ચોરી:રેલ્વે કોલોનીના મકાનમાંથી 1.22 લાખની માલ મત્તા ચોરી જવાઇ

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં તહેવારો પછી પણ તસ્કરોનો તરખાટ જારી
  • 1.12 લાખના દાગીના, 7500 રોકડ અને એક કાંડા ઘડિયાલ ઉપાડી જવાઇ

ગાંધીધામ સંકુલમાં તહેવારો બાદ એક પછી એક ઘરફોડ ચોરીના બનાવો બહાર આવી રહ્યા છે જેમાં રેલ્વે કોલોનીમાં તસ્કરોએ ધોળા દિવસે મકાનમાં પ્રવેશ કરી રૂ.1.12 લાખના દાગીના, રૂ.7,500 રોકડ અને કાંડા ઘડિયાલ સહિત કુલ રૂ.1.22 લાખની માલમત્તા ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

રેલ્વે કોલોનીના મકાન નંબર 96/બી માં રહેતા મુળ ઉત્તર પ્રદેશના રેલ્વેના 57 વર્ષીય કર્મચારી તલદમહેમૂદ ઝુલ્ફીકારહુસેન અંસારીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગત સાંજે 4:30 થી 7 વાગ્યા દરમિયાન બન્યો હતો જેમાં તસ્કરોએ તેમના ઘરનો પાછળનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોખંડના કબાટમાં રાખેલા રૂ.1,12 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂ.7,500 રોકડ તેમજ રૂ.2,000 ની કિંમતનું કાંડા ઘડિયાળ મળી કુલ રૂ.1,22,000 ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. આ બાબતે તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગળપાદરમાં બેંક મેનેજરના બંધ મકાનમાંથી ચોરી, આદિપુરના વોર્ડ-3/એ ના ખુલ્લા પ્લોટમાંથી પબ્લીસિટી કંપનીના પાઇપની ચોરી, શીણાયના બંધ મકાનનો નકૂચો તોડી ચોરીનો પ્રયાસ તેમજ રેલ્વે કોલોનીના બંધ મકાનમાંથી ચોરી આ ઘટનાઓ માત્ર 8 દિવસના ગાળામાં નોંધાઇ છે ત્યારે લોકો માટે આ ચંતાજનક બાબત છે અને તસ્કર ગેંગ પોલીસ માટે પડકાર બની છે. નોંધવુ રહ્યું કે શીયાળાની શરૂઆત સાથે ચોરીઓનો સીલસીલો શરૂ થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયમાંજ ચોરીઓની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે પોલીસ સીસીટીવીનો સહારો લઈને તસ્કરોની ઓળખ કરે તેમજ પેટ્રોલીંગ વધારે તેવો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...