ડીઝલ ચોરી:રાપર પાલિકાના ટ્રેક્ટર અને છકડામાંથી 1000નું ડીઝલ ચોરાયું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચર્ચાસ્પદ ઘટનામાં અંતે સુધરાઇ જાગી અને કાયદાકીય પગલાં ભર્યાં

રાપર નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા જતા ટ્રેક્ટર અને સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ માટેના છકડામાંથી રૂ.1,000 ની કિંમતનું ડીઝલ ચોરી કરનાર હંગામી ચાલક તેમજ એક અજાણ્યા ઇસમ વિરૂધ્ધ સેનેટરી ઇન્સ્પેક્ટરે ગુનો નોંધાવ્યો હતો.

મુળ બનાસકાંઠાના હાલે રાપર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ રમણભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.22/10 ના સવારે પાલિકાનો સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ ના છકડાના ચાલક ધનજીભાઇ લાધાભાઇ પટેલે તેમને જાણ કરી હતી કે, તેમની છકડીના ડિઝલની ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે. આ વાત કરતાં આ વાહનો જે કમ્પાઉન્ડમાં રાખવામાં આવે છે ત્યાં લગાડવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ ધનજીભાઇ તથા ટ્રેક્ટર ચાલક દેવજીભાઇ વેલાભાઇ મેરીયાએ ચેક કરતાં તા.21/10 ના રાત્રે 1 વાગ્યાના અરસામાં ટ્રેક્ટરના હંગામી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો નવિન કલુભાઇ કોલી તેની સાથેના અજાણ્યા ઇસમ સાથે મળી ટ્રેક્ટર તેમજ છકડીમાંથી ડીઝલ ચોરી કરતા દેખાયો હતો. આ બન્ને જણાએ પાલિકાના ટ્રેક્ટર અને છકડીમાંથી રૂ.1,000 ની કિંમતનું 10 લીટર જેટલું ડીઝલ ચોરી કર્યું હોવાનું જણાતાં આ બાબતે ચીફ ઓફિસર મયુરભાઇ જોષીને જાણ કરી હતી. તેમણે લેખિતમાં આપવાનું તેમજ નગરપ્રમુખને જાણ કરવાનું કહેતાં તમામ પ્રોસેસ બાદ રાપર પોલીસ મથકે અરજી આપી હતી. આજે ફરિયાદ નોંધાઇ હતી જે ઘટનામાં પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ તપાસ હાથ ધરી છે.આ ઘટનાથી લાગે છે પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવો આ પ્રકારના બનાવો પણ દેખાડશે તેવીચર્ચા ઉપડી હતી.

અન્ય સમાચારો પણ છે...