ચાોરી:તુણા-કીડાણા વચ્ચે વીજ કંપનીના ફીડરમાંથી 1.25 લાખનો કેબલ ચોરાયો

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપની હોય કે સરકારી તસ્કરોને કેબલ ચાોરીથી મતલબ !
  • નાયબ ઇજનેરે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

છેલ્લા ઘણા સમયથી પૂર્વ કચ્છમાં કેબલ ચોર રીતસર તરખાટ મચાવી રહ્યા છે, તુણા-કિડાણા વચ્ચે વીજ કંપનીના ફીડરમાંથી જતા રૂ.1.25 લાખની કેબલ ચોરીને અંજામ અપાયો હોવાની ફરિયાદ આદિપુર નાયબ ઇજનેરે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે. આ ઘટના સાબિત કરી રહી છે કે, ખાનગી હોય કે સરકારી તસ્કરોને કેબલ ચોરીથી મતલબ છે. આ ઘટનાઓ પોલીસ માટે પડકાર બની રહી છે.

આદિપુર પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર હિતેષભાઇ પ્રતાપભાઇ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તા.15/9 ના તેમના જુનિયર ઇજનેર વી.કે.પટેલે જાણ કરી હતી કે, 11 કેવી કિડાણા સબ સ્ટેશનથી તુણા વીન્ડમીલ તરફ જતી વીન્ડ મીલ ઇલેક્ટ્રીક ફીડર લાઇન બાજુ તેઓ સર્વે કરવા ગયા ત્યારે પોલ નંબર 51 થી પોલ નંબર 90 સુધીના પોલ ઉપર લગાડેલા એલ્યુમિનિયમના ત્રણેય તાર જોવા મળ્યા નથી જે ચોરી થયા છે.

આ જાણ થયા બાદ તેઓ જુનિયર ઇજનેર સાથે ઘટનાસ્થળે જઇ તપાસ કર્યા બાદ તેમણે તા.15/9 ના 11 વાગ્યા પહેલાં કોઇ પણ સમયે રૂ.1,25,215 ની કિંમતનો 33 ગાળાનો 1.98 કિ.મી લાઇનના એલ્યુમિનિયમના 796 કિલોગ્રામ વજનના કેબલ કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી હતી.

ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા તેમજ પંચનામું કરાવી આ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ફરિયાદના આધારે પીઆઇ કે.પી.સાગઠીયાએ વધુ તપાસ હાથ ધરી છે. કેબલ ચોરીએ આખા પુર્વ કચ્છ માટે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે. રાપર અને ભચાઉ પંથકમાં પવન ચક્કીઓમાંથી તેમજ અન્ય બેંક દ્વારા સીલ કરેલી પેઢીઓમાંથી કેબલ ચોરીની ઘટનાઓ રોજિંદી બની છે.

અન્ય સમાચારો પણ છે...