ક્રાઇમ:કાસેઝમાં ચોરી કરવા ઘૂસેલા 10 ઇસમોએ પથ્થરમારો કર્યો, સુરક્ષા કર્મીએ કર્યું ફાયરિંગ

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલા સ્પે. ઇકો. ઝોનના અભેદ કિલ્લામાં સમયાંતરે હુમલાના બનાવો ચિંતાજનક

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ચોરીના ઇરાદે તલવાર, ધારિયા, છરી અને ધોકા સાથે ઘૂસેલા 8 થી 10 ધાડપાડુઓને પેટ્રોલિંગ કરી રહેલા કાસેઝના સુરક્ષા કર્મીઓએ પડકારતાં ધાડપાડુઓએ પથ્થર મારો કર્યો હતો જેમાં 4 સુરક્ષા કર્મી ઘાયલ થયા હતા તો સ્વ બચાવમાં એક સુરક્ષા કર્મીએ હવામાં ગોળીબાર પણ કર્યો છતાં ધાડપાડુઓ કાસેઝની બોલેરોમાં નુકશાન પહોંચાડી ફરાર થઇ ગયા હોલવાની ઘટનાએ ચકચાર મચાવી હતી.

કસ્ટમ કોલોની ટાઇપ 2 માં રહેતા અને કાસેઝમાં સિક્યુરીટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય કમોરસિંગ સાહબસિંગ જાટે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજે વહેલી સવારે 4:50 ના અરસામાં ફરજ પર તૈનાત જીવરાજભાઇ મહેશ્વરી , વી.વી.ગુંસાઇ, હિન્દુસ્તાન સિક્યુરીટીના ગાર્ડ હિતેન્દ્રસી઼હ જાડેજા, સુર્યરાજસિંહ જાડેજા , કાળુભા સોઢા, ગનમેન બળદેવ મહેતા ફ્રી ટ્રેડ ઝોનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ઝોનમાં આવેલી વોલટ્રીક્સ કંપની પાસે બે ઇસમો દેખાતાં ટોર્ચના અજવાળે અંદર જતાં રેમ્પ ઉપર ચોરીના ઇરાદે તલવાર, ધારિયા, કુહાડી અને ધોકા સાથે ઘૂસેલા 8 થી 10 ઇસમો દેખાતાં તેમને સુરક્ષા કર્મીઓએ તેમને પડકારતાં ધાડ પાડવા આવેલા ઇસમોએ પથ્થરમારો કરતાં જીવરાજભાઇ મહેશ્વરી, સૂર્યદિપસિંહ, હિતેન્દ્રસિંહ અને કાળુભા સોઢાને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. પથ્થરમારા દરમિયાન ગનમેન બળદેવ મહેતાએ હવામાં ફાયરિંગ પણ કર્યું હોવા છતાં પથ્થરોના બેફામ ઘા કરી બોલેરોમાં નુકશાન પહોંચાડી ધાડપાડુઓ ફરાર થઇ ગયા હતા.

તેમની આ ફરિયાદના આધારે અજાણ્યા 8 થી 10 વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઇ સુમિત દેસાઇએ જાતે હાથ ધરી છે. આર્થિક ક્ષેત્રે અતિ મહત્વના કંડલા સ્પેશિયલ ઇકોનોમીક ઝોનમાં અસામાજિક તત્વો દ્વારા અવાર નવાર ચોરી અને હુમલાના બનાવોને અંજામ અપાય છે જે ખરેખર ચિંતાજનક બાબત છે.

2019માં પણ ગાર્ડ પર હુમલો કરાયો હતો
વર્ષ-2019 માં પણ કાસેઝના મેઇન ગેટ પર તૈનાત ગાર્ડે કિડાણાના અક્રમ ઇસ્માઇલ ચાવડા અને ગની ઇસ્માઇલ ચાવડાને ગેર કાયદેસર પ્રવેશ કરવાની ના પાડ્યા બાદ બન્ને ભાઇઓ સાથેના અન્ય પાંચ ઇસમોએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી જેના સીસી ટીવી ફુટેજ પણ વાયરલ થયા હતા. તો પિતા પુત્ર સાથે પણ અંદર પ્રવેશ માટે પણ બબાલ થઇ હતી. કાસેઝમાં અવાર નવાર આ પ્રકારના ચોરી અને હુમલાના બનાવો તેમાં પણ સિક્યુરિટી ગાર્ડ પરના હુમલાઓના બનાવો ચિંતાજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...