંથી રૂ.4,41,000 ની કિંમતના 8,820 કિલોગ્રામ સોપારીની 147 બોરીઓ ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે આ બાબતે બી-ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પીઆઇ સિધાર્થ કરંગીયાએ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કાસેઝના અભેદ કિલ્લામાંથી ચોરીની વધુ એક ઘટના ચોંકાવનારી : જાણભેદુની આશંકા
આમ તો કાસેઝની અંદર વા માટે પરમિશન પાસ હોય તો પણ સિક્યુરીટી ગાર્ડના ચેકિંગ બાદ જ અવર જવર શક્ય છે ત્યારે ઝોનના અભેદ કિલ્લામાં આવેલી બંધ કંપનીમાંથી 4.41 લાખની કિંમતના સોપારીની 147 બોરીની ચોરી કરવી કઇ રીતે શક્ય બને તે ચોંકાવનારીસ બાબત છે ત્યારે આ ચોરીને અંજામ જાણભેદુ જ આપી શકે તેવી શંકા પ્રબળ રીતે બતાવાઇ રહી છે. અગાઉ કાસેઝની અંદર લાગેલી લાઇટો, થાંભલા સહિતનો સરસામાન ચોરી થઇ હોવાની ઘટના ભૂતકાળમાં બની ચુકી છે, જેનો ભેદ હજુ પણ ઉકેલાયો નથી.