ચોરીના વધતા બનાવો:ઓશિયા મોલનો દરવાજો તોડી 13.70 લાખની ચોરી

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીના વધતા બનાવોથી ફેલાઇ ચિંતા ગાંધીધામ સંકુલમાં તસ્કરો માત્ર તકની રાહ જુએ છે, મળી એટલે અંજામ આપી દે છે
  • 13.50 લાખ રોકડ અને 20 હજારના ચાંદિના સિક્કા ઉપાડી જવાયા : ભેદ ઉકલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

ગાંધીધામમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે, સંકુલમાં તસ્કરો માત્ર તકની રાહ જુએ છે અને જો તક મળી તો અંજામ આપી દેતા હોય છે જેમાં રોટરી સર્કલ પાસે આવેલા ઓશીયા મોલમાંથી રૂ.13.70 લાખની ચોરીને અંજામ અપાયો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. રૂ.13.50 લાખ રોકડ અને રૂ.20 હજારની કિંમતના ચાંદીના સિક્કા ચોરી જવાયા હોવાનું મોલના મેનેજરે ફરિયાદમાં જણાવ્યું હતું.

મુળ ઝાલોરના હાલે સુભાષનગરમાં રહેતા અને રોટરી સર્કલ પાસે આવેલા ઓશિયા મોલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ખેતસિંહ અનોપસિંહ રાજપુતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીની ઘટના ગત રાત્રે સાડા અગિયાર વાગ્યાથી આજે સવારે આઠેક વાગ્યા દરમિયાન બન્યો છે જેમાં તસ્કરોએ મોલનું પહેલા માળનો દરવાજો તોડી અંદર પ્રવેશી ભોયતળિયામાં રાખેલી કેશ પેટીમાં રાખેલા રૂ.13,50,000 રોકડા તેમજ રૂ.20,000 ની કિંમતના 77 ચાંદિના સિક્કા મળી કુલ રૂ. 13,70,000 ની ચોરીને અંજામ આપ્યો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. આ ચોરીને અંજામ આપનાર જાણ ભેદુ હોવાનું અને આરોપીઓ હાથવેંતમાં હોવાનું જણાવી પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સીસી ટીવી કેમેરા તોડી 15 હજારનું નુકશાન પણ પહોંચાડાયું
શહેરના ધમધમતા રોડ પર આવેલા ઓશીયા મોલમાં ગત રાત્રી દરમિયાન પહેલા માળનો દરવાજો તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ સીસી ટીવી કેમેરા તોડી રૂ.15,000 નું નુકશાન પહોંચાડ્યું હોવાનું પણ મોલના મેનેજર રાજપુતે નો઼ધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...