આદિપુરના ઓમ મંદિર સામેના કાચા રસ્તે રૂ.81 હજારનો ખાંડનો જથ્થો અને રુ.11,900 નો ઘઉંનો જથ્થો ટેમ્પો મારફત સગેવગે કરતો શખ્સ સ્થાનિક પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પીએસઆઇ એચ.એસ.તિવારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન તેમને ચોક્કસ મળેલી બાતમીના આધારે ઓમ મંદિર સામેના કાચા રસ્તે ચોરી કે છળ કપટથી મેળવેલો ખાંડ અને ઘ.ંનો જથ્થો ટેમ્પો મારફત સગેવગે થાય તે પહેલાં જ ત્યાં દરોડો પાડી મુળ બનાસકાંઠાના ખીમાણા ગામના મનુજી પ્રધાનજી ઠાકોરને રૂ.81,000 ની કિંમતની ખાંડની શંકાસ્પદ 160 બોરી અને રૂ.11,900 ની કીંમતના શંકાસ્પદ ઘઉંની 21 બોરીઓ સાથે પકડી રૂ.8,00,000 ની કિંમતના આઇસર ટેમ્પો સહિત કુલ રૂ.8,92,900 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં પીએસઆઇ સાથે હેડકોન્સ્ટેબલ વનરાજસિંહ દેવલ, દિનેશભાઇ પરમાર, ભરત કાનગડ, વિક્રમસિંહ હડિયોલ સહિતની ટીમ જોડાઇ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કિડાણાના ગોડાઉનમાંથી પણ લોડિંગ અનલોડિંગ સમયે જથ્થો ચોરી કરાયો હોવાની ઘટના બની હતી. કોરોના કાળ બાદ આ રીતે ચોરી અને છળકપટના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
એક્સપોર્ટ થવા રોજ આવે છે ઘઉંનો જથ્થો
રશિયા અને યુક્રેનના યુદ્ધના પરિણામ સ્વરુપ તેનો ઘઉં એક્સપોર્ટ સબંધિત પરોક્ષ લાભ ભારતને મળી રહ્યો છે. દેશ માટે વિપુલ પ્રમાણમાં ઘઉંની ઉત્પાદકતા છે ત્યારે વિશ્વના મહતમ દેશોને સપ્લાય કરતા આ બન્ને દેશો યુદ્ધમાં સામેલ હોવાથી અન્યોની માંગની પુર્તી કરી શકતા નથી. આ દરમ્યાન ભારત તે તમામ દેશો માટે આર્શિવાદરુપ બનીને ઉભરી આવી સહુની ઘઉંની આપુર્તી કરી રહ્યું છે. આ માટે દેશભરમાંથી મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો કંડલામાં એક્સપોર્ટ થવા ઠલવાઈ રહ્યો છે, ત્યારે તેમાંથી ચોરી થવાની સંભાવના પણ વધી જવા પામે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.